સાધુ સંતોનો આક્ષેપ છે મોદી પૌરાણિક શહેરની વિરાસત બગાડવાના પ્રયાસો કરે છે
વારાણસી,તા.૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્રના સાધુ સંત બીજેપથી નારાજ છે. આ સાધુ સંત બીજેપી વિરૂદ્ધ અભિયાન ચલાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. સાધુ સંતોનો આ વિરોધ હકિકતમાં વિશ્વનાથ કોરિડોરને લઈને છે. આ કોરિડોરના કારણે ૨૦ નાના મંદિરોને તોડવામાં આવશે. સાધુ સંતોનો આક્ષેપ છે કે મોદી સરકાર આ પૌરાણિક શહેરની વિરાસત અને તેની વાસ્તવિક સુંદરતાને બગાડવાના પ્રયાસો કરી રહ્યાં છે.
વારાણસી બાબા વિશ્વનાથ મંદિરના જીર્ણોદ્ધારને લઈને વિશ્વનાથ કોરિડોર નામની યોજના અમલમાં મુકવામાં આવનારી છે. જા કે વિશ્વનાથ કોરિડોરનો સાધુ સંતો જ વિરોધ કરી રહ્યાં છે. આ મુદ્દે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીના નેતૃત્વમાં ડઝન સાધુ સંતોએ પ્રદર્શનો કર્યાં હતા.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યુ કે, “એક તરફ તેઓ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માંગે છે તો બીજી બાજુ આ લોકો વારાણસીના ૨૦થી વધુ નાના મંદિરોને તોડવાની યોજના બનાવી રહ્યાં છે.” હકિકતમાં વિશ્વનાથ કોરિડોર અંતર્ગ કાશી વિશ્વનાથ મંદિરની ચારે બાજુ કોરિડોર બનાવવામાં આવશે. જેમાં આ મંદિરો રસ્તામાં આવે છે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યુ કે, “ટૂંક સમયમાં જ તે લોકો મોદી અને બીજેપી સરકાર વિરૂદ્ધ શહેરમાં મોટું અભિયાન ચલાવશે.” તેઓએ કહ્યુ કે, “જો અમારા રસ્તા અને મંદિરોને તોડવામાં આવશે કે તેનું સ્વરૂપ બગાડવામાં આવશે તો અહીં વ્યાપક વિરોધ થશે.”
કાશીમાં મંદિરો અને ધરોહરને બચાવવા માટે સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ આંદોલનમાં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી પણ ઉપસ્થિત રહેશે. તેઓએ જ સ્વામી અવિમુક્તેશ્વરાનંદને પોતાના પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યાં છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






