છેલ્લા ૫ વર્ષમાં ૭૫૦ થી વધુ વિદેશી વિદ્યાર્થીઓએ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું

0
10

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) દ્વારા વર્ષ ૧૯૫૦ થી વિદેશી છાત્રોને ભારતીય સાંસ્કૃતિક રાજદૂત તરીકે તૈયાર કરવા સાંસ્કૃતિક આદાન-પ્રદાન શૈક્ષણિક કાર્યક્રમ અમલી બનાવ્યો છે. આ અંતર્ગત ગુજરાતની ૧૩ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા ૨૦૭ વિદેશી છાત્રોને આજે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના ડાયરેક્ટર ડૉ. જે.એમ.વ્યાસના હસ્તે ગાંધીનગર ખાતેથી પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ હેઠળ છેલ્લા ૫ વર્ષમાં રાજ્ય સરકારના સહયોગથી ગુજરાતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૭૫૦ થી વધુ પહોંચી છે. આ વિદ્યાર્થીઓ ગુજરાતની વિવિધ ૧૩ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ શિક્ષણ મેળવી રહ્યા છે. ICCR ના માધ્યમથી ગુજરાતમાં અભ્યાસ કરતા ૭૫૦ થી વધુ વિદેશીઓ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની ૧૩ વિવિધ યુનિવર્સિટીઓને અંદાજે રૂા. ૧૮ કરોડથી વધુ રકમ વાર્ષિક ધોરણે અલગ અલગ ફીના સ્વરૂપે મળી રહી છે. આગામી સમયમાં આ સાંસ્કૃતિક આદાન-પ્રદાન શૈક્ષણિક કાર્યક્રમને વધુ આગળ લઇ જવા માટે ICCR નું ગુજરાત એકમ પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારના વિદેશ મંત્રાલય અંતર્ગત ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR) વર્ષ ૧૯૫૦ થી વિશ્વના વિવિધ દેશો સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાનની જવાબદારી સંભાળી રહ્યું છે. આ સાથે વિભિન્ન સંસ્કૃતિઓનું પ્રતિનિધિત્વ કરતા સાંસ્કૃતિક પ્રતિનિધિ મંડળો સાથે કલાક્ષેત્રે આદાન-પ્રદાન પણ કરે છે. ઉપરાંત વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિઓનાં માધ્યમથી અલગ અલગ દેશોનાં વિદ્યાર્થીઓને ભારતમાં અભ્યાસ અર્થે આમંત્રિત કરી તેઓને આપણા સાંસ્કૃતિક રાજદૂત તરીકે તેમના દેશમાં પરત મોકલવાનું ભગીરથ કાર્ય ICCR ના માધ્યમથી થઇ રહ્યું છે.
આ પ્રમાણપત્ર અને વિદાય સમારંભ કાર્યક્રમમાં ICCR ના ડાયરેક્ટર (સ્કોલરશીપ) શ્રી સૈયદ અખ્તર, GFSU ના રજિસ્ટ્રાર શ્રી સી.ડી.જાડેજા, GNLU ના રજિસ્ટ્રાર શ્રી થોમસ મેથ્યુ, GTU ના રજિસ્ટ્રાર ડૉ. એસ.ડી. પંચાલ સહિત વિવિધ ફેકલ્ટીઝ તેમજ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ લઇ રહેલા વિવિધ દેશોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY