મધ્ય પ્રદેશ, રાજસ્થાન ને છત્તીસગઢ એ ત્રણ રાજ્યોમાં સોમવારે ત્રણ કોંગ્રેસી મુખ્યમંત્રીઓની તાજપોશી થઈ ને સોમવારે જ ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં મોટો કહેવાય એવો ચુકાદો આવ્યો. શીખ વિરોધી રમખાણોમાં કોંગ્રેસનાં ઘણાં મોટાં માથાં સામેલ હતાં ને એ લોકો સામે વરસોથી કેસ પણ ચાલે છે. આ રમખાણોના ઘણા કેસોમાં પહેલાં પણ ચુકાદા આવ્યા છે પણ અત્યાર લગી જે ચુકાદા આવ્યા તેમાં સાવ ટૂણિયાટ કહેવાય એવા લોકોને સજા થયેલી.
સોમવારે દિલ્હી હાઈ કોર્ટે કોંગ્રેસના નેતા સજ્જનકુમારને શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠેરવીને જનમટીપ ફટકારી એ સાથે જ પહેલી વાર કોઈ મોટા માથાને સજા થઈ હોય એવું બન્યું. હાઈ કોર્ટે સજ્જનકુમારને શીખોના હત્યાકાંડ માટેનું કાવતરું ઘડવાના આરોપમાં દોષિત ગણાવીને જનમટીપ ઠોકી દીધી છે. સજ્જનકુમારને દિલ્હી કેન્ટોન્ટમેન્ટ વિસ્તારમાં આવેલા રાજનગર વિસ્તારમાં શીખ પરિવારનાં પાંચ લોકોને જીવતા સળગાવીને મોતને ઘાટ ઉતારવા બદલ સજા થઈ છે. આ જ કેસમાં કોંગ્રેસના કાઉન્સિલર બલવાન ખોખર સહિત બીજા લોકોને પણ હાઈ કોર્ટે દોષિત ઠેરવીને જુદી જુદી સજાઓ ફટકારી છે. આ જ વિસ્તારમાં બીજાં શીખોનાં ઘર ને ગુરૂદ્વારા સળગાવવાના કેસમાં પણ આ આખા ટોળાને દોષિત ઠેરવાયું છે.
સજ્જનકુમાર શીખો સામે લોકોને ઉશ્કેરીને હિંસા ભડકાવવાના ને કોમી સંવાદિતા ખોરવવાના ગુનામાં પણ દોષિત ઠર્યા છે. અગાઉ ટ્રાયલ કોર્ટે આ જ કેસમાં સજ્જનકુમારને બાઈજ્જત છોડી મૂકેલા જ્યારે બીજાં બધાંને સજા ફટકારેલી. હાઈ કોર્ટે બીજાંની સજા માન્ય રાખી છે પણ સજ્જનને છોડવાનો ચુકાદો બદલીને તેમને પણ સજા કરી દીધી. હાઈ કોર્ટે સજ્જનકુમારને સજા ફટકારતી વખતે એવી ટિપ્પણી પણ કરી છે કે, શીખોની હત્યા રાજકીય પીઠબળ ધરાવતા લોકોએ માનવતા સામે ઘડેલું કાવતરૂં હતું. હાઈ કોર્ટે સજ્જનકુમારને ૩૧ ડિસેમ્બર લગીમાં શરણાગતિ સ્વીકારવા ફરમાન કર્યું છે.
સજ્જનકુમારને થયેલી સજા ખરેખર મોટી ઘટના છે, કેમ કે પહેલી વાર કોંગ્રેસના કોઈ મોટા માથાને આટલી આકરી સજા થઈ છે. શીખ વિરોધી રમખાણો આ દેશના ઈતિહાસમાં એક શરમજનક પ્રકરણ છે, પણ કમનસીબે તેમાં કદી ન્યાય જ ના થયો. ૩૧ આૅક્ટોબર ૧૯૮૪ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા સતવંતસિંહ અને બિયંતસિંહ નામના ઈન્દિરા ગાંધીના શીખ અંગરક્ષકોએ જ કરેલી. ઈન્દિરાએ આૅપરેશન બ્લૂ સ્ટાર કરાવીને અમૃતસરના સુવર્ણ મંદિરમાં લશ્કર મોકલ્યું તેના કારણે શીખોમાં આક્રોશ હતો. કટ્ટરવાદી શીખોએ તેનો લાભ લઈને સતવંત ને બિયંતને હાથો બનાવીને ઈન્દિરાનું ઢીમ ઢળાવી દીધેલું.
ઈન્દિરાની હત્યાના કારણે કોંગ્રેસીઓ ભડકેલા ને કોંગ્રેસી નેતાઓએ શીખો સામે ઝેર ઓક્્યાં તેમાં રમખાણો થઈ ગયાં. આ રમખાણોમાં બેફામ કત્લેઆમ થયેલી. આ કત્લેઆમ કોંગ્રેસીઓએ કરાવેલી એવા આક્ષેપો સતત થયા જ કરે છે. આ કત્લેઆમની આગેવાની જેમણે કરેલી તેમાં એક નામ સજ્જનકુમારનું પણ હતું. આ હત્યાકાંડ પાછળ બીજા લોકો પણ હતા પણ હરકિશન લાલ ભગત, જગદીશ ટાઈટલર અને સજ્જનકુમાર આ ત્રણ નેતા હત્યારાઓના આગેવાન તરીકે ઊભરેલા. ઈન્દિરાની હત્યાનો બદલે લેવા તેમણે શીખોની કત્લેઆમની યોજના બનાવીને હુમલા કરાવેલા ને શીખોને શોધી શોધીને પતાવી દીધેલા. એવું કહેવાય છે કે, કોંગ્રેસીઓ મતદારયાદીઓ લઈને બેસી ગયેલા. તેના આધારે શીખોના વિસ્તારોની ઓળખ કરાઈ ને પછી તેમનાં ઘરોને આગ લગાડીને મોટા પાયે શીખોને પતાવી દેવાયેલા. એ વખતે કોંગ્રેસમાં શીખોની હત્યા કરીને વફાદારી સાબિત કરવાની હોડ જામેલી ને ઘણા કોંગ્રેસીઓના હાથ શીખોના લોહીથી રંગાયેલા.
ઈન્દિરાની હત્યા પછી તરત રાજીવ ગાંધી વડા પ્રધાન થયેલા. રાજીવની સરકારે આ હત્યારાઓને કશું ના કર્યું ને રાજીવ હાથ પર હાથ મૂકીને બેસી રહ્યા. નરસિંહરાવ કેન્દ્રમાં ગૃહ પ્રધાન હતા પણ ઉપરથી ફરમાન હતું એટલે તેમણે કશું ના કર્યું. દિલ્હીમાં કાયદો ને વ્યવસ્થાની જવાબદારી ગૃહ પ્રધાન તરીકે રાવની હતી પણ રાવ સાવ નપાણિયા સાબિત થયા. ઈન્દિરા ગાંધીની હત્યા કરાઈ એ રાત્રે જ દિલ્હી તથા આસપાસના વિસ્તારોમાં શીખોને શોધી શોધીને ભાજીમૂળાની જેમ રહેંસી નાંખવાનું શરૂ કરી દેવાયેલું. હજારો શીખોનાં ઘરો રાતના અંધારામાં કેરોસીન છાંટીને સળગાવી દેવાયેલાં. બચવાની તક મળે એ પહેલાં તો એ લોકો ઊંઘમાં જ ભડથું થઈ ગયેલાં. બીજા દિવસે સવારે પણ એ ખેલ ચાલુ રહ્યો ને કામ પર જતાં શીખ પુરૂષો-મહિલાઓને પકડી પકડીને રસ્તા પર જ રહેંસી નંખાયેલા. આ હત્યાકાંડમાં સત્તાવાર રીતે ૪૮૦૦ની આસપાસ શીખો માર્યા ગયેલા જ્યારે બિનસત્તાવાર રીતે તો આંકડો પચાસ હજાર કરતાં વધારે હતો. દિલ્હીમાં સૌથી વધારે હત્યાઓ થઈ હતી અને ત્યાં સત્તાવાર રીતે ૨૮૦૦ લોકોને રહેંસી નંખાયેલા. ત્રણ દિવસ લગી આ હેવાનિયત ચાલી ને હજારો શીખો તેનો ભોગ બન્યાં.
આ કત્લેઆમને રાજીવે યોગ્ય ઠરાવેલી. કોંગ્રેસીઓ શીખોને પતાવતા હતા ત્યારે રાજીવે એવો લવારો કરેલો કે, જબ બડા બડા પેડ ગિરતા હૈ, તબ આસપાસ કી ધરતી હિલતી હી હૈ. ઈન્દિરાની હત્યા થઈ તેના પ્રમાણમાં આ તો કંઈ નથી તેવો સૂર રાજીવની વાતનો હતો એટલે કોંગ્રેસીઓ શું કરવા ઝાલ્યા રહે ? શીખોને કોઈ બચાવે એવું જ નહોતું ને એ વખતે ભાજપ તેમની વહારે ગયેલો. ભાજપના કાર્યકરોએ બચાવાય એટલા શીખોને બચાવેલા પણ કોંગ્રેસની સરકારી તાકાત સામે એ બધા પણ કેટલી ઝીંક ઝીલી શકે ? લાલકૃષ્ણ અડવાણી સતત નરસિંહરાવને મળતા ને આ બધું રોકવા આજીજી કરતા. બે દાડા લગી તો રાવના પેટનું પાણી ના હાલ્યું પણ ત્રીજા દિવસે એ પીગળ્યા ને દિલ્હીને લશ્કરને હવાલે કરવા તૈયાર થયા. જાકે રાજીવે એવું ના થવા દીધું ને છેક ચોથા દાડે દિલ્હીમાં આર્મીની એન્ટ્રી થઈ ત્યાં લગીમાં તો હજારો શીખોનાં કાસળ કાઢી નંખાયેલાં. આ દેશના વિકાસમાં બહુ મોટું યોગદાન આપનારા શીખો સાથે જે થયું એ હચમચાવી નાંખે એવું હતું. સત્તાધીશો હત્યારાઓને બેશરમ બનીને છાવરે તો શું થાય તેનો લોકોને પરચો મળ્યો. રાજીવે સજ્જનકુમાર સહિતના હત્યાકાંડના સર્જકોને ટિકિટો ને પછી પ્રધાનપદાં આપીને ખુલ્લેઆમ તરફેણ કરી હતી.
આપણે ત્યાં સમરથ કો નહીં દોષ ગુંસાઈ એ નિયમ ચાલે છે. વાડ જ ચીભડાં ગળે પછી તમે કોને કહો ? શીખ વિરોધી રમખાણોના કેસમાં એવું જ થયેલું. સરકારમાં બેઠેલાં લોકોના ઈશારે જ હત્યાઓ થયેલી પછી હત્યારાઓને શું થવાનું હતું ? એ કારણે સજ્જનકુમાર સહિતના લોકોને કશું ના થયું. ભગત તો ખાધું, પીધું, રાજ કર્યું ને પછી ગુજરી ગયા છતાં કંઈ ના થયું. સજ્જન ને ટાઈટલરે પણ અત્યાર લગી જલસા જ કર્યા. બલ્કે જે કેસમાં તેમને સજા થઈ એ કેસમાં ટ્રાયલ કોર્ટે તેમને નિર્દોષ પણ છોડી મૂકેલા. એ તો ભાજપની સરકાર આવી ને સીબીઆઈએ તેની સામે અપીલ કરી તેમાં સજ્જનનો વારો પડી ગયો, બાકી તેમનેય કશું થવાનું નહોતું.
સજ્જનકુમારની સજા સાથે ભાજપે કમલનાથ સામે પણ હોહા કરી છે. કમલનાથને તગેડી મૂકવા જાઈએ એવું કોરસ પણ ભાજપના નેતાઓએ શરૂ કર્યું છે. જાકે આ હોહા અર્થહીન છે કેમ કે કમલનાથ સામે આ કેસમાં કશું થાય એમ જ નથી. કમલનાથે પણ શીખ વિરોધી રમખાણોમાં ભાગ લીધેલો એવા આક્ષેપો વરસોથી થાય છે પણ તેમાં કશું નક્કર થયું નથી. તેમની સામે કેસ પણ નોંધાયો નથી ત્યારે તેમને સજા થવાનો સવાલ જ નથી ઊઠતો. શીખોની હત્યાનો આક્ષેપ તો અમિતાભ બચ્ચન સામે પણ મુકાયેલો પણ તેના કારણે અમિતાભ થોડો હત્યારો થઈ જાય ? અમિતાભ બચ્ચન એ વખતે રાજીવ ગાંધીની નજીક હતો ને તેણે પણ આ હત્યાકાંડમાં ભાગ લીધેલો એવા આક્ષેપો થયા જ છે પણ આક્ષેપોથી કશું સાબિત ના થાય. ભાજપે આ સમજવું જાઈએ ને પાણી વલોવીને માખણ કાઢવામાં શકિત ના વેડફવી જાઈએ. આ બધી વાતો કરવાથી કશું વળવાનું નથી.
સજ્જનકુમારને સજા થઈ એ ચુકાદો મોટો છે પણ ખરેખર તેનો અર્થ નથી. આ ચુકાદો ૩૫ વર્ષ પછી આવ્યો છે ને ૩૫ વર્ષમાં સજ્જનકુમારે બધું ભોગવી લીધું. સાંસદ પણ બન્યા, કેન્દ્રમાં પ્રધાન પણ બન્યા, ભરપૂર સાહ્યબી ભોગવી ને બધાં સુખ ભોગવ્યાં. હવે ઢળતી ઉંમરે જેલમા જવું પડે તો પણ શું ? તેની સામે જે શીખો મર્યા તેમના પરિવારો કેવી સ્થિતિમાં જીવ્યા તે વિચારજા. જેમણે પોતાના પરિવારના મોભી ને સ્વજનો ગુમાવેલા એ લોકો ૩૫ વર્ષથી લોહીનાં આંસુ વહાવે છે ને ફૂટેલાં કરમોને રડે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



