વરિષ્ઠ નાગરિકો માટેના રમતોત્સવનો કરાયો સ્તુત્ય પ્રયાસ
આહવા, તા.૬
ડાંગ જિલ્લાના વરિષ્ઠ નાગરીકોને સત્કારવા સાથે તેમનામાં રહેલી કોઠાસૂઝનો નવી પેઢીને ખ્યાલ આવી શકે, સીનિયર સિટીઝનોના અનુભવોમાંથી નવી પેઢી કંઇક શીખી શકે, અને આવનારી વિષમ પરિસ્થિતિમાંથી સાનુકૂળ માર્ગ કાઢી શકે તેવા બહુવિધ આશય સાથે ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વૃદ્ધત્વના વધામણા નામક વરિષ્ઠ નાગરીકો માટેના એક રમતોત્સવનું તાજેતરમાં આયોજન કરાયુ હતું.
આહવાના પ્રયાસ ગૃપ ઑફ મલ્ટી એક્ટિવિટિઝ તથા સંજીવની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં, ૬૦ થી ૮૦ની વયજુથના ર૦ બહેનો, અને રપ જેટલા ભાઇઓ મળી કુલ-૫૫ વડિલોએ ઉત્સાહભેર ભાગ લઇને, યુવાપેઢીને પ્રેરણા પુરી પાડી હતી. દરમિયાન ડાંગ જિલ્લાના મામા તરીકે ઓળખાતા શ્રી ગીરધરભાઇ નેરકર કે જેઓ બેડમિંન્ટનના શ્રેષ્ઠ ખેલાડી તરીકે વર્ષોથી ડાંગ જિલ્લાનુ સીનિયર સિટીઝન કેટેગરીમાં પ્રતિનિધિત્વ કરી રહ્નાં છે. તેમનું વિશેષ સત્કાર કરીને, આગામી દિવસોમાં તેઓ રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા જઇ રહ્ના છે ત્યારે તેમને અગાઉથી આ માટેની શુભકામના પાઠવવામાં આવી હતી.
આ વેળા આહવા નગરના સામાજિક અગ્રણીઓ સર્વશ્રી નંદુભાઇ ભદાણે, ગિરીશભાઇ મોદી, ડાંગ સ્વરાજ આશ્રમના શ્રી ગાંડાભાઇ પટેલ સહિતના મહાનુભાવોએ આયોજકો અને સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર આયોજિત આ રમતોત્સવમાં લીંબુ ચમચી, મટકા ફોડ, સંગીત ખુરશી જેવી રમતોનું આયોજન કરાયુ હતું. જેના વિજેતા વરિષ્ઠ નાગરીકોને મહાનુભાવોના હસ્તે પુરસ્કૃત કરાયા હતા. આયોજકો તથા નિર્ણાયકોએ જુદી જુદી રમતના વિજેતાઓને ૧૯ જેટલા શિલ્ડ અર્પણ કર્યા હતા. કાર્યક્રમના આયોજનની રૂપરેખા પ્રયાસ ગૃપના મુખ્ય આયોજક શ્રી ઉત્પલભાઇ પુરોહિતે આપી હતી. કાર્યક્રમનું સંચાલન તથા નિર્ણાયક તરીકે આહવાના શ્રી દત્તાત્રેય મોરે, પ્રજેશ ટંડેલ, તથા ડૉ.શ્વેતા ગાંધીએ સેવા આપી હતી. સખી મંડળના ઉષાબેન તથા મહેન્દ્રભાઇ માસ્ટર અને પ્રશાંતભાઇ બોરસેએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા આનુષાંગિક વ્યવસ્થાઓ સંભાળી હતી. વેપારી મહાજન સર્વશ્રી શિલ્પેશ દેસાઇ, કિરણ ગાંધી, રફીક ધાનાણી, મુકેશ દુબે, હેમંત ચૌહાણ, રાજેન્દ્ર દુષાણે વિગેરેએ પણ તેમનું યોગદાન પુરૂ પાડ્યુ હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



