મેકેદાતુ યોજનાથી તમિલનાડુને ફાયદો થશેઃ ગડકરી
ન્યુ દિલ્હી,તા.૨૭
મેકેદાતુ ડેમ પ્રોજેક્ટના મામલે સંસદ પરિસરમાં કર્ણાટકના સાંસદોએ દેખાવો કર્યા છે. આ પહેલા કેન્દ્ર સરકારે કાવેરી નદી પર મેકેદાતુ ડેમના પ્રસ્તાવને લઈને કર્ણાટક અને તમિલનાડુના મુખ્યપ્રધાનોની ટૂંક સમયમાં બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો છે. આ મામલે ગત સપ્તાહે પણ સંસદની કાર્યવાહી બાધિત થઈ હતી. કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ બુધવારે કેન્દ્રીય જળ સંસાધન અને પરિવહન પ્રધાન નીતિન ગડકરી સાથેની બેઠકમાં આના પર વિગતવાર ચર્ચા કરી હતી. કેન્દ્ર સરકારના એક પ્રવક્તાએ જણાવ્યુ છે કે બેઠકમાં ગડકરીએ કહ્યું છે કે તેમને વિશ્વાસ છે કે મેકેદાતુ યોજનાથી તમિલનાડુને ફાયદો થશે.
આશ્વાસન આપવામાં આવ્યું છે કે તેઓ પોતાના અધિકારીઓને નિર્દેશ આપશે કે બંને રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે ઝડપથી બેઠક નિર્ધારીત કરવામાં આવે. તેમણે કહ્યું છે કે બેઠકમાં કર્ણાટક અને ગોવા વચ્ચે મહાદેઈ જળ વિવાદના મામલે પણ ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ ગડકરીએ કહ્યું હતુ કે આ મામલો અદાલતમાં છે. એક નિવેદનમાં ગડકરીએ જણાવ્યુ છે કે યોજનાને લાગુ કરવા પર ચર્ચા કરવા માટે તેઓ કર્ણાટક અને તમિલનાડુના મુખ્યપ્રધાનોની બેઠક બોલાવશે.
બેઠક દરમિયાન કર્ણાટકના મુખ્યપ્રધાને તેમનું ધ્યાન દોર્યું હતું કે તમિલનાડુએ યોજના વિરુદ્ધ વાંધો વ્યક્ત કર્યો હતો. જ્યારે આ બંને રાજ્યો અને ખાસ કરીને તમિલનાડુ માટે ફાયદાકારક છે. કુમારસ્વામીએ કહ્યું છે કે તેમણે કેન્દ્ર સરકારને જણાવ્યુ છે કે તમિલનાડુ સરકાર સાથે બેઠક કરવામાં આવે. જેથી આનું સમાધાન કરી શકાય. મેકેદાતુ યોજનાના વિરોધમાં તમિલનાડુના બે મુખ્ય પક્ષો એઆઈએડીએમકે અને ડીએમકેના સાંસદો સંસદમાં વિરોધ કરી રહ્યા છે.
કર્ણાટકના સાંસદોએ પાર્ટીલાઈનથી ઈતર સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની સામે બંને પક્ષોના વલણનો વિરોધ કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





