એડિલેડ,તા.૧૦
ટીમ ઇન્ડિયાના યુવા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંતે એડિલેડ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના સુકાની ટીમ પેનનો શાનદાર કેચ કરી નવો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તે ઓસ્ટ્રેલિયામાં વિદેશી વિકેટકિપર તરીરે એક મેચમાં સૌથી વધારે ૧૦ કેચ ઝડપવાની સિદ્ધિ મેળવી છે. પંતે પ્રથમ ઇનિંગ્સામં ૬ અને બીજી ઇનિંગ્સમાં ૪ કેચ પકડ્યા હતા.
પંત પહેલા ઓસ્ટ્રેલિયામાં એક મેચમાં સૌથી વધારે કેચ પકડવાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝના ડેવિડ મુરેના નામે હતો. જેણે ૧૯૮૧માં ૯ કેચ કર્યા હતા. પ્રથમ ઇનિંગ્સમાં છ કેચ કરવાની સાથે પંતે ધોનીના ૯ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ ૨૦૦૯માં વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે એક ઇનિંગ્સમાં ૬ કેચ કર્યા હતા.
શોન માર્શના કેચની સાથે પંતે એડિલેડ ટેસ્ટમાં ૧૦ કેચ પુરા કર્યા હતા. આ સાથે તેણે ભારતીય વિકેટકિપર રિદ્ધિમાન સાહાની બરાબરી કરી લીધી હતી. સાહાના નામે એક મેચમાં ૧૦ કેચનો ભારતીય રેકોર્ડ હતો. તેણે આ વર્ષે જ કેપટાઉન ટેસ્ટમાં ૧૦ કેચ કર્યા હતા. ધોની અને નયન મોંગિયાના નામે ૮-૮ કેચ છે.
એક ટેસ્ટમાં સૌથી વધારે કેચનો રેકોર્ડ ઇંગ્લેન્ડના વિકેટકીપર જેક રસેલ અને દક્ષિણ આફ્રિકાના એબી ડી વિલિયર્સના નામે છે. બંનેના નામે ૧૧-૧૧ કેચનો રેકોર્ડ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





