લોકસભાની ચૂંટણી નજીક આવી છે એટલે ભોળા લોકોને પટાવવાના ખેલ શરૂ થઈ ગયા છે ને આ ખેલમાં અત્યારે સૌથી હોટ ગેઈમ અયોધ્યામાં રામમંદિરના નિર્માણની છે. ભાજપના ઈશારે છેલ્લા છ મહિનાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ને તેનાં પીઠ્ઠુ સંગઠનો મચી પડ્યાં હતાં ને રામમંદિરના મામલે લોકોને બેવકૂફ બનાવવાનો ખેલ માંડીને બેસી ગયાં હતાં. રામમંદિરના મામલે ભાજપનો ઈતિહાસ પાણીમાં બેસી જવાનો છે ને આ વખતે પણ એવું થયું. ભાજપે તેના પાલતુ હિંદુવાદી નેતાઓને આગળ કરીને રામમંદિરનો મુદ્દો ગાજતો કરી દીધો ને પછી અચાનક જેની હવા કાઢી નાંખી. હિંદુવાદી સંગઠનોએ રામમંદિર મામલે વટહુકમ લાવવાનું કોરસ શરૂ કરેલું. સુપ્રીમ કોર્ટમાં રોજેરોજ સુનાવણી કરીને આ મુદ્દાનો નિવેડો લાવવો જાઈએ એવી વાતો પણ એ લોકો કરતા હતા.
આ કોરસ જારશોરથી ચાલતું હતું ત્યાં નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ આવ્યો ને તેમાં મોદીએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણના મામલે વટહુકમ લાવવાની ઘસીને ના પાડી દીધી. મોદીએ સાવ હાથ ખંખેરી નાંખીને ભાજપના પાલતુ હિંદુવાદી નેતાઓને તેમની હેસિયત બતાવી દીધી. બીજું કોઈ હોય તો પોતાના સ્વમાનને ખાતર પોતાની વાતને વળગી રહે પણ આ કરોડરજ્જુ વિનાના નેતાઓએ તરત ગુલાંટ લગાવી દીધી. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પહેલાં રામમંદિરનું નિર્માણ શરૂ કરવાના ખોંખારા ખાતા સંઘના નેતાઓએ ૨૦૨૫ લગીમાં રામમંદિરનું નિર્માણ પૂરું કરાશે તેવી વાતો શરૂ કરી દીધી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ભૈયાજી જાશીએ બે મહિના પહેલાં જ દિલ્હીની ધર્મસંસદમાં ફૂંફાડો મારેલો કે, અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે અમે ભીખ નથી માગતા પણ આ દેશનાં લોકોની લાગણી છે કે રામમંદિર બને, દેશનાં લોકો ઈચ્છે છે કે આ દેશમાં રામરાજ્ય આવે તેની અમે વાત કરી રહ્યા છીએ. એ જ ભૈયાજી જાશી હવે ૨૦૨૫માં રામમંદિરના નિર્માણની વાતો કરવા માંડ્યા છે. સંઘે મોદીની કુર્નિશ બજાવી લીધી ને પોતે પાછળ ના રહી જાય એટલે વિશ્ર્વ હિંદુ પરિષદના નેતાઓ પણ કૂદી પડ્યા. વિશ્ર્વ હિંદુ પરિષદના કાર્યકારી પ્રમુખ તરીકે આલોક કુમાર નામના સજ્જન છે ને તેમણે જાહેર કર્યું કે, કાંગ્રેસ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો સમાવવા તૈયાર હોય તો અમે કાંગ્રેસને ટેકો આપવાનો વિચાર કરી શકીએ. આલોક કુમારના કહેવા પ્રમાણે, કાંગ્રેસે અમારા માટે દરવાજા બંધ જ કરી દીધા છે પણ કાંગ્રેસ અમારા માટે દરવાજા ખોલે તો અમે તેને સમર્થન અંગે વિચારી શકીએ.
આલોક કુમારે આ વાત કરતાં તો કરી દીધી પણ પછી ઉપરથી તતડાવ્યા હશે તેમાં ગેંગેફેંફે થઈ ગયા. પોતાની વાતને ખોટી રીતે રજૂ કરાઈ છે એવું જાહેર કરીને તેમણે જાહેર કર્યું કે, કોઈ પણ પાર્ટી અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો પોતાના ચૂંટણી ઢંઢેરામાં સમાવશે તો અમે તેનો આભાર માનીશું પણ તેનો અર્થ એ નથી કે અમે તેને ટેકો આપીશું કેમ કે આ અમારું કામ નથી ને અમે અત્યાર લગી એવું કરતા નથી.
આલોક કુમારે કરેલ વાત અને તેમની ગુલાંટબાજી હિંદુવાદને નામે ચરી ખાતા નેતાઓ કઈ હદે નપાણિયા અને કરોડરજ્જુ વિનાના છે તેનો પુરાવો છે. અયોધ્યામાં રામમંદિરના નિર્માણનો મુદ્દો ભાજપને છે ને ભાજપ છેલ્લાં ૨૮ વર્ષથી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ મુદ્દાને સમાવે છે. આ ૨૮ વર્ષમાં ભાજપ ત્રણ વાર સત્તામાં આવી ગયો. બે વાર અટલ બિહારી વાજપેયી વડા પ્રધાન બન્યા ને તેમણે છ વર્ષ સત્તા ભોગવી. છેલ્લાં સાડા ચાર વર્ષથી નરેન્દ્ર મોદી વડા પ્રધાન છે. એ રીતે આ ૨૮ વર્ષમાંથી ૧૦ વર્ષ કરતાં વધારે સમય તો ભાજપ સત્તામાં રહ્યો ને એ છતાં તેણે રામમંદિર ના બાંધ્યું. વિશ્ર્વ હિંદુ પરિષદે એ માટે ભાજપને સવાલ કરવો જાઈએ કે નહીં ?
ભાજપ તેમને આટલાં વરસોથી ગોળ ગોળ ફેરવે છે એ માટે તેની સામે ફૂંફાડો મારવો જાઈએ તેના બદલે એ લોકો કે કાંગ્રેસ સામે ચપણિયું લઈને ઊભા રહી ગયા છે. ભલા માણસ, કાંગ્રેસ શું કરવા રામમંદિર બાંધવાના મુદ્દાને પોતાના એજન્ડામાં સમાવે ? કાંગ્રેસે થોડા રામમંદિરના નામે મત લીધા છે ? કાંગ્રેસે થોડી રામમંદિરના નામે યાત્રાઓ કાઢેલી ને હિંદુઓમાં રામમંદિરના નામે ઉન્માદ પેદા કરીને હિંદુ યુવાનોનાં લોહી વહાવડાવેલાં ? એ બધું ભાજપે કર્યું છે. રામમંદિરના નામે ભાજપે સત્તા હાંસલ કરી છે ને તેમણે સત્તા ભોગવી છે ત્યારે રામમંદિરનું નિર્માણ કરવું એ તેમની ફરજ છે. સાલુ, વિશ્ર્વ હિંદુ પરિષદે તેને સવાલ કરવો જાઈએ, તેનો જવાબ માગવો જાઈએ પણ તેના બદલે એ લોકો સાવ બકવાસ વાતો કરી રહ્યા છે.
વિશ્ર્વ હિંદુ પરિષદના નેતાઓ બકવાસ કરી રહ્યા છે કેમ કે તેમનામાં પાણી જ નથી. સાવ નપાણિયા છે એ બધા. ભાજપના નેતાઓના ઈશારે પૂંછડી પટપટાવવાની ને ભાજપના ઈશારે ભસવાનું. ભાજપ ડારો દે એટલે બે પગ વચ્ચે પૂંછડી દબાવીને બેસી જવાનું. એ લોકો વરસોથી આ જ કામ કરે છે ને અત્યારે પણ એ જ કરી રહ્યા છે. વિહિપના નેતાઓએ ખરેખર તો ભાજપને અલ્ટિમેટમ આપવું જાઈએ કે, રામમંદિરના નિર્માણની તારીખ નક્કી કરો, નહિતર તમારી સામે આંદોલન કરીશું ને તમારું જીવવું હરામ કરી દઈશું. તેના બદલે એ લોકો બકવાસ કરી રહ્યા છે. રામમંદિર માટે જીવ આપી દેવાની વાતો કરનારા ને ફાંકા મારનારા આપણા હિંદુવાદી નેતાઓ સત્તામાં બેઠેલા મોદીના એક હાકોટે ગળચાં ગળતા થઈ ગયા છે.
અયોધ્યામાં રામમંદિર બને કે ના બને તેનાથી આ દેશને કશો ફરક પડતો નથી. આ દેશનાં લોકો રામમંદિર નથી ત્યારે પણ જીવે છે ને સંઘર્ષ કર્યા કરે છે. રામમંદિર બની જશે તો આ દેશમાં રામરાજ્ય આવી જશે ને લોકોને લીલાલહેર થઈ જશે એવું થવાનું નથી. આ સંજાગોમાં રામમંદિર બને કે ના બને, સામાન્ય લોકોને કશો ફરક પડતો નથી પણ સવાલ રામમંદિર બને કે ના બને તેનો નથી પણ સવાલ રામમંદિરના નામે લોકોને બેવકૂફ બનાવવા ચાલતા ખેલનો છે. રામમંદિરના નામે લોકોના જીવનમાં અશાંતિ ઊભી કરવાના ને આ મુદ્દાનો રાજકીય ફાયદો લેવાના દાવપેચ થાય છે તેનો છે.
ભાજપે રામમંદિરના નામે સત્તા મેળવી પણ પોતાના વચનનું પાલન કરવાની તેમનામાં તાકાત નથી એટલે એ લોકો જાતજાતના અખાડા કર્યા કરે છે. ભાજપ પાસે રામમંદિર બાંધવા માટે પૂરતો સમય હતો ને સત્તા પણ હતી છતાં તેણે આ મુદ્દે કશું કર્યું નથી. એ લોકો પહેલાં કહેતા કે, ઉત્તર પ્રદેશમાં અમારી સત્તા આવશે તો રામમંદિર બનાવીશું. પછી કહેવા માંડ્યા કે, કેન્દ્રમાં અમારી સરકાર આવશે તો રામમંદિર બનાવીશું. પછી નવું શરૂ કર્યું કે, બંને ઠેકાણે અમારી સત્તા આવશે તો રામમંદિર બનાવીશું. એ બધું થઈ ગયું તો નવું કોરસ શરૂ કર્યું કે, કોર્ટનો ચુકાદો આવી જશે પછી રામમંદિર બનાવીશું. ભલા માણસ, કોર્ટના ચુકાદાની જ રાહ જાવાની હતી તો આંદોલન શું કરવા કર્યું ? એ ચુકાદો તો આમ પણ આવવાનો જ હતો ને ?
હવે પાછી તેમણે નવી વાતો શરૂ કરી છે કે, કાંગ્રેસ રામમંદિરના નિર્માણમાં રોડાં નાંખે છે. ભલા માણસ કેન્દ્રમાં તમારી પાસે બહુમતી સાથેની સરકાર છે, ઉત્તર પ્રદેશમાં તમારી પાસે બે તૃતિયાંશ બહુમતી સાથેની સરકાર છે ને એ છતાં કાંગ્રેસ પોતાનું ધાર્યું કરાવી જતી હોય તો તમે શું જખ મારવા સત્તામાં બેઠા છો ? વિશ્ર્વ હિંદુ પરિષદે આ સવાલોના જવાબ ભાજપ પાસેથી લેવાના હોય તેના બદલે એ લોકો સાવ બેશરમ બનીને કાંગ્રેસ સામે ભીખ માગી રહ્યા છે.
કાંગ્રેસને તો રામમંદિરના મુદ્દાની પહેલાં પણ જરૂર નહોતી ને આજે પણ જરૂર નથી. ભાજપે ૧૯૮૦ના દાયકાના અંતમાં રામમંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવ્યો એ પછી કાંગ્રેસ ત્રણ વાર સત્તામાં આવી ને ત્રણેય વાર તેણે પાંચ વર્ષની ટર્મ પૂરી કરી. એ દરમિયાન ના તો કદી તેણે પોતે રામમંદિર બાંધશે એવું વચન આપેલું કે ના તો રામમંદિરના નામે મત માગેલા ને છતાં લોકોએ તેને સત્તા સોંપી હતી. હવે રામમંદિર વિના પણ કાંગ્રેસ ત્રણ દાયકામાંથી દોઢ દાયકો સત્તા ભોગવી શકતી હોય તો હવે એ શું કરવા આ મુદ્દાને અડકે?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



