ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ “કમલમ” માં કાળાધનના કોથળા ઠલવાય છે તેવા કરેલા નિવેદનને કમળો થયો હોય તેને પીળું જ દેખાય કહેવત સાથે સરખાવ્યુ છે.
પ્રદિપસિંહએ નવા સવા બની ગયેલા વિપક્ષી નેતા માત્ર ને માત્ર કોંગ્રેસના યુવા પ્રમુખ રાહુલ બાબાની નજરમાં વસવા આવા બેબૂનિયાદ નિવેદનો કરે છે તેની આકરી આલોચના કરી છે.
ગૃહ રાજયમંત્રીએ જણાવ્યુ કે, ભૂતકાળમાં UPAના કોંગ્રેસી સાશનના ૧૦ વર્ષ કેવા મસમોટા કૈાંભાડો અને ભ્રષ્ટાચારી રસમોથી ગાજેલા હતા તે વિપક્ષ નેતા કેમ ભૂલી જાય છે? આવા તૈાર તરીકાથી સત્તા સુખ અને નાંણાભૂખ સંતોષનારી કોંગ્રેસના આ નેતા અમને સલાહ આપવાનું બંધ કરે તેમ પણ ગૃહ રાજયમંત્રીએ પરેશ ધાનાણીને આડે હાથ લેતા જણાવ્યુ છે.
પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટપણે કહયુ કે રાજય સરકારની પ્રબળ ઇચ્છાશકિત અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સીધી સૂચનાથી એન્ટી કરપ્શન બ્યુરોએ અત્યંત ગુપ્તતાથી સર્ચ ઓપરેશન દ્વારા મોટી રિકવરી કરી છે.
એટલું જ નહિ, આ સર્તકતાને કારણે ભ્રષ્ટાચારી અધિકારીઓ પર ધોસ બોલાવી તેમના ઘરેથી ૫૬ લાખ જેટલા રૂપિયા પકડી પાડી ભ્રષ્ટાચાર સામેની લડત સરકારે સફળ બનાવી છે તેમા વિપક્ષી નેતાના પેટમાં તેલ કેમ રેડાય છે તેવો વેધક સવાલ ગૃહ રાજયમંત્રીએ કર્યો છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતમાં અને દેશમાં હારી ગયેલી કોંગ્રેસ હવે જાતિવાદ, કોમવાદ, પ્રપંચ-જુઠાણાના કારસા કરીને સત્તાથી વિમુખ થયાનો વલોપાત કરે છે અને ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહિત કરતા હોય તેમ નિવેદનબાજી કરે છે.
કોંગ્રેસની હારને કારણે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને તો સપનામાંય “કમલમ” દેખાય છે તેવી માર્મિક ટકોર પણ શ્રી જાડેજાએ કરી છે.
ગૃહ રાજયમંત્રીએ કહયુ કે, વિપક્ષના નેતા જરા પોતાની પાર્ટીના ભૂતકાળ પર એક નજર કરશે તો દુધનું દુધને પાણીનું પાણી પરખાઇ જશે. ૧૦ વર્ષનું તેમના પક્ષનું UPA સાશન ભ્રષ્ટાચારની ગંગોત્રી હતુ. આખી દુનિયામાં કયાંય થયા ન હોય તેવા કૈાંભાડો અને ભ્રષ્ટાચાર કોંગ્રેસે કરેલા છે.
માન. નરેન્દ્રભાઇ મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને આજે દેશના પ્રધાનમંત્રી થયા ત્યાં સુધી કેન્દ્રમાં કે રાજયમાં ભા.જ.પા.ના કોઇ મુખ્યમંત્રી કે મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના સંદર્ભમાં એક આંગળી પણ કોઇ ચીંધી શકે તેમ નથી એવી બેદાગ છબી ભા.જ.પા.એ જાળવી છે અને તેના જ પરિણામે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સતત છઠ્ઠીવાર પ્રચંડ પ્રજા સમર્થન મળ્યુ છે તેમ ગૃહ રાજયમંત્રીશ્રીએ જણાવ્યુ છે.
પ્રદિપસિંહ જાડેજાએ વિપક્ષી નેતા પરેશ ધાનાણીને એ વાતની પણ યાદ અપાવી છે કે, ભૂતકાળમાં કોગ્રેસના નેતાઓની ભ્રષ્ટાચારની ડાયરીઓ અને કૈાંભાડોના કારણે જેલના હવાલે થવું પડયુ છે એ કેમ ભૂલી જાવ છો ?
ગૃહ રાજયમંત્રીએ સાફ શબ્દોમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ હમેશા મૂલ્યનિષ્ડ કાર્યકર્તાઓના પરિશ્રમ, પરસેવા અને પૈસાથી નવી પ્રણાલી ઉભી કરી છે. કોંગ્રેસની જેમ કોઇ ભ્રષ્ટ અધિકારીના પૈસે પક્ષ કે સાશન મજબૂત કર્યા નથી.
જાડેજાએ કહયુ કે, ભા.જ.પા.એ તો ભ્રષ્ટ અધિકારીઓને દંડિત કર્યાના ૫૦૦ દાખલા બેસાડયા છે. કોંગ્રેસ પોતાની પાર્ટી સાશિત જિલ્લા પંચાયતોમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચારની ચિંતા કરે તેમ તેમણે ઉમેર્યુ છે.
ગૃહ રાજયમંત્રીએ વિપક્ષી નેતાના પાયા વિહોણા આક્ષેપોનો સણસણતો જવાબ આપતા જણાવ્યું છે કે, ભ્રષ્ટાચારના આક્ષેપો ભા.જ.પા. ઉપર કરીને વિપક્ષી નેતા કે કોંગ્રેસ પ્રજા માનસમાંથી ભા.જ.પ.ની ઇમેજને કોઇ બટ્ટો લગાડી નહી શકે એ શાનમાં સમજી લે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"








