ચેન્નાઈમાં આયોજિત સ્પર્ધામાં આહવાના વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રથમ
આહવા, તા.૧૨
કહેવત છે ને કે પુત્રના લક્ષણ પારણાંમા. જેને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં ડાંગ જિલ્લામાં બન્યો. જેણે સમગ્ર ડાંગ જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.
ભવિષ્યમાં દેશને નવા વૈજ્ઞાનિકો મળી રહે, આજના વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં રસૠચિ કેળવતા થાય, અને તેની અવનવી શોધ દ્વારા માનવજીવનને વધુ સરળ અને સુવિધાયુક્ત બનાવી શકાય તેવા બહુવિધ ઉદૃશ સાથે દેશભરની પસંદગીની શાળાઓની જેમ, ડાંગ જિલ્લાની પણ આહવા સ્થિત સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શરૂ થવા જઇ રહેલી અટલ ટિંકરીંગ લેબના પ્રથમ બેચના વિદ્યાર્થીઓએ નવી આશા જન્માવતા લેબ વિધિવત શરૂ થાય તે પહેલા જ, ચેન્નાઇ ખાતે યોજાયેલી એક રાષ્ટ્રીયકક્ષાની કોમ્પિટિશનમાં હિસ્સો લઇને, સમગ્ર ભારતદેશમાં ચોથુ, અને ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી, ડાંગ જિલ્લો પણ કોઇનાથી કમ નથી, તે સાબિત કરી બતાવ્યું છે.
માનવજીવનમાં રોબોટિક ઇન્સ્ટુમેન્ટ્સનો વપરાશ વધે, અને તે બહેતર જીવન માટે ઉપયોગી થઇ શકે તેવા આશય સાથે આહવાની અટલ ટિંકરીંગ લેબના બે વિદ્યાર્થીઓએ તેમના ટીચરની મદદથી સ્વયં અવનવા પાર્ટ્સ, સરકીટ, વાયફાય, મોબાઇલ એપ્લિકેશનના સુભગ સમન્વયથી એક રોબોટને જન્મ આપ્યો. જે કોમ્પિટિશનની થીમ અનુસાર સ્વચ્છ ભારત મિશનનો સંદેશ આપતા, ઑટોમેટિક રીતે બાળવૈજ્ઞાનિકોના ઇશારે તેના એરીયામાં રહેલો કચરો ઉઠાવી, ડસ્ટબીન સુધી લઇ જવામાં સફળ રહ્ના.
ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ગત જુન માસથી, એટલે કે નવા સત્રથી આહવાની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાને અટલ ટિંકરીંગ લેબની ફાળવણી કરવામાં આવી છે, તેમ જણાવતા લેબના સંચાલિકા એવા મેન્ટર ટીચર શ્રીમતી બીજુબાલા પટેલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, અદ્યતન રોબોટીક પાર્ટ્સ સાથે થ્રિ ડી પ્રિન્ટર, ડ્રોન કેમેરા, અને લેપટોપ સહિત આનુષાંગિક ફર્નિચર સાથેની એ.ટી.એલ. અહીં શરૂ થવા જઇ રહી છે. સંભવતઃ તેનું ઑપનિંગ આગામી તા.ર૧મી જાન્યુઆરીએ થાય તેવા શાળાના પ્રયાસો છે. આ લેબમાં પ્રથમ બેચમાં ૩૦ જેટલા ચૂનંદા વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે. જે પૈકી બે વિદ્યાર્થીઓ આનંદા શિમ્પી, અને યશ પાટીલે વિશેષ રસૠચિ દાખવતા, લેબ શરૂ થવા અગાઉ જ આઇ.આઇ.ટી. મદ્રાસ (ચેન્નાઇ) ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કોમ્પિટિશનમાં ભાગ લેવાનો અમને મોકો મળ્યો.
આઇ.આઇ.ટી. મદ્રાસ ખાતે આયોજિત કોમ્પિટિશનમાં દેશભરની એ.ટી.એલ.ના વિદ્યાર્થીઓ સાથે પ્રતિસ્પર્ધા કરીને, વધુમાં વધુ પોઇન્ટ્સ મેળવતા જઇ, સેમીફાઇનલ રાઉન્ડ સુધી પહોંચ્યા. સેમિફાઇનલના ૪ રાઉન્ડમાં હાઇએસ્ટ પોઇન્ટ્સ સાથે પાંચમા રાઉન્ડમાં ગુજરાત રાજ્યની જ, રાજકોટની ટીમ સામે કાંટાની ટક્કર થઇ. ત્રણ ત્રણ મિનિટના રાઉન્ડમાં ચાર ચાર વખત ટાઇ પડતા, પાંચમો રાઉન્ડ બે મિનિટનો કરાયો. જેમાં મહત્તમ પોઇન્ટ્સ અંકે કરીને, આહવાની ટીમ ફાઇનલ રાઉન્ડમાં પ્રવેશી. જ્યાં મહારાષ્ટ્રની અન્ય ત્રણ ટીમો સામે ટક્કર ઝીલીને, ગુજરાતની એકમાત્ર ડાંગની આ ટીમે દેશભરમાં ચોથુ સ્થાન મેળવ્યુ. સાથે ગુજરાતમાં પ્રથમ નંબર મેળવ્યો. નજીવા માર્જીનને કારણે ટોપ થ્રીમાં ન આવી શક્યાનો વસવસો છે, તેમ છતાં ડાંગની ટીમે ગુજરાતમાં સૌથી વધુ પોઇન્ટ્સ મેળવ્યા તેનો આનંદ પણ છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




