રોહિંગ્યા નિરાશ્રિતો મ્યાનમાર પાછા ફરે એવી પરિસ્થિતિ નથી ઃ યુનો

0
12

યુએન,તા.૧૬
સંયુક્ત રાષ્ટસંઘની નિરાશ્રિતો માટેની એજન્સીએ દાવો કર્યો હતો કે રોહિંગ્યા નિરાશ્રિતો મ્યાનમાર પાછા ફરે એવી પરિસ્થિતિ હજી ત્યાં ઊભી નથી કરાઇ. સંયુક્ત રાષ્ટસંઘના હાઇ કમિશનર ફાર રેફ્યુજીસ અને બંગલાદેશ વચ્ચે રોહિંગ્યા નિરાશ્રિતો માટે જીનીવામાં ૧૩મી એપ્રિલે સમજૂતી કરાર થયા હતા. સંયુક્ત રાષ્ટસંઘના હાઇ કમિશનર ફાર રેફ્યુજીસની ઓફિસે બહાર પાડેલા નિવેદનમાં જણાવ્યું હતું કે મ્યાનમારમાં હજી રોહિંગ્યા નિરાશ્રિતો માટે સલામત પરિસ્થિતિ નથી.
મ્યાનમાર ખાતે તાજેતરમાં જ રોહિંગ્યા નિરાશ્રિતોનો પ્રથમ પરિવાર પાછો ફર્યો હતો. સંયુક્ત રાષ્ટસંઘના હાઇ કમિશનર ફાર રેફ્યુજીસ ફિલિપો ગ્રાન્ડી અને બંગલાદેશના વિદેશપ્રધાન મહંમદ શાહિદુલ હકે રોહિંગ્યા નિરાશ્રિતો માટેના સમજૂતી કરાર પર સહી કરી હતી.
મ્યાનમારમાં હિંસાને કારણે ઓગસ્ટ બાદ ૬,૭૦,૦૦૦ નિરાશ્રિત દેશમાંથી નાસી ગયા હતા અને તેમાંના આશરે બે લાખ નિરાશ્રિતે બંગલાદેશમાં આશ્રય માગ્યો હતો.
સંયુક્ત રાષ્ટસંઘની એજન્સીએ જણાવ્યું હતું કે બંગલાદેશ, મ્યાનમાર અને સંયુક્ત રાષ્ટસંઘ વચ્ચે આ મુદ્દે હજી સુધી ત્રિપક્ષી કરાર નહિ થયો હોવાથી પરિસ્થિતિ હજી થાળે નથી પડી.સંયુક્ત રાષ્ટસંઘના હાઇ કમિશનર ફાર રેફ્યુજીસે મ્યાનમાર સરકારને નિરાશ્રિતો માટે રાખીન રાજ્યમાં સલામત જગ્યા પૂરી પાડવા અનુરોધ કર્યો હતો.
સંયુક્ત રાષ્ટસંઘ બંગલાદેશમાં ઘૂસી આવેલા રોહિંગ્યા નિરાશ્રિતોમાં મ્યાનમાર ખાતે પરત ફરવા વિશ્ર્વાસ ઊભો થાય અને તેઓને હિંસાનો ભય ન રહે તે માટે પ્રયાસ કરી રહ્યુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY