મુંબઈ,તા.૧૪
પ્રસિદ્ધ ફિલ્મ સર્જક ઇન્દ્ર કુમારે કહ્યુ હતું કે સમયની સાથે ફિલ્મ ઉદ્યોગમાં ટકી રહેવાની કલા હું શીખી ગયો છું. મારી ફિલ્મોને સારા રિવ્યૂ મળે એવી અપેક્ષા હું રાખતો નથી કારણ કે રિવ્યૂ કરતાં દર્શકોનો પ્રતિભાવ વધુ મહત્વનો હોય છે.
દિલ અને બેટા જેવી સંવેદનશીલ ફિલ્મો ઉપરાંત મસ્તી અને ધમાલ સિરિઝની હિટ ફિલ્મો આપનારા ઇન્દ્ર કુમાર કહે છે કે મને ગીતકાર ઇન્દીવર (સાચું નામ શ્યામલાલ બાબુ રાય) કહેતા કે ફિલ્મોદ્યોગમાં ટકી રહેવા માટે દર પાંચ દસ વરસે બદલાતા રહેવું જાઇએ. ટકી રહેવાની કલા હસ્તગત કરી લેવી જરૂરી છે.
‘સતત બાર વર્ષ સુધી મેં હિટ ફિલ્મો આપી. પછી એમ લાગ્યું કે હવે પહેલાં જેવી હિટ ફિલ્મો નહીં આપી શકું અથવા સફળતા નહીં મળે એટલે તરત મેં મસ્તી જેવી એડલ્ટ ફિલ્મ બનાવી હતી અને ધમાલ ફ્રેન્ચાઇઝી તરફ વળી ગયો હતો.
‘આ બંને ફ્રેન્ચાઇઝીએ બોક્સ આૅફિસ પર મને ધૂમ કમાણી કરાવી આપી પરંતુ એના રિવ્યૂ પ્રતિકૂળ આવ્યા. જો કે ત્યાં સુધીમાં હું ઘડાઇ ગયો હતો એટલે પ્રતિકૂળ રિવ્યૂની મારા મન પર કોઇ નેગેટિવ અસર થઇ નહીં. તમે નહીં માનો, પરંતુ છેક દિલ, બેટા અને ઇશ્ક જેવી મારી ફિલ્મોને પ્રતિકૂળ રિવ્યૂ મળ્યા હતા. છતાં હું દર્શકોને ગમે એવી સારી ફિલ્મો બનાવતો રહ્યો છું. દર્શકોનો પ્રેમ મને મળતો રહ્યો છે’ એમ ઇન્દ્ર કુમારે કહ્યુ હતું.હાલ તેમની ધમાલ સિરિઝની ચોથી કડી ટોટલ ધમાલ આવવાની તૈયારી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



