અમદાવાદ,તા.૨૫
શહેરની સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે જેને કંટ્રોલ કરતાં પોલીસ કર્મચારીઓ વાહનચાલકો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાંકડા પર કે પછી બાઇક પર બેસીને કરતા હતા અને જમવા માટે નજીકની રેસ્ટોરાં અથવા ચાની કીટલી પર જવું પડતું હતું. પોલીસ કર્મચારીઓને પડતી હાલાકીનો અંત લાવવા માટે પોલીસ અધિકારીઓએ પોલીસ કેબિન, પોટા હાઉસ અને છત્રી હાઉસ મૂકવાનું નક્કી કર્યું હતું. છેલ્લા ઘણા સમયથી શહેરનાં અલગ અલગ જંકશન પર ૩પ કરતાં વધુ પોલીસ કેબિન તેમજ પ૦ કરતાં વધુ પોટા હાઉસ અને પ૦ કરતા વધુ છત્રી હાઉસ મૂકવામાં આવ્યાં છે.
કેટલાક પોલીસ કર્મચારીઓએ નામ નહીં આપવાની શરતે પોતાની વેદના વ્યક્ત કરી અને કહે છે કે પોલીસ કેબિન અને બીટ ચોકીમાં બેસવા કરતા ગરમીમાં ફરજ બજાવવી વધુ સારી લાગે છે. ગરમીના કારણે સવારે ૧૧ વાગ્યે ફાઇબરની પોલીસ કેબિન જલદી તપી જાય છે અને સાંજે છ વાગ્યા સુધી આ કેબિનમાં બેસી શકાય તેવી હોતી નથી. ગરમીથી પોલીસ કેબિન ગરમ થઇ જાય છે. જેના કારણે તડકા કરતાં પણ વધુ ગરમી આ કેબિનમાં થાય છે.
શહેરમાં ૩પ કરતાં વધુ પોલીસ કેબિન મૂકવામાં આવી છે. જેમાં હાલ તાળાં જોવા મળે છે. પોલીસ કેબિનને તાળું મારી તેની ચાવી જે તે જંકશન પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પાસે રહે છે. આ પોલીસ કેબિનનો ઉપયોગ માત્ર જાહેરાતો અને હોર્ડિંગ બોર્ડ લગાવવા માટે કરવામાં આવ્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



