ત્રાલ,તા.૧૧
જમ્મુ-કાશ્મીરના પુલવામા ખાતે ૧૪મી ફેબ્રુઆરીએ થયેલા આતંકવાદી હુમલાનો સૂત્રધાર દક્ષિણ કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાનું મનાય છે તેમ સત્તાવાળાઓએ સોમવારે જાહેર કર્યું હતું. રવિવારે મોડી રાત્રે ત્રાલ નજીકના પિંગ્લિશ વિસ્તારમાં એન્કાઉન્ટર થયું હતું જેમાં જૈશ-એ-મોહમ્મદના ત્રણ ત્રાસવાદી ઠાર થયા હતા અને તેમાં મુદાસિર ખાન ઉર્ફે મોહમ્મદ ભાઈનો પણ સમાવેસ થતો હતો.
સત્તાવાળાઓએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા ત્રણ ત્રાસવાદીઓના શરીર એટલી હદે વિકૃત થઈ ગયા હતા કે તેમની ઓળખ શકીય બની ન હતી. આ વિસ્તારમાં ત્રાસવાદીઓની હાજરી છે તેવી ગુપ્તચરોની માહિતીની આધારે સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાઈ ગયું હતું જેમાં ત્રાસવાદીઓએ ફાયરિંગ કરતાં જવાબી હુમલામાં દળોએ પણ ફાયરિંગ કર્યું હતું.
ગયા મહિને પુલવામા ખાતે થયેલા ત્રાસવાદી હુમલામાં મુદાસિર ખાન મુખ્ય સૂત્રધાર હતો જેમાં સીઆરપીએફના ૪૦થી વધુ જવાનો શહીદ થયા હતા. સુરક્ષા દળના અધિકારીઓએ એકત્રિત કરેલી માહિતી મુજબ ૨૩ વર્ષીય મુદાસિર ખાન સ્નાતકની ડિગ્રી ધરાવતો ઇલેક્ટ્રીશિયન હતો અને તે પુલવામાનો જ વતની હતો તેણે જ આતંકવાદી હુમલા માટે વાહન તથા દારૂગોળાની વ્યવસ્થા કરી આપી હતી. તે ૨૦૧૭માં જૈશ સંગઠન સાથે જાડાયો હતો. તેણે કાશ્મીરમાં ત્રાસવાદી જૂથને ઘણી મદદ કરી હોવાનું પણ મનાય છે.
ત્રાસવાદી જૂથના નૂર મોહમ્મદ તાંત્રીએ તેને સામેલ કર્યો હતો. ડિસેમ્બર ૨૦૧૭માં તાંત્રી ઠાર મરાયા બાદ મુદાસિર ખાન ૨૦૧૮ની ૧૪મી જાન્યુઆરીએ તેના નિવાસેથી નાસી ગયો હતો. ૧૪મી ફેબ્રુઆરીએ આદિલ અહેમદ દારે પુલવામા ખાતે આત્મઘાતી હુમલો કર્યો હતો અને તે મુદાસિરના સતત સંપર્કમાં હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




