ગુજરાતમાં ચોમાસાના વિધિવત્ પ્રારંભ સાથે ચિંતાનાં વાદળો દૂર થયાં, ખુશીનું ઘોડાપૂર
દમણમાં ચાર ઈંચ, વલસાડ જિલ્લામાં ૩.૫ ઈંચ, રાજકોટમાં પોણો ઈંચ વરસાદ: દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ
સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાપટાં પડયા : ડાંગમાં બીજા દિવસે મેઘમહેરથી પૂર્ણા-ગીરા નદી વહેવા માંડી
૧૪ દિવસથી મહારાષ્ટ્રમાં સ્થિર નૈઋત્યનું ચોમાસું આગળ વધી વલસાડ પટ્ટીએ પહોંચ્યું
છેલ્લા કેટલાક સમયથી જેની અત્યંત આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી હતી તે મેઘરાજાની શાહી સવારી આખરે ગુજરાતમાં આવી છે. નૈઋત્યના ચોમાસાનો ગુજરાતમાં વિધિવત્ પ્રારંભ થઇ ગયો છે. ચોમાસાએ ધમાકેદાર ‘એન્ટ્રી’ લેતાં દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ૬.૫ ઈંચ, પારડીમાં ૫ ઈંચ, વાપીમાં ૪ ઈંચ જ્યારે વલસાડમાં ૩ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, વઢવાણમાં જોરદાર ઝાપટાં પડયા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની ચેતવણી આપી છે.
એક કહેવત છે કે, ‘ જો વરસે આદ્રા તો બારે મહિના પાધરા’. જેનો મતલબ થાય છે કે, આદ્રા નક્ષત્રમાં વરસાદ થાય તો આગામી ચોમાસું ભરપુર રહેવાની ખાતરી મળી જાય છે. આમ, આદ્રા નક્ષત્રનું વરસાદે ‘મુહૂર્ત’ આનંદ બેવડાયો છે.
આજે વહેલી સવારે વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ શરૃ થઇ ગયો અને જિલ્લામાં સરેરાશ ૩.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેમાં ઉમરગામમાં સૌથી વધુ ૬.૫૦ ઈંચ વરસાદ પડયો હતો. જોકે, વલસાડ જિલ્લામાં વરસાદ છતાં મધુબન ડેમની સપાટી ૬૭.૧૫ મીટર પર સ્થિર રહી હતી.
દમણ, દાદરા નગર હવેલીમાં શુક્રવારે મોડી રાતથી કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં દમણમાં ૪ ઈંચ અને દાદરા નગર હવેલીમાં ૨.૫૦ ઈંચ વરસાદ નોંધાયો હતો.
આ ઉપરાંત સુરત શહેરના વરાછામાં ૨, રાંદેરમાં ૦.૫ ઈંચ જ્યારે સુરત જિલ્લાના ઓલપાડમાં ૧.૫ ઈંચ, માંગરોળમાં ૦.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે સૂકીભઠ્ઠ પૂર્ણા અને ગીરા નદી નવા નીર સાથે જીવંત બનીને વહેવા લાગતા પ્રકૃતિમાં જાણે નવા પ્રાણ રેડાયા છે.
અરબી સમુદ્રમાં અપર એર સર્ક્યુલેશનથી ચોમાસું જામશે
હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અરબી સમુદ્ર પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને પગલે આજે વરસાદ વરસ્યો હતો. આ વરસાદની સાથે જ કોંકણ, ગુજરાતના અરબી સમુદ્ર પર એક એર એર સર્ક્યુલેશન સર્જાઇ છે. જેના કારણે આગામી સોમવાર-મંગળવારે ધોધમાર વરસાદ પડી શકે છે. હવામાન નિષ્ણાતોના મતે ચોમાસાની હવે શરૃઆત થઇ છે અને આગામી દિવસોમાં ચોમાસાની બરાબરની રંગત જામશે.
રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં મોડી સાંજે વરસાદ
દેશમાં ત્રણ દિવસ વહેલું શરુ થયેલું અને તા.૯થી તા.૨૨ જૂન સુધી મહારાષ્ટ્રમાં અટકી ગયેલું ચોમાસુ અંતે આજે ભીમ અગિયારસના વરસાદ માટે શૂકનવંતા દિવસે ગુજરાતમાં પ્રવેશ્યું છે અને તેની અસર રૃપે સૌરાષ્ટ્રમાં આજે વ્યાપક રીતે હળવા-ભારે ઝાપટાં વરસતા છેલ્લા દસેક દિવસથી લોકોના ચહેરા પરના ચિંતાના વાદળો હટવા લાગ્યા હતા. રાજકોટમાં પ્રથમવાર ગાજવીજ સાથે આજે સાંજે પહેલા અમીછાંટણા અને મોડેથી પોણો ઈંચ વરસાદ વરસી જતા લોકોના હૈયે ટાઢક વળી છે. આગામી પાંચ દિવસ હળવા-મધ્યમ વરસાદની આગાહી છે.
રાજકોટમાં બે દિવસથી ૪૦ સે.ઉપર તીવ્ર ગરમી અને ભેજના કારણે સી.બી. (ક્યુમુલોનિમ્બસ) વાદળો સર્જાયા હતા જેને કારણે આજે સાંજે હવામાનમાં પલટો આવ્યો હતો. વિજળીના કડાકા ભડાકા સાથે સાંજે ઝરમર બાદ રાત્રે મવડી, રેસકોર્સ,ગાંધીગ્રામ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર ઝાપટાં વરસ્યાહતા. એરપોર્ટ ખાતે આવેલી વેધર ઓફિસમાં રાત્રિના ૯ સુધીમાં ૧૫ મિ.મિ. અર્થાત્ પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. હજુ નિયમિત ચોમાસુ બાકી છે અને આજે પ્રિમોન્સૂન વરસાદ હતો. આવા વાદળો જ્યાં વરસે ત્યાં મુશળધાર વરસી જાય છે અથવા તો માત્ર છાંટા વરસાવીને ચાલ્યા જાય છે. વરસાદ માટે જરૃરી લો પ્રેસરનો એરિયા (ટ્રોફ) હવે દક્ષિણ ગુજરાતથી કેરલના દરિયાકાંઠા વચ્ચે સર્જાયેલ છે. ભીમ અગિયારસના શુકનવંતા દિવસે સૌરાષ્ટ્રમાંે મેઘરાજાએ ઠેરઠેર હાજરી પૂરાવી હતી. જસદણ પંથકમાં માધવીપૂર, ગોંડલાધાર, શનાળી, ફૂલઝર, પીપરડી, આટકોટ, દેવધરી, ઘેલા સોમનાથ, બાખડવડ, રૃપાવટી, વીરનગર, પાંચવડા, થોરિયાળી સહિતના ગામોમાં સાંજે જોરદાર વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં ઝરમર છાંટા વરસ્યા હતા.
રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ?
| ઉમરગામ | ૬.૫ ઈંચ |
| પારડી | ૫.૦ ઈંચ |
| વાપી | ૪.૦ ઈંચ |
| વલસાડ | ૩.૦ ઈંચ |
| ધરમપુર | ૪.૦ ઈંચ |
| દમણ | ૪.૦ ઈંચ |
| દાદરા નગર | ૨.૫ ઈંચ |
| વધઇ | ૨.૫ ઈંચ |
| ઓલપાડ | ૧.૫ ઈંચ |
| આહવા | ૧.૦ ઈંચ |
| સાપુતારા | ૧.૦ ઈંચ |
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





