વિસ્ફોટ બાદ લગભગ ત્રણ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
ગ્વાટેમાલા,તા.૪
મધ્ય અમેરિકાના દેશ ગ્વાટેમાલામાં છેલ્લા ચાર દાયકાઓથી પણ વધુ સમયથી સક્રિય અને ધગધગી રહેલા જ્વાળામુખીઓમાં સામેલ ‘વોલ્કન ડે ફયૂએગો’માં થયેલા જબરદસ્ત વિસ્ફોટથી જ્વાળામુખી ફાટતાં ઓછામાં ઓછા ૨૫ લોકોનાં મોત થયાં છે અને ૩૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી આ જાણકારીમાં આ દુર્ઘટનાને સમર્થન આપવામાં આવ્યું છે. વિસ્ફોટ બાદ લગભગ ૩ હજાર લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે.
ફાટનાર જ્વાળામુખીનું નામ ફ્યૂએગો છે અને તેમાં બ્લાસ્ટ થતાં રસ્તાઓ પર લાવાની નદીઓ વહેવા લાગી હતી એટલું જ નહીં, જ્વાળામુખી ફાટવાના કારણે ધૂળ અને ધુમાડાના ગોટેગોટા સર્જાતાં કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ હતી. વર્ષમાં જ્વાળામુખી ફાટવાની આ બીજી ઘટના છે.
ફ્યૂએગોનો અર્થ થાય છે-ફાયર એટલે કે આગ અને તેમાં બ્લાસ્ટ બાદ આઠ કિ.મી. દૂર સુધી લાવાની નદીઓ વહેતી થઈ હતી. ગ્વાટેમાલાની ડિઝાસ્ટર એજન્સીના મહામંત્રી સરગિયો કબાનાસાએ રેડિયો પર જણાવ્યું હતું કે રસ્તાઓ પર લાવાની નદીઓ વહી રહી છે અને રોડેયો ગામમાં ભારે તારાજી અને તબાહી મચી ગઈ છે.
અહીં કેટલાક લોકોનાં સળગી જવાના કારણે મોત થયાં છે અને કેટલાક લોકો ધગધગતા લાવાના કારણે ગંભીરપણે દાઝી ગયા છે. ગ્વાટેમાલાની ફાયર ફાઈટર ટીમના પ્રવકતા કે. મારિયો ક્રૂઝે જણાવ્યું હતું કે જ્વાળામુખી ફાટવાના કારણે ૨૫ લોકોનાં મોત થયાં છે, જેમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્વાળામુખી ફાટવાના કારણે ૩૧૦૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
(જી.એન.એસ.)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





