ગાંધીનગર,
તા.૧૯/૦૩/૨૦૧૮
ગુજરાત ઔદ્યોગિકરણમાં હરણફાળ કુદ કરી રહ્યું છે. તેમાં કોઇ બેમત નથી. પરંતુ ગુજરાત શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રમાં અન્ય રાજ્યોની સરખામણીએ ઘણું જ પાછળ હોય તેમ નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો. રાજીવકુમારે જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૃપાણી સાથે નીતિ આયોગના વાઇસ ચેરમેન ડો. રાજીવકુમારની ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી.
ડો. રાજીવ કુમારે પીટીઆઇને જણાવ્યું હતું કે, ;’ગુજરાતે ઔદ્યોગિકરણ, માળખાગત સુવિધા અને ઉર્જા ક્ષેત્રમાં ખૂબ જ પ્રગતી કરી છે. પરંતુ આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાત અપેક્ષા પ્રમાણે પ્રગતિ કરી રહ્યું નથી. આ મુદ્દે મેં ગુજરાત સરકાર સાથે ચર્ચા પણ કરી હતી. મને ગુજરાત સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે તેમણે રાજ્યના વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં શિક્ષણ-આરોગ્ય પાછળ વધુ નાણાકીય ફાળવણી કરવામાં આવી છે.
ડો. કુમારે વધુમાં જણાવ્યું કે, રવિ સિઝનથી જ ખેડૂતો ફોર્મ્યુલા પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીતિ આયોગ પ્રતિબદ્ધ છે. જેના કારણે આગામી ખરીફ સિઝનથી તેનો સંપૂર્ણ અમલ થઇ શકે. ૮.૫ લાખ ટન મગફળી ટેકાના ભાવથી વધુ કિંમતે ખેડૂતો પાસેથી ખરીદવા માટે પણ નીતિ આયોગ ગુજરાત સરકારને મદદ કરશે.
આ બેઠકમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન દ્વારા પૂર્વ દરિયાઇ વિસ્તારની પેટર્નને આધારે પશ્ચિમ દરિયાઇ વિસ્તારના વિકાસની ક્ષમતાઓ વિકસાવવા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાના પાણીનો ઉપયોગ ઔદ્યોગિક-અન્ય હેતુ માટે કરવા ઇઝરાયેલની પદ્ધતિ અપનાવવા પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તેમાં ખૂબ મોટા નાણાકીય રોકાણની આવશ્યક્તા હોવાથી તે માટે કેન્દ્ર સરકારની સહાય માટે વિનંતી કરી હતી.
ગુજરાતના અર્થતંત્રને વેગવંતુ બનાવવા માટે કંડલા -જામનગર વચ્ચે કોસ્ટલ ઇકોનોમિક ઝોન બનાવવા માટે નીતિ આયોગ ગુજરાત સરકારને મદદ કરશે. આ અંગે ડો. કુમારે જણાવ્યું કે, કંડલા અને જામનગર વચ્ચે કોસ્ટલ ઇકોનોમિક ઝોન બનાવવાનો પ્રસ્તાવ અમારી સમક્ષ મૂકવામાં આવ્યો હતો. મારું માનવું છે કે આ ખૂબ જ સારો વિચાર છે. કંડલા-જામનગર વચ્ચે કોસ્ટલ ઇકોનોમિક ઝોન બનાવવાથી અર્થતંત્રને ખૂબ જ ફાયદો થઇ શકે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







