અડાજણના હનીપાર્ક રોડ પર આવેલા ભૂમિ કોમ્પ્લેક્ષ પાસેની ગોપાલકૃષ્ણ સોસાયટીના એક ઘરના તાળા નકલી ચાવી વડે ખોલીને તસ્કરો સોનાના દાગીના અને રોકડ રકમ મળીને કુલ૧.૮૭ લાખની ચોરી કરી ગયા હોવાનો બનાવ બન્યો હતો. આ પ્રકરણમાં અડાજણ પોલીસે આજે ભાડૂત દંપતિની જ આ ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી અને ચોરેલી તમામ મત્તા જેમાં સોનાના દાગીના અને રોકડ કબજે લીધી હતી.ચોરી કરનાર દંપતિ પૈકી પત્ની જ્યારે નાની હતી ત્યારે પણ અનેકવાર ચોરીના ગુનામાં પકડાઈ ચુકી છે.
અડાજણના હનીપાર્ક રોડ પર આવેલા ભૂમિ કોમ્પ્લેક્ષની સામે ગોપાલકૃષ્ણ સોસાયટીના ઘર નંબર એ/૧૫ માં રહેતા ચંદ્રકાંત ચોટલીયા કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પરિવાર સાથે ઘર બંધ કરીને પત્નીની આંખ બતાવવા માટે હોસ્પિટલમાં ગયા હતા, તે સમયે તસ્કરોએ તેમના ઘરને નકલી ચાવી વડે ખોલી કબાટમાંથી ૧૧ હજાર રોકડા અને સોનાના દાગીના મળીને ૧.૮૭ લાખની મત્તાની ચોરી કરીને નાસી ગયા હતા.
બનાવ અંગે ચંદ્રકાંતભાઈની ફરિયાદ લઈને પી.એસ.આઈ. પ્રીતેશ ચિત્તેએ વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ દિપક મનોહરભાઈ અને કનકસિંહ અને સ્ટાફના માણસોએ તસ્કરોનું પગેરૂ દબાવવા માટે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી તે સમયે ભાડૂત પાર્થ ઉર્ફે લાલુ વિજયભાઈ બોસમીયા અને તેની પત્ની પૂર્વીને હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી.
ચોરી થઈ તે પછી અસલ તાળાની જગ્યાએ બીજુ તાળુ લગાડી દેવામાં આવ્યું હતું તેની તપાસ પોલીસ કરી રહી હતી ત્યારે પાર્થ ઉર્ફે લાલુ વારંવાર પોલીસને એવું કહી રહ્યો હતો કે ચાવી પગ લુંછણીયાની નીચે જ હોવી જોઈએ હકીકતમાં ચંદ્રકાંત ભાઈ ક્યારેય પણ પગ લુંછણીયાની નીચે ચાવી મુક્તા ન હતા. અડાજણ પોલીસ પાર્થ ઉર્ફે લાલુ અને તેની પત્ની પૂર્વીને પોલીસ સ્ટેશને લઈ આવ્યા હતા. અને બંનેની આકરી પપુછપરછ કરતા આ ચોરી તેમણે જ કરી લીધી હોવાની કબૂલાત કરી લીધી હતી. હકીકતમાં પૂર્વી નાની હતી ત્યારે પણ વારંવાર ચોરીઓ કરતી હતી અને પોલીસના હાથે અગાઉ પકડાઈ ચૂકી છે. પોલીસે પાર્થના ઘરેથી ચોરાયેલા સોનાના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂ.૧.૮૭ લાખની મત્તા કબજે લીધી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"