મુંબઈથી ઈમ્પોર્ટેડ સ્કોચ, વ્હીસ્કી અને વોડકા લાવી સુરતમાં પોતાના બંધાયેલા ગ્રાહકોને હોમ ડિલીવરી આપતાં કતારગામના વૃધ્ધને પોલીસે ઝડપી લીધા હતા. છેલ્લા પાંચ વર્ષથી આ રીતે દારૂનું વેચાણ કરતાં હતા. એસ.ઓ.જી.ના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હે.કો. મહેશ પ્રતાપભાઈને મળેલી બાતમીના આધારે પી.એસ.આઈ. એસ. એસ. દેસાઈ અને ટીમે બુધવારે રાત્રે કાપોદ્રા જલારામ ફર્નીચરની સામે ઓવરબ્રીજના નાકે વાહનની રાહ જોતા ઉભા છગનભાઈ નાનજીભાઈ પાંડવ(ઉ.વ.૬૪)(ક્રિષ્ના ફલેટ, બહુચર નગર, કતારગામ) ને અલગ અલગ બ્રાન્ડની મોંઘી ઈમ્પોર્ટેડ સ્કોચ, વ્હીસ્કી અને વોડકાની કુલ રૂ. ૩૪,૩૧૫ ની કિંમતની ૧૯ બોટલો સાથે ઝડપી લીધા હતા. અગાઉ દરજીકામ કરતા છગનભાઈ મુંબઈથી ઈમ્પોર્ટેડ સ્કોચ, વ્હીસ્કી અને વોડકાની બોટલો લાવી તેમાં નફો ઉમેરી પોતાના બંધાયેલા ગ્રાહકોને હોમ ડિલીવરી કરતા હતા. મુંબઈથી દારૂની બોટલો વ્યવસ્થિત પેક કરાવી માત્ર એસ.ટી. બસમાં જ કામરેજ આવતા અને કામરેજથી એસ.ટી. બસમાં કાપોદ્રા પહોંચી ત્યાંથી કોઈક વાહન મારફતે ઘરે પહોંચતા હતા. છેલ્લા પાંચ વર્ષથી તે આ રીતે જ બોટલો લાવતા હતા પરંતુ ગતરોજ પહેલી વખત ઝડપાયા હતા. છગનભાઈ ગ્રાહકોની માંગને પહોંચી વળવા અઠવાડિયામાં એક કે બે વખત મુંબઈ જતા અને ૧૮ થી ૨૦ બોટલ લાવતા હતા. એસઓજીએ છગનભાઈ વિરુધ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






