એક સમયે બહુ ગાજેલા સોહરાબુદ્દીન શેખ એન્કાઉન્ટર કેસનો અંતે ૧૩ વર્ષ પછી નિવેડો આવી ગયો ને બધા નિર્દોષ છૂટી ગયા. સોહારાબુદ્દીન શેખ ઉપરાંત તેની પત્નિ કૌસરબી અને સોહરાબુદ્દીનના ગોઠિયા તુલસીરામ પ્રજાપતિ મળીને કુલ ૩ જણનાં ગુજરાત પોલીસે ૨૦૦૫માં એક એન્કાઉન્ટરમાં ઢીમ ઢાળી દીધેલાં. આ એન્કાઉન્ટર નકલી હતાં એવી હોહા થઈ પછી કેસ નોંધાયેલો ને ૩૮ આરોપીઓએ જેલની હવા ખાવી પડેલી. આ આરોપીઓમાં ઘણાં મોટાં માથાં પણ હતાં ને ચિઠ્ઠીના ચાકર એવા નાના નાના પોલીસ કર્મચારીઓ પણ હતા.
જા કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, રાજસ્થાનના ભૂતપૂર્વ ગૃહ મંત્રી ગુલાબચંદ કટારિયા, આઈપીએસ અધિકારીઓ ડી. જી. વણઝારા અને અભય ચુડાસમા સહિતના તુર્રમખાં કહેવાય એવા આરોપીઓ તો પહેલાં જ છૂટી ગયેલા. એ પછી ટુણિયાટ ટાઈપના ૨૨ આરોપીઓ સામે કેસ ચાલતો હતો. શુક્રવારે સીબીઆઈ કોર્ટે એ ૨૨ આરોપીને પણ છોડી મુક્યા ને આખી કથા પૂરી કરી નાખી. હિન્દી ફિલ્મોમાં ચવાઈને કૂચ્ચો થઈ ગયેલા ડાયલોગની ભાષા વાપરીએ તો સીબીઆઈ જજે જાહેર કરી દીધું કે, સબ આરોપિયોં કો બાઈજ્જત બરી કિયા જાતા હૈ.
સોહરાબુદ્દીન શેખ કેસના ચુકાદા સાથે ગુજરાતમાં બહુ ગાજેલા એક કાંડનો અંત આવી ગયો છે. છેલ્લાં ૧૩ વર્ષથી આ કેસ ચાલતો હતો ને છેવટે ખોદ્યો ડુંગર ને નિકળ્યો ઉંદર જેવી હાલત થઈ ગઈ છે. સ્વાભાવિક રીતે જ જે લોકો છૂટ્યા છે એ લોકો ખુશ જ હોય. આપણને તેની સામે કંઈ વાંધો નથી, પણ આ ચુકાદાએ ફરી એક વાર આપણી ન્યાય પ્રક્રિયા, આપણા સરકારી તંત્ર ને આપણી તપાસ એજન્સીઓની વિશ્ર્વસનિયતા સામે સવાલો ખડા કરી જ દીધા છે. આ સવાલોની વાત કરતાં પહેલાં સોહરાબુદ્દીન કાંડ શું હતો તેની વાત કરવી જરૂરી છે કેમ કે તો જ આ સવાલોને સારી રીતે સમજી શકાશે.
સોહરાબુદ્દીન શેખ ૨૬ નવેમ્બર, ૨૦૧૫ના રોજ એન્કાઉન્ટરમાં મરાયેલો. હવે કોર્ટે જ ના પાડી દીધી છે ત્યારે સોહરાબુદ્દીનને નકલી એન્કાઉન્ટરમાં પતાવી દેવાયેલો એવું આપણાથી ના કહેવાય, પણ અત્યાર લગી તો એવું જ મનાતું હતું. આપણી એજન્સીઓએ કરેલી તપાસ પ્રમાણે સોહરાબુદ્દીન શેખ હૈદરાબાદથી સાંગલી આવતો હતો ત્યારે આઈપીએસ અધિકારી ડી. જી. વણઝારાની એટીએસની ટીમે બસ રોકીને શેખ તથા તેની પત્નિ કૌસરબીને ઉતારી લીધાં હતાં. તુલસીરામ પ્રજાપતિ પણ તેમની સાથે હતો. ત્રણ દિવસ પછી ગુજરાત પોલીસે મોટા ઉપાડે જાહેર કર્યું કે, સોહરાબુદ્દીન આતંકવાદી હતો ને એ વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની હત્યા કરવા આવેલી પણ પોલીસને ખબર પડી તેમાં તેને ઘેરી લીધો.
સોહરાબુદ્દીને પોલીસને જાઈને ગોળીબાર કર્યો ને સામો પોલીસે ગોળીબાર કર્યો તેમાં સોહરાબુદ્દીન ઢબી ગયો. ગુજરાત પોલીસની ભારે વાહવાહ થયેલી ને વણઝારા આણિ મંડળી પર જાંબાઝનાં લેબલ લગાવીને લોકો તેમનાં ઓવારણાં લેતા હતાં. થોડા મહિના પછી તુલસીરામ પ્રજાપતિ પણ એન્કાઉન્ટરમાં ઢબ્યો ને પાછી ગુજરાત પોલીસની વાહવાહ થઈ ગયેલી. થોડા મહિના પછી મીડિયાએ ખણખોદ કરીને શોધી કાઢ્યું કે, સોહરાબુદ્દીન આતંકવાદી નહોતો ને તેને પોલીસે નકલી એન્કાઉન્ટરમાં પતાવી દીધેલો. સોહરાબુદ્દીનનો ભાઈ રબાઉદ્દીન પણ ખાઈખપૂચીને પાછળ પડી ગયેલો ને કોર્ટમાં પહોંચેલો. એ વખતે કેન્દ્રમાં કાંગ્રેસની સરકાર હતી તેથી તેને ભાજપ સરકારની મેથી મરાય તેમાં રસ હતો તેથી તેમણે પૂરી મદદ કરી ને છેવટે કેસ સીબીઆઈને સોંપવો પડેલો.
સીબીઆઈએ શોધી કાઢ્યું કે, સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર નકલી હતું ને કૌસરબીને એક ફાર્મહાઉસમાં રાખીને તેના પર બળાત્કાર કરાયો હતો. પછી કૌસરબીની હત્યા કરી દેવાઈ ને તેની લાશને વણઝારાના વતનમાં સળગાવીને સગેવગે કરી દેવાયેલી. આ ધડાકાના કારણે ઘણાં લોકો હચમચી ગયેલાં. શરૂઆત પોલીસ અધિકારીઓથી થઈ ને પછી રાજકારણીઓનો વારો પડી ગયેલો. અમિત શાહ મોદી સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન હતા. તેમને પણ ઉઠાવીને અંદર કરી દેવાયેલા. અમિત શાહ પછી જામીન પર છૂટ્યા પણ તડીપાર થઈ ગયેલા. આ સિવાયનો બીજા જે ઘટનાક્રમ હતો એ મોટા ભાગે બધાંને ખબર છે. શાહ સિવાય બીજાં ઘણાં મોટાં માથાં જેલભેગાં થયેલાં ને મહિનાઓ લગી જેલની હવા ખાવી પડેલી.
હવે જે ચુકાદો આવ્યો છે એ એકદમ એન્ટિ ક્લાઈમેક્સ છે. તેની શરૂઆત કેન્દ્રમાં સત્તા પરિવર્તન થયું એ સાથે જ થઈ ગયેલી. એક સમયે એવું લાગતું હતું કે, આ કેસોમાં ફસાયેલા લોકો આખી જિંદગી બહારની હવા નહીં લઈ શકે. તેના બદલે એક પછી એક મોટાં માથાં જામીન પર છૂટવા માંડ્યાં. શાહને તો કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્્યા. પોલીસ અધિકારીઓની પણ પનોતી પૂરી થઈ હોય ને બધા નોકરીઓમાં ગોઠવાઈ ગયા.
રાજકુમાર પાંડિયન, અભય ચુડાસમા મોદી સરકાર આવી તેના ટૂંકા ગાળામાં જામીન પર છૂટીને બહાર આવી ગયેલા. આ કેસમાં એક માત્ર મોટું માથું કહેવાય એવા ડાહ્યાભાઈ જી. વણઝારા ઉર્ફે ડી.જી. વણઝારા બાકી રહી ગયેલા. વણઝારાના નસીબમાં નકૂચો કે તેમને ઈશરત જહાં કેસ પણ નડી ગયો. સોહરાબુદ્દીન કેસમાં સપ્ટેમ્બર, ૨૦૧૪માં જ જામીન મળી ગયેલા પણ ઈશરત કેસમાં જામીન નહોતા મળતા. બે વર્ષ પહેલાં વણઝારાનું નસીબ પણ પલટાયું ને એ પણ જામીન પર બહાર આવી ગયા પછી આ કેસમાં કસ નહોતો રહ્યો. ચુકાદો ઔપચારિકતા જ હતી ને એ પણ હવે પૂરી થઈ ગઈ છે.
આ ચુકાદાના કારણે આપણી સિસ્ટમ સામે જ સવાલો ઊભા થયા છે. આ કેસની તપાસ સીબીઆઈ કરતી હતી. આ કેસમાં વણઝારા આણિ મંડળીની ધરપકડ કરાઈ ત્યારથી ભાજપ સતત એવા આક્ષેપો કરતો રહ્યો છે કે કાંગ્રેસ ભાજપના નેતાઓને ફસાવવા માટે તે સીબીઆઈનો દુરૂપયોગ કરી રહી છે. સ્વાભાવિક રીતે જ ભાજપ આ આક્ષેપો અમિત શાહ તથા ગુલાબચંદ કટારિયા જેવા ભાજપના નેતાઓના સંદર્ભમાં કરતો હતો તે કહેવાની જરૂર નથી પણ બીજા લોકોનું શું ? ભાજપની નરેન્દ્ર મોદી સરકારે જ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને કબૂલાત કરેલી કે, સોહરાબુદ્દીન શેખ, તેની પત્નિ કૌસરબી તથા તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર નકલી હતાં. પછીથી ઈશરત જહાંના કેસમાં પણ આ જ પ્રકારની એફિડેવિટ આપીને તેનું એન્કાઉન્ટર પણ નકલી હોવાનું ગુજરાત સરકારે કબૂલેલું.
વણઝારા, રાજકુમાર પાંડિયન તથા બીજા ફાસફૂસિયા પોલીસો આ એન્કાઉન્ટર્સમાં સીધા સામેલ હતા. વણઝારા એ વખતે ગુજરાત એટીએસના વડા હતા. અભય ચુડાસમાની સંડોવણી પછીથી ખૂલી ને તેમણે જ સોહરાબુદ્દીનની ટીપ આપી હતી એવી વાત સીબીઆઈએ કહેલી. ચુડાસમાની ધરપકડ સાંયોગિક પુરાવાના આધારે થયેલી. અમિત શાહની ધરપકડ એ રીતે જ થયેલી ને એ સંજાગોમાં સીબીઆઈએ તેમની ધરપકડ રાજકીય દબાણ હેઠળ કરી હોય એવી વાત માની શકાય પણ વણઝારા કે રાજકુમાર પાંડિયનના કેસમાં એવી કોઈ શકીયતા જ નહોતી. સીબીઆઈ ને ગુજરાતની ભાજપ સરકાર બંને એ મુદ્દે સહમત હતાં કે આ એન્કાઉન્ટરો નકલી હતાં ને વણઝારાએ એ એન્કાઉન્ટરો કરાવ્યાં હતાં. મોદી સરકારે કરેલી એ એફિડેવિટ ખોટી હતી?
આ માટેના પુરાવા પણ કોર્ટમાં મુકાયેલા ને સાક્ષીઓ પણ હતા. તેના કારણે જ તો પોલીસોએ વરસો લગી જેલની હવા ખાવી પડેલી. હવે કોર્ટને એ પુરાવા પૂરતા લાગતા નથી ને કેસમાં પણ દમ નથી એવું કોર્ટને લાગે છે. ઢગલો સાક્ષીઓ ફરી ગયા તેમાં સીબીઆઈનો વાંક ના કાઢીએ પણ પુરાવાનું શું? પહેલાં આ પુરાવા એટલા મજબૂત હતા કે તેના કારણે કોઈને જામીન નહોતા અપાતા ને હવે એ જ પુરાવા એટલા નબળા થઈ ગયા કે કોર્ટે બધાંને છોડી મુક્યા? આ સવાલો સંખ્યાબંધ કેસોમાં ઊઠે છે ને તેમાંથી મોટા ભાગના કેસો મોટાં લોકોને સંડોવતા જ હોય છે એવું કેમ?
આ એન્કાઉન્ટર સાચું હતું તો જે લોકોએ આટલાં વરસો લગી જેલવાસ ભોગવ્યો તેમને અન્યાય જ થયો કહેવાય ને? આ અન્યાય માટે જવાબદાર કોણ? થોડાક બીજા પણ સવાલ છે.
માત્ર રાજકીય કારણોસર આ રીતે વગદાર લોકોને વરસો લગી જેલમાં ગોંધી રખાતા હોય તો પછી સામાન્ય માણસની તો આ દેશમાં શું હાલત થતી હશે? આ દેશની જેલોમાં એવા તો કેટલા લોકો હજુ હશે કે જેમને આ રીતે ગોંધી રખાતા હશે? વણઝારા કે ચુડાસમા જેવા બધી રીતે ખમતીધર લોકોને પોતે નિર્દોષ છે એવું સાબિત કરતાં વરસો લાગતાં હોય તો એ લોકોનું શું થતું હશે? શાંતિથી વિચારજા ને આપણે કેવા દેશમાં રહીએ છીએ તે નક્કી કરજા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



