આજે બપોરે ૪ વાગે કર્ણાટકમાં બળાબળનાં પારખાં

0
62

નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે કર્ણાટકની ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની સરકારને વિધાનસભામાં શનિવારે બપોરે ચાર વાગ્યે બહુમત સાબિત કરવા આદેશ આપ્યો હતો. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાએ ભાજપના મુખ્ય પ્રધાન બી. એસ. યુદીયુરપ્પાને બહુમત સાબિત કરવા આપેલો ૧૫ દિવસનો સમય સર્વોચ્ચ અદાલતે રદ કર્યો હતો અને યેદીયુરપ્પાને મુખ્ય પ્રધાન બન્યાના પંચાવન કલાકમાં જ બહુમતી સિદ્ધ કરવાનો આદેશ આપ્યો હતો.

ન્યાયમૂર્તિ એ. કે. સિક્રીના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશની બૅન્ચે જણાવ્યું હતું કે વિધાનસભ્યોને અંતિમ નિર્ણય લેવા દો અને તેના માટે વિધાનસભામાં બહુમત સાબિત કરો.

ન્યાયમૂર્તિ એસ. એ. બોબડે અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણનો પણ સમાવેશ કરતી બૅન્ચે બહુમત મેળવતી વખતે ગુપ્ત મતદાન યોજવા યેદીયુરપ્પાએ કરેલી વિનંતિને પણ નકારી કાઢી હતી.

બૅન્ચે કર્ણાટકની નવી સરકારને વિધાનસભામાં જ્યાં સુધી બહુમત સાબિત ન થાય ત્યાં સુધી નીતિને લગતો કોઇ મોટો નિર્ણય નહિ લેવાની સૂચના આપી હતી.

તેણે કર્ણાટક સરકાર અને રાજ્યપાલને વિધાનસભામાં શનિવારની બહુમતની કામગીરીમાં ભાગ લેવા કોઇ એન્ગ્લો-ઇન્ડિયન કોમના વિધાનસભ્યની નિમણૂક નહિ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કામચલાઉ સ્પીકર વિધાનસભામાં બહુમત માટે કાયદા મુજબ નિર્ણય લેશે.

તેણે કર્ણાટક વિધાનસભાની બહાર કાયદો અને વ્યવસ્થાને જાળવવા માટે પોલીસ ડિરેક્ટર જનરલ સહિતના સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો.

કર્ણાટક વિધાનસભામાં ભાજપના ૧૦૪, કૉંગ્રેસના ૭૮ અને જનતા દળના ૩૭ તેમ જ અન્યના ત્રણ વિધાનસભ્ય છે.

રાજ્ય વિધાનસભાની ૨૨૪ બેઠકમાંથી ૨૨૨ ઉપર ચૂંટણી યોજાઇ હતી.

કર્ણાટકમાં બહુમતી માટે ૧૧૨ બેઠક જરૂરી છે. કૉંગ્રેસ અને જનતા દળ (એસ)એ ચૂંટણી પછી કરેલી સમજૂતીથી તેઓ પાસે ૧૧૭ વિધાનસભ્ય હોવાનો દાવો કરાય છે.

ભાજપને સૌથી વધુ બેઠક મળી હોવાથી રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેને સરકાર રચવા માટે આમંત્રણ આપ્યું હતું.

ભાજપ અને યેદીયુરપ્પાના વકીલ મુકુલ રોહતગીએ કૉંગ્રેસ અને જનતા દળ (એસ)ની યુતિના નેતા એચ. ડી. કુમારસ્વામી દ્વારા રાજ્યપાલને સરકાર રચવાનો દાવો કરતી વખતે અપાયેલા પત્રમાં અમુક વિધાનસભ્યની ખોટી સહી કરાઇ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને જનતા દળ (એસ) વચ્ચે ચૂંટણીની પહેલાં કોઇ યુતિ નહોતી અને તેઓએ ચૂંટણી પછી માત્ર સત્તા મેળવવા જ યુતિ કરી છે.

વકીલ રોહતગીએ વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે સોમવાર સુધીનો સમય માગ્યો હતો, પરંતુ બૅન્ચે શનિવારે જ બહુમત સાબિત કરવા હુકમ કર્યો હતો.

કપિલ સિબલે જણાવ્યું હતું કે રાજ્યપાલ આ કિસ્સામાં પોતાની મુનસફી વાપરી ન શકે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY