વિદ્યાર્થીએ ૧૧માં માળેથી પડતું મૂકી આપઘાત કરતા ખળભળાટ

0
8

રાજકોટ,તા.૨૪
રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા બીસીએના વિદ્યાર્થીને રેક્ટરે હોસ્ટેલનો રૂમ ખાલી કરવાનું કહેતા ડિપ્રેશનમાં આવી ગયો હતો. જેમાં વિદ્યાર્થીએ ૧૧માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાને પગલે જૂનાગઢ રહેતા લોહાણા પરિવારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. આ અંગે કુવાડવા રોડ પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના મોરબી રોડ ઉપર આવેલ મારવાડી કોલેજમાં બીસીએ સેમેસ્ટર ૪માં અભ્યાસ કરતા મૂળ જૂનાગઢના નીલ હિતેનભાઈ ઠક્કર નામના ૨૦ વર્ષીય યુવાને બાજુમાં આવેલ મારવાડી કોલેજની હોસ્ટેલના ૧૧માં માળની ગેલેરીમાંથી ઝંપલાવતા સાથી વિદ્યાર્થીઓએ ગંભીર હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. હોસ્પિટલે આવેલા સાથી વિદ્યાર્થીઓ સાથેની વાતચીતમાં એવું જાણવા મળ્યું હતું કે નીલને અભ્યાસમાં કેટી આવી હોય વિદ્યાર્થીઓને ડિટેઇન કરવાના લિસ્ટમાં નીલનું નામ આવ્યું હતું.
જેથી બપોરે તેને કોલેજના રેક્ટર અમૂલ્ય શાહુએ પોતાની ઓફિસમાં બોલાવ્યો હતો. અને તેને આવતીકાલ સવારના સાળા દસ વાગ્યા સુધીમાં હોસ્ટેલનો રૂમ ખાલી કરી દેવા ડિટેઇન કરવા જણાવ્યું હતું. આ વાત કર્યા બાદ તે નિખાલસતાથી પોતાના રૂમમાં આવ્યો હતો.
અને મિત્રોને આ વાત કરતા મિત્રોએ તેના પિતાને ફોન કરવા જણાવ્યું હતું. જેથી તે ૧૧માં માળે પોતાના રૂમની બાલ્કનીમાં વાત કરવા ગયો હતો. અંદાજે ૧૫ મિનિટ બાદ તેના રૂમ પાર્ટનર દર્શ નામના વિદ્યાર્થીએ બાલ્કનીનો દરવાજા ખોલતા તેની નજર સામે જ નીલે નીચે કૂદકો માર્યો હતો.
કદાચ તેને રેક્ટરે ડિટેઇન કરી રૂમ ખાલી કરવાની આપેલી ધમકીથી ડિપ્રેશનમાં આવી ગયો હોય અને તેને કારણે જ આ પગલું ભરી લીધું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નીલ બે ભાઇમાં મોટો હોવાનું અને તેના પિતા જૂનાગઢમાં કરિયાણાની દુકાન ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ પરિવારજનોને કરતા લોહાણા પરિવારમાં પણ શોકની કાલીમા છવાઈ ગઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY