ત્રણ ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો
વલસાડ,તા.૨૭
રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલા ગુજરાતના ત્રણ ગામોને સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં સામેલ કરવાની હિલચાલ ચાલી રહી છે. દાદરા નગર હવેલી પ્રશાસન અને ગુજરાત સરકાર વચ્ચે વાતચીત થઇ હતી. વલસાડ જિલ્લા તંત્ર અને સંઘ પ્રદેશના તંત્રના અધિકારીઓ વચ્ચે ચર્ચા બાદ રાજ્યના ત્રણ ગામો જેમાં રાયમાળ, નગર અને મધુબન નામના ગામોને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સામેલ કરવાની હિલચાલ ચાલ ચાલી રહી છે.
તંત્રની આ હિલચાલનો આ ત્રણ ગામોના લોકો વિરોધ કરી રહ્યા છે. આથી પોતાનો વિરોધ વ્યકત કરવા અને સંઘ પ્રદેશમાં સામેલ કરવાની હિલચાલના વિરોધમાં આજે આ ત્રણેય ગામના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય ચૌધરીની આગેવાનીમાં વલસાડ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. કલેક્ટરને મળી પોતાની રજૂઆત કરી હતી.
આવેદનપત્ર આપી આ ત્રણ ગામના લોકોએ તેમના ગામને સંઘ પ્રદેશમાં સામેલ કરવાની હિલચાલનો વિરોધ કર્યો હતો. સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે આ ગામના લોકો જેઓને રાજ્ય સરકાર દ્વારા અપાતા અન્ય લાભ અને યોજનાઓથી વંચિત થવાના ડરના લીધે આ ગામોના લોકો સંઘ પ્રદેશમાં સામેલ થવા માંગતા નથી.
તો કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પણ રાજ્યના ૩ ગામોને સંઘ પ્રદેશને આપી દેવાની ચાલી રહેલી આ હિલચાલનો વિરોધ વ્યક્ત કરી તેઓએ પણ આ ગામના લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખવામાં આવે એવી સરકાર સમક્ષ માંગ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



