અમદાવાદ,તા.૩૦
પોલીસને જયંતી ભાનુશાળી હત્યા કેસની તપાસ સીડીકાંડને કારણે સંવેદનશીલ લાગે છે. મીડિયાથી બચવા અને ગુનાનું સ્થળ કચ્છમાં હોવાથી ‘ઉપરી’ની સુચનાથી એસઆઈટીએ નાછૂટકે કચ્છમાં ધામા નાંખવા પડ્યાં છે. હત્યામાં ઝડપાયેલા પ્રથમ બે આરોપી નીતિન અને રાહુલ પટેલ સાથે નારાયણી ફાર્મમાં રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમજ ચાર શખ્સોના કોર્ટમાં નિવેદન લેવાયા હતા. માત્ર એટલું જ નહીં, ‘મીઠી ખારેક’ તરીકે ચર્ચાસ્પદ સીડીકાંડ ઉજાગર ન થાય તે માટે એસઆઈટી અને મદદગાર એજન્સીઓએ મૌન ધારણ કર્યું છે.
પોલીસ સૂત્રો અંદરખાને સ્વીકારે છે કે, છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીએ યુવતીઓનો ઉપયોગ કરી સામસામી પોલીસ ફરિયાદો કરાવી તેમાં બન્ને સીડી વિવાદના કળણમાં ફસાતા ગયા. ડીસેમ્બરમાં રાજકીય આગેવાને કરેલા અંતિમ પ્રયાસરૂપ ‘સમાધાન બેઠક’ નિષ્ફળ રહ્યાં પછી ‘મરૂં કે મારૂં’ની સ્થિતિ સર્જાઈ હતી. ભાનુશાળીની હત્યા થઈ અને છબીલ પટેલ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો. પરંતુ મીઠી ખારેક તરીકે ચર્ચાસ્પદ સીડીકાંડથી અનેક લોકોના જીવ ઊંચા થઈ ગયાં છે. તેમજ મદદગારોએ તપાસ દરમિયાન સીડીકાંડમાં રાહત મળે તે માટે મોબાઈલ ફોન, સીપીયુ અને લેપટોપ કબજે કર્યા હોવાની ચર્ચા છે. મનિષા ગોસ્વામી અને મુંબઈની યુવતીને પકડી પૂછપરછ કરાય તો ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેના લોહીયાળ વિવાદમાં સીડીકાંડ જ હોવાનું સ્પષ્ટ થાય તેવી ચર્ચા પણ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




