ડાંગ જિલ્લામાં તા.૭ થી ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષા યોજાશે

0
8

જિલ્લાના તમામ પરીક્ષા સ્થળોને સી.સી. ટીવીથી કરાયા સજ્જ
આહવા, તા.૪
રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ આગામી તા.૭મી માર્ચ, ૨૦૧૯થી તા.ર૩મી માર્ચ, ૨૦૧૯ દરમિયાન આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓ અહીંના વિદ્યાર્થીઓ પૂર્ણ વિશ્વાસ સાથે આપી શકે, તથા વિદ્યાર્થીઓની મહેનતને પૂરતો ન્યાય મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રએ સમગ્ર પરીક્ષાના સફળ સંચાલન માટે એકશન પ્લાન ઘડી કાઢી જરૂરી અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરી દીધી છે.
જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીલાલ ભૂસારા તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષા માટે ડાંગ જિલ્લાના ૩૮૮૭ વિદ્યાર્થી નોંધાયા છે. જેમના માટે જિલ્લામાં ૭ કેન્દ્રોના ૧૪ મકાનોમાં ૧૪૧ બ્લોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
તે જ રીતે ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહ) માટે અહીં ૧૯૬૪ વિદ્યાર્થીઓ નોંધાવા પામ્યા છે. જેઓ માટે જિલ્લાના ૪ પરીક્ષા કેન્દ્રો ખાતે ૭ મકાનોના ૭૧ બ્લોકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) માટે જિલ્લામાં નોંધાયેલા ૩૩૯ વિદ્યાર્થીઓ માટે ર પરીક્ષા કેન્દ્રોના ર મકાનો અને ૧૯ બ્લોક્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ, ડાંગ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષામાં જિલ્લાના કુલ ૬૧૮૯ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્નાં છે. જેમના માટે કુલ ૧૩ પરીક્ષા કેન્દ્રો, ર૩ બિલ્ડિંગો અને ર૩૧ બ્લોક્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ ઉપરાંત પરીક્ષાર્થીઓ નિર્ભિક રીતે પરીક્ષા આપી શકે તથા અહીં કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સી.સી.ટીવી કેમેરા કાર્યરત કરવા સાથે જરૂરી સલામતીની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે. પરીક્ષાઓ માટે પાયાકિય સુવિધાઓ સાથે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર કેન્દ્ર સંચાલક સાથે જરૂરી અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ પણ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે.
પરીક્ષાના સરળ સંચાલન માટે તથા વિદ્યાર્થીઓ/વાલીઓના માર્ગદર્શન/કાઉન્સેલીંગ અર્થે આહવા ખાતે તા.૬ઠૃ માર્ચ થી ર૩મી માર્ચ, ૨૦૧૯ દરમિયાન સવારના ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી કંટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવનાર છે. ડાંગ જિલ્લાના કંટ્રોલરૂમનો નંબર : ૦૨૬૩૧-૨૨૦૨૬૦ તથા મોબાઇલ નંબર : ૯૪૨૭૧ ૭૩૩૯૧ જારી કરાયો છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY