ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ

0
8

અમદાવાદ,તા.૭
ગુજરાતમાં બનેલી વિશ્વની સૌથી મોટી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બાદ હવે રાજ્ય ક્રિકેટના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો રેકોર્ડ બનાવવા જઈ રહ્યું છે. અમદાવાદના મોટેરા ખાતે નિર્માણાધિન આ સ્ટેડિયમના ફોટા તાજેતરમાં જ ઝારખંડમાંથી રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વાઈસ પ્રેસિડન્ટ પરિમલ નથવાણીએ ટ્‌વીટર પર શેર કર્યા છે. અત્યારે નિર્માણાધિન એવા આ મોટેરાના સ્ટેડિયમમાં ૧.૧૦ લાખ લોકોના બેસવાની ક્ષમતા છે.
પરિમલ નથવાણીએ ટ્‌વીટ કરતા જણાવ્યું કે, “વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, મેલબોર્ન કરતાં પણ વિશાળ એવું આ સ્ટેડિયમ ગુજરાતના અમદાવાદ શહેરના મોટેરામાં નિર્માણાધિન છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આ ડ્રીમ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા બાદ સમગ્ર ભારત માટે ગૌરવ બની જશે. અત્યારે તેના નિર્માણકાર્યની કેટલીક ઝાંખી અહીં ફોટા સાથે રજૂ કરી રહ્યો છું.”
અંદાજિત રૂ.૭૦૦ કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ ૬૩ એકર જેટલા વિસ્તારમાં બની રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અત્યંત ટૂંકા ગાળા ૫ વર્ષમાં નિર્માણ કરનારી લાર્સન એન્ટ ટુબ્રો (એલ એન્ડ ટી) દ્વારા આ સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
વર્ષ ૨૦૧૬માં અહીં રહેલા મોટેરા સ્ટેડિયમને તોડી પાડવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમની દર્શક ક્ષમતા ૫૪,૦૦૦ હતા. ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા તેના સ્થાને નવું, અત્યાધુનિક અને સંપૂર્ણ સુવિધાયુક્ત સ્ટેડિયમ બનાવવા માટે જૂનું સ્ટેડિયમ તોડી પડાયું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY