ધરતીપુત્રોનાં હૈયે હરખની સરવાણી ફૂટી: જળાશયમાં નવા નીરની આવક ચાલુ
– ઉના, ગીરગઢડા, ઉપલેટા, કેશોદ, મેંદરડા, તાલાલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, વેરાવળ, પંથકમાં 3-4 ઈંચ મેઘ
સૌરાષ્ટ્રમાં જૂન મહિનો કોરાધાકોડ જેવો રહ્યા બાદ અંતે જૂલાઈ મહિનાનાં આરંભથી જ મેઘરાજાની આવેલી સવારી આજે આગળ ધપી હતી. ગત મધરાતથી આજે સાંજ સુધીમાં ૦ાાથી ૫ ઈંચ જેવી ધીંગી મેઘમહેર વરસી જતાં ધરતીપુત્રોનાં હૈયે હરખની સરવાણી ફૂટી હતી અને વાવણી કાર્યનાં શ્રી ગણેશ કર્યા હતાં. કોરી જમીનમાં વાવણી કરી નાંખનાર ખેડૂતો પરથી પણ આજે ચિંતાનાં વાદળો વિખેરાયા હતાં. આ સાથે સારા વરસાદથી નદી, નાળા, ચેકડેમો સહિતનાં જળાશયોમાં પણ આજથી નવા નીરની આવક ચાલુ થઈ હતી. રાજકોટ – શહેર – જિલ્લામાં આજે વહેલી સવારથી વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. રાજકોટ શહેરમાં વહેલી સવારે અને બપોરે ઝરમર વરસાદે માર્ગો ભીના કર્યા હતાં. જસદણમાં અડધો ઈંચ તોકોટડાસાંગાણી અને જામકંડોરણામાં ૪ થી ૭ મી.મી. વરસાદ નોધાયો હતો. કોટડા સાંગાણીનાં રામોદ ગામે દોઢ ઈંચ જેવી મેઘમહેર વરસી ગઈ હતી. ગોંડલમાં પણ આજે વહેલી સવારે ૪ વાગ્યે પોણો ઈંચ વરસાદ વરસી ગયો હતો. ઉપલેટાનાં ઢાંક, ગધેથડ, મેરવદર અને રાજપરા ગામે ૩થી ૪ ઈંચ વાવણી લાયક વરસાદ વરસી જતાં લોકોનાં ચહેરા પર રોનક ચાલી ગઈ હતી. મોરબી જિલ્લામાં આજે પણ મેઘરાજાએ લોકોને નિરાશ કર્યા હતાં. ગત રાત્રે હળવદમાં અડધો ઈંચ તો ટંકારામાં આજે બપોરે એક ઈંચ વરસાદ પડયો હતો. જયારે આજે મોરબી, ટંકારા, વાંકાનેરનાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં હળવાભારે ઝાપટા જ વરસ્યા હતાં. દીવમાં પણ આજે દોઢ ઈંચ વરસાદ પડયો હતો. પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. પોરબંદરમાં બે ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતાં. અને ચોપાટી સહિતનાં સ્થળોએ લોકો ન્હાવા માટે ઉમટી પડયા હતાં. રાણાવાવમાં વહેલી સવારે દોઢ ઈંચ તો કુતિયાણામાં ભારે પવન સાથે અઢી ઈંચ મેઘમહેર વરસી ગઈ હતી. કુતિયાણાનાં મહોબતપરા, ખાગેશ્રી, ઈશ્વરીયા, ગોકરણ, સીંધપુર, માલણકા સહિતનાં ગામોમાં પણ બે – ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. બરડા પંથકનાં ગામડાઓમાં ફકત હળવા – ભારે ઝાપટા જ વરસ્યા હતાં. જૂનાગઢ જિલ્લામાં લાંબી પ્રતિક્ષા બાદ આખરે ગત મોડી રાતથી મેઘરાજાનું આગમન થયું હતું. આજે સાંજ સુધીમાં સૌથી વધુ કેશોદમાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. જયારે મેંદરડામાં ધોધમાર ત્રણ ઈંચ તો માંગરોલ, માણાવદર અને માળીયા હાટીનામાં અઢી ઈંચ મેઘમહેર વરસી હતી. એ જ રીતે વિસાવદરમાં બે ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, બિલખામાં એક ઈંચ અને ભેસાણમાં અડદો ઈંચ વરસાદ નોંધાયો હતો. ગડુ શેરબાગ અને આસપાસનાં ખોરાસા, ખેરા, ઝડકા, સુખપુર, સીમાર, વિસણવેલ વગેરે ગામોમાં પણ ગત રાત્રે અઢીથી ત્રણ ઈંચ મેઘકૃપા વરસી હતી. ચોરવાડમાં પણ અઢી ઈંચ વરસાદ પડયો હતો. ગીર સોમનાથ જિલ્લા ઉપર અંતે આજે મેઘરાજા મહેરબાન થયા હતાં. ગત રાત્રિથી આજે સાંજ સુધીમાં અડધાથી ચાર ઈંચ જેવી મેઘમહેર વરસી ગઈ હતી. ઉના અને વેરાવળમાં ચાર ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકાર સર્જાયો હતો. એ જ રીતે ગીરગઢડામાં પણ ગત રાત્રિનાં ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો. વેરાવળમાં ધોધમાર વરસાદપડતા નિચાણવાળઆ વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. કોડીનારમાં અઢી ઈંચ તો સુત્રાપાડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. તાલાલા પંથકમાંપમ ૩ થી ૪ ઈંચ મેઘમહેર વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતાં. ઉના ગીરગઢડાનાં વડવીયાળા ગામે પાંચ ઈંચ સહિત તમામ ૭૧ ગ્રામ્ય વિસ્તારોમાં વાવણીલાયક ૩ થી ૫, ઈંચ વરસાદથી આનંદ છવાયો હતો.ડોળાસામાં પણ બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે હળવા ભારે ઝાપટા વરસ્યા હતાં. જામજોધપુરમાં વહેલી સવારે ધોધમાર અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. શેઠવડાળા, જામવાડી, સમાણા સહિતનાં ગામોમાં પણ ૨-૩ ઈંચ મેઘમહેર થઈ હતી. કાલાવડમાં એક ઈંચ અને ધ્રોલમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી હર્ષદપુર ગામનો ચેકડેમ ઓવરફલો પણ થઈ ગયો હતો. જામનગર, દ્વારકા, લાલપુર વગેરે શહેરોમાં આજે હળવાભારે ઝાપટાથી માર્ગો ભીના થયા હતાં. અમરેલી જીલ્લામાં હવામાન ખાતાની આગાહી મુજબ વરસાદ છેલ્લા ૨૦ દિવસથી સાર્વત્રિકધોધમાર પડવાનાં બદલે ઝરમર ઝાપટા વચ્ચે સંતાકુકડી રમી રહ્યો હતો. ખેડુતોએ ખેતરોમાં કોરામાં કપાસનાં બિયારણનું વાવેતર કરી દીધું હોવાથી વરસાદનાં અભાવે બિયારણ નિષ્ફળ જવાની ભીતિમાં ખેડુતો ઘેરીચિંતામાં ડુબેલા હતાં. ત્યાં જ આજે મેઘરાજા અમરેલી જીલ્લા ઉપર સાર્વજનિક મહેરબાન થતાં અમરેલી,બાબરા ધારી તેમજ લાઠી પંથકમાં અડધાથી પોણો ઈંચ તેમજ જાફરાબાદ – ૩ાા, રાજુલા-૩, બગસરા – ૨ાા, લીલીયા ૧ાાા,સાવરકુંડલા -૧, વડિયા – ૧ાા, ખાંભા – ૧ ઈંચ જેટલા વરસાદથી ખેતરોમાં પાણી છવાઈ જતાં વાવણી લાયક વરસાદથી ઘેરી ચિંતામાં ડૂબેલા ખેડૂતોમાં આનંદની લાગણી છવાી હતી. જો કે અમરેલી, બાબરા, ધારી, લાઠી, પંથકનાં અનેક ગામડામાં ખેડુતોમાં હજુ પણ વાવણી, લાયક વરસાદનાં અભાવે ઘેરી ચિંતામાં ડૂબેલા છે. ખાંભાનાં ગ્રામ્ય પંથકમાં બેથી ત્રણ ઈંચ વરસાદ પડયો છે. જયારે જૂના નવા વાઘણીયા, પીઠડીયા, હડાળા ગામે પણ આજે બપોરે દોઢથી બે ઈંચ મેઘમહેર વરસી હતી. ક્યાં કેટલો વરસાદ ઉપલેટા ગ્રામ્ય ૪ ગોંડલ ૦ાાા રામોદ ૧ાા જસદણ ૦ાા હળવદ ૦ાા પોરબંદર ૨ રાણાવાવ ૧ાા કુતિયાણા ૨ાા કેશોદ ૪ મેંદરડા ૩ માંગરોળ ૨ાા માણાવદર ૨ાા મા.હાટીના ૨ાા વિસાવદર ૨ વંથલી ૧ાા બિલખા ૧ ભેસાણ ૦ાા ગડુ શેરબાગ ૩ જૂના વાઘણીયા ૨ બાબરા ૦ાા દીવ ૧ાા ટંકારા ૧ વડવિયાળા ૫ ઉના ૪ ગીરગઢડા ૩ વેરાવળ ૪ કોડીનાર ૨ાા સુત્રાપાડા ૦ાા તાલાલા ગ્રામ્ય ૪ ચોરવાડ ૨ાા જામજોધપુર ૨ાા કાલાવડ ૧ ધ્રોલ ૦ાા જાફરાબાદ ૩ાા રાજુલા ૩ બગસરા ૨ાા લીલીયા ૧ાાા સા.કુંડલા ૧ વડીયા ૧ાા ખાંભા ૧ અમરેલી૩ ૦ાા લાઠી૩ ૦ાા ખાંભા ગ્રામ્ય ૩ ડોળાસા ૨
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





