મહેબૂબા કેબિનેટમાં મોટો ફેરફાર ઃ કવિંદર ગુપ્તાએ ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા
શ્રીનગર,તા.૩૦
કઠુડા કાંડ બાદ જમ્મુ-કાશ્મીરની રાજનીતિમાં મોટા ચેન્જિસ આવ્યા છે. મહેબૂબા મુફ્તી કેબિનેટમાં મોટો બદલાવ થયો છે. જે અંતર્ગત આજે ૮ નવા મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. સૌથી પહેલી બીજેપી ધારાસભ્ય કવિંદર ગુપ્તાએ મંત્રી પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરના નવા ઉપમુખ્યમંત્રી બન્યા છે, તેમણે નિર્મલ સિંહની આજે જગ્યા લીધી છે.
આ બાદ પીડીપીના મોહંમદ ખલીફ અને અશરફ મીરે પણ મંત્રી પદના શપથ લીધા છે. તો બીજેપી ક્વોટામાંથી કઠુઆના ધારાસભ્ય રાજીવ જસરોટિયા, સતપાલ શર્મા અને સુનીશ શર્માએ પણ પદ અને ગોપનીયતાના શપથ લીધા છે.
કવિંદર ગુપ્તા ત્રણ વર્ષોથી જમ્મુ-કાશ્મીર વિધાનસભાના સ્પીકર રહ્યાં છે. સાથે જ જમ્મુના મેયર પણ રહ્યા છે. ૨૦૧૪ની વિધાસભા ઈલેક્શનમાં તેણે ગાંધીનગર વિધાનસભા સીટથી ઈલેક્શન લડ્યું હતું અને તેઓ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.
કઠુઆ કાંડના આરોપીઓના સમર્થનનો આરોપ લાગ્યા બાદ મંત્રીમંડળમાંથી રાજીનામુ આપનારા ધારાસભ્ય લાલસિંહ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા ન હતા. તે કઠુઆમાં એક રેલી કાઢશે અને રસાના કાંડની સીબીઆઈ તપાસની માંગણી કરશે.
પીડીપી ક્વોટમાંથી મોહંમદ અશરફ મીર અને મોહંમદ ખલીલને કેબિનેટમાં સ્થાન મળ્યું છે. અશરફ મીર સોનવર અને ખલીલ પુલવામાના ધારાસભ્ય છે. તાજેતરમાં જ પાર્ટીએ ફાઈનાન્સ મંત્રી હસીબ દ્રાબુને કેબિનેટમાંથી બહાર કર્યા હતા, જેના બાદ પીડીપી ક્વોટામાંથી બે મંત્રી પદબહાર થયા હતા. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં મુખ્યમંત્રી સહિત કુલ ૨૫ મંત્રી છે. કરાર મુજબ પીડીપીના ૧૪ અને બીજેપીના ૧૧ મંત્રી હોઈ શકે છે.
કહેવામાં આવી રહ્યુ છે કે, કેબિનેટમાં આ ફેરબદલ કઠુઆ રેપ અને મર્ડર કાંડ બાદ થયેલા ડેમેજ કન્ટ્રોલ અંતર્ગત કરવામાં આવ્યો છે. સૂત્રો કહે છે કે, જમ્મુની જનતા બીજેપી મંત્રીઓથી ખુશ નથી. કઠુઆ કાંડની સીબીઆઈ તપાસની માંગ મોટાપાયે કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





