કુમારસ્વામી બુધવારે મુખ્યમંત્રી તરીકેના શપથ લેશે
બેંગ્લુરુ,તા.૨૧
કર્ણાટક ચૂંટણી પરિણામ આવ્યા બાદ ચાલેલો હાઈવોલ્ટેજ ડ્રામાનો હવે અંત આવ્યો છે અને સ્પષ્ટ થઈ ગયું છે કે, રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસની ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. ૨૩મે એ જેડીએસના નેતા એચડી કુમારસ્વામી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ કરતા પહેલા કુમારસ્વામી આજે દિલ્હી માટે રવાના થશે જ્યાં તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. આ મુલાકાત દરમિયાન કર્ણાટકમાં સંભવિત મંત્રીઓને લઈને ચર્ચા થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૩૩ કેબિનેટ ધરાવતી કર્ણાટક સરકારમાં કોંગ્રેસના ૨૦ અને જેડીએસના ૧૩ મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. બીજી બાજુ મુખ્યમંત્રીની સાથો સાથે નાણાં અને પીડબ્લ્યુડી જેવા મહત્વના વિભાગ જેડીએસ પોતાની પાસે રાખવા ધારે છે. જાકે આ મામલે હજી સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત થઈ શકી નથી. પરંતુ રાહુલ ગાંધી સાથેની મુલાકાત બાદ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પ્રભારી કેસી વેણુગોપાલે કહ્યુ હતું કે, કુમારસ્વામી બુધવારે એકલા જ શપથ ગ્રહણ કરશે. ત્યાર બાદ ગુરૂવારે બહુમત સાબિત કરવાની સાથે જ સ્પીકરની પણ પસંદગી કરવામાં આવશે. બીજીબાજુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લિંગાયત ધારાસભ્યોએ ડેપ્યુટી સીએમની માંગણી કરી છે. કોંગ્રેસના કુલ ૭૮ ધારાસભ્યોમાં ૧૬ લિંગાયત ધારાસભ્યો છે જ્યારે જેડીએસમાં ૪ ધાસારભ્યો લિંગાયત સમુદાયમાંથી આવે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસે પહેલા જ ડેપ્યુટી સીએમનું પદ દલિત નેતાને આપવાનો નિર્ણય લીધો છે. દલિત નેતા પરમેશ્વરને ડેપ્યુટી સીએમ બનાવવાનું કોંગ્રેસ નક્કી કરી ચુકી છે. જાકે લિંગાયત ધારાસભ્યોના દબાણને ધ્યાનમાં રાખી કોંગ્રેસ હવે કોઈ વચલો રસ્તો શોધી રહી છે.
બીજી બાજુ એવી પણ વાત બહાર આવી હતી કે, કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસમાં મુખ્યમંત્રી પદને લઈને ૩૦-૩૦ મહિનાની સમજુતી થઈ છે. જોકે કુમારસ્વામીએ આ અટકળોને ફગાવી દેતા કહ્યુ હતું કે, આ બાબતે કોઈ જ વાતચીત થઈ જ નથી. તેમણે મીડિયા પર ઠીકરૂં ફોડ્યું હતું. જાકે આ અગાઉ ૨૦૦૬માં ભાજપ અને જેડીએસ ૨૦-૨૦ મહિના માટે ગઠબંધન સરકારનું નેતૃત્વની સમજુતી કરી ચુકી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






