કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના કામચલાઉ નાણાં પ્રધાન પીયૂષ ગોયલે શુક્રવારે મોદી સરકારની પાંચ વર્ષની ટર્મનું છેલ્લું બજેટ રજૂ કરી દીધું. વન ડે ક્રિકેટ મેચમાં કોઈ ટીમ ૪૦ ઓવર લગી ઠિચૂક ઠિચૂક રમે ને પછી છેલ્લી ૧૦ ઓવરમાં ધુંઆદાર બેટિંગ કરી નાંખે એવો ઘાટ આ બજેટે કરી નાંખ્યો. આ છેલ્લા બજેટમાં મોદી સરકાર તમામ વર્ગો પર બરાબરની રીઝી ને તેમાં પણ મધ્યમ વર્ગ-નોકરિયાતો અને ખેડૂતોને તો રાજી રાજી કરી દીધા. મોદી સરકારનું આ છઠ્ઠું બજેટ હતું ને અગાઉનાં પાંચ બજેટમાં ઝાઝું કમાવાનું નહોતું.
નરેન્દ્ર મોદી મધ્યમ વર્ગને આંબા-આંબલી બતાવીને સત્તામાં આવેલા પણ તેમના પહેલા બજેટમાં મધ્યમ વર્ગ રાજી થાય એવું કશું નહોતું. જેટલીએ તેમના પહેલા બજેટમાં આવકવેરાના દરોમાં નજીવી રાહતો આપેલી. ભાજપ સત્તામાં આવ્યો એ પહેલાં આવકવેરાની મર્યાદા વધારીને પાંચ લાખ કરવાની વાતો કરતો હતો પણ એ વચન એક પણ બજેટમાં ના પાળ્યું. આ બજેટમાં પણ તેમણે એ વચન નથી પાળ્યું પણ ટેક્સ રીબેટ મેળવવા માટેની મર્યાદા પાંચ લાખ કરી દીધી. તેનો અર્થ એ થાય કે, જેમની આવક પાંચ લાખ રૂપિયા સુધી હશે તેમણે કોઈ ટેક્સ નહીં ભરવો પડે. એ લોકો દોઢ લાખ સુધીનું રોકાણ નિયત કરેલી સ્કીમોમાં કરે તો બીજા દોઢ લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ ભરવામાંથી મુકિત મળે.
મોદી સરકારે જાહેરાત કરી ત્યારે સૌને એવું લાગતું હતું કે, આવકવેરા મુકિત મર્યાદા વધારીને પાંચ લાખ રૂપિયા કરાઈ છે પણ એવું નથી. અલબત્ત આ જોગવાઈના કારણે બહુ મોટા મધ્યમ વર્ગ તથા નોકરિયાત વર્ગને થોડો ઘણો ફાયદો તો થશે જ. ગોયલે નોકરિયાતો માટેની ગ્રેજ્યુઈટીની મર્યાદા પણ વધારીને વીસ લાખ કરી દેવાઈ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદામાં પણ ૧૦ હજારનો વધારો કરી નાંખ્યો તેના કારણે પણ નોકરિયાતોને ફાયદો છે.
મોદી સરકાર અત્યાર લગી ખેડૂતો માટે પણ વાતોનાં વડાં કર્યા કરતી હતી પણ કશું નક્કર નહોતી કરતી. આ વખતે બે હેક્ટર સુધી એટલે કે ૧૨ વીઘા સુધીની જમીન ધરાવતા ખેડૂતોને વરસે ૬ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત પણ કરી નાંખી. એ જ રીતે બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને મહિને ૩૦૦૦ રૂપિયા પેન્શન આપવાનું એલાન પણ કરી નાંખ્યું. મધ્યમ વર્ગને બીજું ઘર ખરીદવા પર પણ રાહત આપી દીધી ને બીજી પણ ઘણી એવી જાહેરાતો છે કે જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. ટૂંકમાં મોદી સરકારે બધા વર્ગનાં લોકોને સાચવી લીધા છે. આ દૃષ્ટિકોણથી મોદી સરકારનું આ શ્રેષ્ઠ બજેટ છે તેમાં શંકા નથી પણ આ બજેટ એવું જારદાર પણ નથી કે તેના પર ઓળઘોળ થઈ જવાય છે.
જાકે એ પછી પણ મોદી સરકારનું આ બજેટ એન્ટિ ક્લાઈમેક્સ જેવું છે કેમ કે અત્યાર લગીનાં મોદી સરકારનાં બજેટ બહુ હરખાવા જેવાં નહોતાં. ભારતમાં મધ્યમ વર્ગ સૌથી મોટો છે અને સૌથી પ્રમાણિક કરદાતા છે. આ પ્રમાણિક કરદાતાને રાહત આપવા છેલ્લાં પાંચ વર્ષ લગી કશું નહોતું કરાયું. તેના કારણે આ વર્ગમાં નિરાશા હતી પણ મોદી સરકારે આ નિરાશા કંઈક અંશે ખંખેરાઈ જાય એવી જાહેરાતો કરી છે.
મોદી સરકારના પહેલા પહેલા બજેટમાં જેટલીએ આવકવેરા મર્યાદામાં થોડીઘણી રાહતો આપી પણ એ બધી છેતરામણી હતી ને તેના કારણે બહુ ફાયદો નહોતો થયો. બીજા બજેટમાં જેટલીએ સર્વિસ ટેક્સના દરમાં વધારો કરીને મધ્યમ વર્ગને રીતસરનો ખંખેરી નાંખેલો. સર્વિસ ટેક્સનો દર પહેલાં ૧૨.૩૬ ટકા હતો. જેટલીએ તે વધારીને સીધો ૧૪ ટકા કરી દીધો નાંખેલો. સર્વિસ ટેક્સ હેઠળ મોબાઈલ ફોનથી શરૂ કરીને જિમ્નેશિયમ સુધીની સેવાઓ આવી જાય. આ બધી સેવાઓ મધ્યમ વર્ગને જ વધારે અસર કરે છે ને એ રીતે જેટલીએ તેમના ખિસ્સા પર કાતર ફેરવી દીધી હતી. એક વર્ષ પછી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ શરૂ થયો પછી સર્વિસ ટેક્સના દર પાછા વધારીને જેટલીએ મધ્યમ વર્ગને એક વરસના ગાળામાં બે વાર ખંખેરી નાંખેલો.
નોકરિયાતોને સાવ એવું ના લાગે કે પોતાની સાવ અવગણના થઈ છે એટલે જેટલીએ તેમને રીઝવવા માટે હેલ્થ ઈન્શ્યોરન્સની કરમુકિતની મર્યાદા વધારવાનો ટુકડો ફેંકી દીધો હતો. અગાઉ મેડિક્લેઈમની ૧૫,૦૦૦ રૂપિયા સુધીની રકમને આવકવેરામાંથી મુÂક્ત મળતી. જેટલીએ એ મર્યાદા વધારીને ૨૫,૦૦૦ રૂપિયા કરી હતી પણ તેના કારણે નોકરિયાતોને ઝાઝો ફાયદો થયો નથી. માંડ એકાદ હજારનો ફાયદો થાય ને એ ફાયદો લેવા તેમણે વધારાના ૯૦૦૦ હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓને ખટાવવા પડે તેવો ખેલ જેટલીએ કરેલો.
જાકે ભાજપને લોકસભાની ચૂંટણીમાં મતદારો સુધી જવા માટે એક મજબૂત મુદ્દો મળી ગયો છે તેમાં શંકા નથી. ભાજપે પોતે આપેલાં વચન પાળતો નથી એવું મહેણું સાવ ભાંગ્યું નથી પણ તેણે એકસાથે ઘણા બધા વર્ગને ખુશ કરવા કોશિશ ચોક્કસ કરી છે. આ બધા મુદ્દાના જારે ભાજપ લોકસભાની ચૂંટણીમાં તરી જાય એવું પણ બને. આ જાહેરાતોના કારણે યંગ ઈન્ડિયા ફરી મોદી પર ઓવારી જાય ને તેના કારણે ભાજપની વધુ પાંચ વર્ષ માટે સત્તામાં આવવાની શકિયતા નકારી ના શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



