ડાંગના જંગલમાં ચોમાસામાં સર્પદંશના બનાવ સંદર્ભે પ્રશાસન સજ્જ કરાયું

0
12

અસરગ્રસ્તોને ત્વરીત સારવાર ઉપલબ્ધ કરાવાશે
આહવા, તા.૨૦

સંપૂર્ણ વન વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન બનતા સર્પદંશના બનાવો સામે, અસરગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તથા જિલ્લામાં સર્પદંશને કારણે થતી જાનહાનિનું પ્રમાણ ધટાડી શકાય તે માટે, ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરે જિલ્લાના આરોગ્ય વિભાગને કેટલાક દિશાસૂચક નિર્દેશો આપ્યા છે.
જિલ્લાની આરોગ્યલક્ષી સેવાઓની ચર્ચા દરમિયાન ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરે આરોગ્ય વિભાગના ઉચ્ચાધિકારીઓ સાથે ચર્ચા કરતા, જિલ્લામાં ખાસ કરીને ચોમાસા દરમિયાન બનતા સર્પદંશના બનાવો સામે, ગ્રામીણ પ્રજાજનોને પૂરતુ રક્ષણ મળી રહે તે માટે આગોતરા આયોજન સાથે એકશન પ્લાન ધડી કાઢવાની સૂચના આપી હતી.
જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રો, તથા સિવિલ હોસ્પિટલ ખાતે એન્ટી સ્નેક વેનમ ઇન્જેકશનનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા સાથે, સંભવિત રોગચાળાને નાથવા માટે પણ જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવા બાબતે માર્ગદર્શન આપ્યુ હતું.
સર્પદંશ જેવા બનાવોમાં ગ્રામીણ પ્રજાજનોને સમયસર નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવાના અનુરોધ સાથે કલેક્ટર શ્રી એન.કે.ડામોરે પરંપરાગત ઉપચાર પદ્ધતિ તથા અંધશ્રદ્ધાથી દૂર રહીને, આવા કેસોમાં ત્વરિત તબીબી સારવાર મેળવવાની પણ પ્રજાજનોને અપીલ કરી છે.
આપલા ડાંગ, ચાંગલા ડાંગ : આપણુ ડાંગ, સ્વસ્થ ડાંગની વિભાવના સાથે જિલ્લાના પ્રજાજનોની સુશ્રૃષા કરી રહેલા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં એન્ટી સ્નેક વેનમના ઇન્જેકશનો સહિત, તમામ પ્રકારના રોગચાળા સામે અસરકારક સારવાર આપવા માટે સજ્જ છે, તેમ જણાવતા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ.દિલીપ શર્માએ, આરોગ્ય તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે જિલ્લામાં વ્યાપકપણે ક્લોરીનેશનની કામગીરી સહિત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના પટાંગણમાં ધનિષ્ઠ વૃક્ષારોપણ સહિતના કાર્યો હાથ ધરવાનું આયોજન કરાયુ હોવાનું પણ જણાવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY