કાઠમાંડૂ,તા.૭
નેપાળની કેન્દ્રીય નાણાકીય સત્તાધારી એજન્સી, એટલે કે નેપાલ રાષ્ટ્ર બેન્ક (NRB)એ ભારતીય રિઝર્વ બેન્કને વિનંતી કરી છે કે તે ભારતે ચલણમાં મૂકેલી ઊંચા મૂલ્યવાળી નવી ચલણી નોટોને નેપાળમાં વ્યવહાર માટે પણ કાયદેસર ઘોષિત કરે. નેપાળ રાષ્ટ્ર બેન્કે ભારતીય રિઝર્વ બેન્કને પત્ર લખીને વિનંતી કરી છે કે તે રૂ. ૨૦૦, રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ના મૂલ્યવાળી ચલણી નોટોને નેપાળમાં પણ કાયદેસર ચલણ તરીકે ઘોષિત કરે.
NRBએ RBIને કહ્યું છે કે તે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) હેઠળ નોટિફિકેશન ઈસ્યૂ કરે જેને પગલે નેપાળમાં ભારતની રૂ. ૧૦૦થી વધુ મૂલ્યની કરન્સી નોટો પણ નેપાળમાં કાયદેસર ચલણ તરીકે વાપરી શકાશે. ઉલ્લેખનીય છે કે ભારતીય રિઝર્વ બેન્કે નેપાળમાં માત્ર રૂ. ૧૦૦ અને તેથી ઓછા મૂલ્યવાળી ભારતીય કરન્સી નોટોને જ ચલણમાં રાખવાની મંજૂરી આપી છે.
ભારત સરકારે ૨૦૧૬માં નોટબંધી લાગુ કરીને રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની બેન્ક નોટ્સને ગેરકાયદેસર જાહેર કરી તે પહેલાં રિઝર્વ બેન્કે FEMA નોટિકફિકેશન બહાર પાડીને નેપાળી નાગરિકોને ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોમાં રૂ. ૨૫,૦૦૦ સુધીની જ રકમ રાખવાની પરવાનગી આપી હતી.
નોટબંધી લાગુ કરાયા બાદ, ભારત સરકારે રૂ. ૨૦૦, રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ના મૂલ્યવાળી નવી ચલણી નોટો બહાર પાડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




