ટાટા મોટર્સ ઈન્ટ્રા-ડેમાં ૨૯% ઘટ્યો
મુંબઇ,તા.૮
શેરબજારમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેકસ ૪૨૪.૬૧ અંકના ઘટાડા સાથે ૩૬,૫૪૬.૪૮ પર બંધ થયો હતો. કારોબાર દરમિયાન સેન્સેકસ ૩૬,૪૮૦.૬૨ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટીનું ક્લોઝિંગ ૧૨૫.૮૦ અંકના ઘટાડા સાથે ૧૦,૯૪૩.૬૦ પર થયું હતું. ઈન્ટ્રા-ડેમાં તે ૧૦,૯૨૫.૪૫ના સ્તર સુધી પહોંચ્યો હતો. નબળા વિદેશી સંકેતોના કારણે બજારમાં વેચવાલી વધી હતી. મેટલ અને ઓટો સેક્ટરના શેરમાં વધુ દબાણ જાવા મળ્યું હતું.
ટાટા મોટર્સનો શેર ૧૮ ટકાના ઘટાડા સાથે બીએસઈ પર ૧૫૧.૩૦ અને એનએસઈ પર ૧૫૦.૧૫ રૂપિયા પર બંધ થયો હતો. ઈન્ટ્રા-ડેમાં તે ૨૯ ટકા ઘટ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિકમાં ટાટા મોટર્સને ૨૬,૯૬૧ કરોડ રૂપિયાનું નુકસાન થવાથી શેરમાં વેચવાલી જાવા મળી હતી. કંપનીએ ગુરૂવારે તેના પરિણામો જાહેર કર્યા હતા.
નિફ્ટી પર ટાટા મોટર્સના શેરમાં ૧૭.૮૮ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો. આ સિવાય ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સમાં ૬.૯૧ ટકા, વેદાંતામાં ૫.૪૧ ટકા, ગ્રાસિમમાં ૫.૦૮ ટકા અને આયશર મોટર્સમાં ૪.૯૯ ટકાનો ઘટાડો જાવા મળ્યો હતો.
નિફ્ટી પર ઈન્ફ્રાટેલમાં ૭.૫૫ ટકા, કોટક બેન્કમાં ૧.૦૯ ટકા, એચસીએલ ટેકમાં ૦.૪૮ ટકા, ભારતી એરટેલમાં ૦.૩૯ ટકા અને સિપ્લામાં ૦.૩૪ ટકાનો વધારો જાવા મળ્યો હતો. એનાલિસ્ટોના જણાવ્યા પ્રમાણે અમેરિકા-ચીનની વચ્ચે ટ્રેડ વોરને લઈને અનિશ્ચિતતાનો માહોલ હોવાને કારણે રોકાણકારોના મનમાં ચિંતા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે ૧ માર્ચ પહેલા તેમની ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાતની શકયતા નથી.
અમેરિકા અને ચીનની વચ્ચે ગત વર્ષે શરૂ થયેલું ટ્રેડ વોર હાલ શાંત થયું છે. જાકે ૯૦ દિવસની ડેડલાઈન ૧ માર્ચે પૂરી થઈ જશે. બંને દેશોની વચ્ચે થયેલી મિટિંગમાં અત્યાર સુધી કોઈ ચોક્કસ પરિણામ આવ્યું નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





