સબરીમાલા વિવાદ : હિંદુત્વને પોષીને એ લોકો ખરેખર તો હિંદુત્વને પછાતપણા તરફ ધકેલી રહ્યા છે

0
1

કેરળના સબરીમાલા મંદિરને મામલે કેરળમાં પાછો ભડકો થયો છે ને ઠેર ઠેર હોળી સળગી છે. સબરીમાલા મંદિરમાં પરંપરાના નામે ૧૦ વર્ષથી ૫૦ વર્ષની ઉંમર સુધીની મહિલાઓને પ્રવેશ નહોતો અપાતો. સુપ્રીમમાં અપીલ થયેલી ને સુપ્રીમે આ બકવાસ પરંપરાને કોરાણે મૂકીને તમામ મહિલાઓને પ્રવેશવા દેવા ફરમાન કરેલું. તેની સામે કહેવાતા હિંદુવાદી સંગઠનોએ તલવાર તાણી તેથી માહોલ લાંબા સમયથી તણાવપૂર્ણ હતો જ. તેમાં બુધવારે કેરળ સરકારે બે મહિલાઓને વહેલી સવારે મંદિરમાં પ્રવેશ કરાવીને દર્શન કરાવી દીધાં.
મંદિરના પૂજારીઓ ને તેમના આંધળા ભક્તો ચાંપતી નજર રાખીને બેઠેલા જ પણ પોલીસનો કાફલો તેમને થાપ આપીને બિંદુ અમ્મિની અને કનકદુર્ગા નામની બે મહિલાઓને લઈને અંદર ઘૂસી ગયા. પૂજારીઓ અને ભક્તજનોને ખબર પડી ત્યાં સુધીમાં તો બંનેએ મંદિરમાં છેક અંદર ઘૂસીને દર્શન કરી નાખેલાં. આ બંને સન્નારીઓએ પાછો પોતાના મંદિર પ્રવેશની આખી દુનિયાને ખબર પડે તેનો પાકો બંદોબસ્ત કરી રાખેલો ને મીડિયાને બોલાવીને રાખેલું તેમાં મિનિટોમાં તો તેમના મંદિર પ્રવેશના વીડિયો ફરતા થઈ ગયેલા. મીડિયામાં વાત આવી એટલે બધાંને ખબર પડે જ. પૂજારીઓ પણ દોડતા થઈ ગયા. તેમણે મંદિરને ગંગાજળથી ધોવાનાં ને એવાં નાટક કર્યાં.
આ ઘટનાના કારણે કહેવાતા હિંદુવાદીઓને પાછો મોકો મળી ગયો એટલે એ બધા પણ કૂદી પડ્યા. કેરળની ડાબેરી સરકારે મહિલાઓને મંદિરમાં પ્રવેશ કરાવીને હિંદુઓની ધાર્મિક પરંપરાનું અપમાન કર્યું છે એવા આક્ષેપો શરૂ થયા ને ગુરૂવારે કેરળ બંધનું એલાન પણ આપી દેવાયું. ગુરૂવારે આ બંધ દરમિયાન ડાબેરીઓ ને ભાજપવાળા સામસામે આવી ગયા. રીતસરની ગુંડાગીરી થઈ ને ભાજપના ચાર કાર્યકરોને ચાકુ હુલાવી દેવાયાં. ઠેર ઠેર આગ પણ લગાડાઈ ને તોફાનીઓને રોકવાવાળા પોલીસોની બરાબર ધોલાઈ પણ થઈ. ચાલીસેક પોલીસો આ હુલ્લડોમાં ઘાયલ થયા. સામે પોલીસે પણ બરાબર ધોકાવાળી કરીને લોકોને બેફામ ધોયા તેમાં સો કરતાં વધારે લોકોના ટાંટિયા તૂટ્યા.
કેરળમાં કિયા કિયા હુલ્લડ થયાં તેની વાત માંડવા બેસીશું તો પાર જ નહીં આવે તેથી આ વાત અહીં પડતી મૂકીએ પણ કેરળમાં ફરી ભડકેલી હિંસા એ વાતનો પુરાવો છે કે, આપણે ત્યાં વાતો ભલે ગમે તે થાય પણ રાજ ટોળાશાહીનું જ છે. આ ટોળાશાહીનો પ્રભાવ એ હદે છે કે તેની આગળ સત્તાધીશો તો વામણા સાબિત થાય જ છે પણ કાયદાની પણ કોઈ કિંમત નથી. આ દેશમાં સુપ્રીમ કોર્ટ કાયદાના પાલનને મામલે સર્વોપરિ ગણાય છે પણ ટોળાશાહી સામે સુપ્રીમ કોર્ટે પણ લાચાર બનીને તમાશો જાઈ રહેવા સિવાય કોઈ આરો નથી. સાથે સાથે એ વાત પણ સાબિત થાય છે કે, આપણા રાજકીય પક્ષોને આ દેશને આગળ લઈ જવામાં કે સુધારાવાદી બનાવવામાં જરાય રસ નથી પણ માત્ર ને માત્ર પોતાના ફાયદામાં રસ છે. આ ફાયદો મળતો હોય તો આ દેશ સત્તરમી સદીમાં રહે તેની સામે પણ તેમને વાંધો નથી.
કેરળમાં અત્યારે જે હુલ્લડો ચાલી રહ્યાં છે તેની પાછળ મતબેંકનું રાજકારણ જવાબદાર છે ને શરમજનક વાત એ છે કે આ મતબેંકની લાયમાં દેશના બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કાંગ્રેસે આપણા બંધારણમાં દર્શાવાયેલા મૂળભૂત સિધ્ધાંતોની પણ ઐસીતૈસી કરી નાખી છે. સબરીમાલામાં વરસોથી રજસ્વલા એટલે કે પીરિયડ્‌સમાં આવતી હોય તેવી મહિલાઓને અપવિત્ર ગણવામાં આવે છે ને તેમને મંદિરમાં પ્રવેશ અપાતો નથી. સૌથી પહેલાં તો રજસ્વલા સ્ત્રીને અપવિત્ર ગણવાની વાત જ પછાતપણાની ચરમસીમા જેવી છે. પરંપરાના નામે આ ધૂપ્પલ વરસો લગી ચાલ્યું એ જ આપણા માટે શરમજનક કહેવાય.
સુપ્રીમ કોર્ટે ૨૮ સપ્ટેમ્બરે આ બકવાસ પરંપરા બંધ કરીને તમામ મહિલાઓને પ્રવેશ આપવાનું ફરમાન કરીને એ ભૂલ સુધારવાની દિશામાં નક્કર કદમ ભરેલું. સદીઓ લગી મહિલાઓને થયેલા અન્યાય સામે પ્રાયશ્રિ્‌ચત કરવાની એ તક હતી પણ મતબેંકના ભૂખ્યા રાજકારણીઓ પોતાના ફાયદા માટે કૂદી પડ્યા તેમાં આ તક વેડફાઈ ગઈ. આ રાજકારણીઓમાં ભાજપ ને કાંગ્રેસ બંનેના રાજકારણીઓ છે. ભાજપે તો આ વિરોધની આગેવાની જ લીધી છે ને તેના વડપણ હેઠળ સબરીમાલા કર્મ સમિતિ નામે તંબૂ તાણી દેવાયો છે. આ સમિતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ જારશોરથી કરે છે ને કેરળની સરકાર તેનો અમલ કરાવવા જે મથામણ કરે છે તેનો પણ વિરોધ કરે છે. ભાજપને એમ છે કે, આ રીતે વિરોધ કરીશું એટલે હિંદુવાદીઓ આપણા પર ખુશ થઈ જશે ને કેરળમાં આપણને ગાદી સોંપી દેશે.
કાંગ્રેસની પણ આ જ માનસિકતા છે. કેરળમાં હમણાં ડાબેરીઓની સરકાર છે ને કાંગ્રેસીએ સાવ નવરાધૂપ બેઠા છે. આ તો હમણાં ત્રણ રાજ્યોમાં સત્તા મળી, બાકી કોંગ્રેસીઓ દેશભરમાં નવરાધૂપ જ હતા તેથી તેમને તો મુદ્દો જાઈતો હતો. જે હાથે ચડ્યું એ હથિયાર સમજીને તેમણે મચી જ પડવાનું હતું. કેરળમાં તેમને સબરીમાલાનો મુદ્દો મળ્યો એટલે એ પણ હઈસો હઈસોમાં જાડાઈ ગયા. બુધવારે કેરળમાં બે મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો તેની સામે બંઘનું એલાન ભાજપનાં સંગઠનોએ આપેલું પણ કાંગ્રેસની તેમાં મૂક સંમતિ હતી જ. કાંગ્રેસે પણ ગુરૂવારે કાળો દિવસ ઉજવવાનું એલાન કરેલું જ ને એ રીતે તેણે પણ કેરળમાં અશાંતિ ઊભી કરવામાં યોગદાન આપ્યું જ છે.
ભાજપ ને કાંગ્રેસ જે કંઈ કરી રહ્યાં છે એ બંધારણની ઐસીતૈસી છે, કેમ કે આ દેશનું બંધારણ સમાનતાના પાયા પર ઊભેલું છે. આપણા બંધારણમાં દેશના દરેક નાગરિકને સમાન ગણવામાં આવ્યા છે. ધર્મ, જ્ઞાતિ, વર્ણ કે સ્ત્રી-પુરૂષ એવા કોઈ ભેદભાવને આપણે ત્યાં જગા જ નથી. ધર્મના નામે પણ કોઈ ભેદભાવ ના કરી શકાય કે બીજા કોઈ આધાર પર પણ ભેદભાવ ના કરી શકાય. સબરીમાલા મંદિરમાં સામનતાના સિધ્ધાંતની ઐસીતૈસી કરીને વરસોથી ખુલ્લો ભેદભાવ કરાતો હતો. એક ધર્મના મંદિરમાં પુરૂષોને પ્રવેશ હોય પણ ચોક્કસ વય જૂથની સ્ત્રીને પ્રવેશ ના હોય એ ખુલ્લો ભેદભાવ જ કહેવાય. પરંપરાના નામે આ ભેદભાવ કરાયો ને એ બંધારણના સિધ્ધાંતોનો ભંગ જ હતો પણ રાજકીય પક્ષોને તેની પરવા નહોતી.
રાજકીય પક્ષોએ આ મામલે આંખ આડા કાન કર્યા તેને આપણે માફ કરી દઈએ પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી પછી શું ? એ પછી તો તેનું પાલન કરવાની આ દેશની દરેક વ્યકિતની ફરજ હતી. ભાજપ કેન્દ્રમાં સત્તા પર છે ત્યારે તેની તો એ વિશેષ ફરજ બને કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે અને તેનો અમલ કરાવવા માટે બધી તાકાત લગાવી દે. કેન્દ્રની મોદી સરકારની એ બંધારણીય ફરજ છે પણ એ ફરજ બજાવવાના બદલે આ તો તેમની જ પાર્ટી ચુકાદાના અમલમાં રોડાં નાખે છે ને મોદી સરકાર તમાશો જાઈ રહેવા સિવાય કશું કરી શકતી નથી.
આ વાત કાંગ્રેસને પણ લાગુ પડે જ છે કેમ કે કાંગ્રેસ ભલે સત્તામાં ના હોય પણ આ દેશના એક મહ¥વના રાજકીય પક્ષ તરીકે તેણે પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો માથે ચડાવવાનો જ હોય. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો એ કંઈ પોતાના ઘરનો નથી આપ્યો પણ બંધારણીય જાગવાઈનું અર્થઘટન કરીને આપ્યો છે. આ સંજાગોમાં દરેક પક્ષે તેને માથે ચડાવવાનો હોય પણ તેના બદલે આ તો બંધારણની જ નાફરમાની થઈ રહી છે. પછાતપણાની હોડ જામી છે ને તેનો લાભ લેવા ભાજપ અને કાંગ્રેસ બંને કૂદી પડ્યાં છે.
ભાજપ અને કાંગ્રેસ બંને બેવડાં ધોરણો ધરાવે છે તેનો પણ આ ઘટના પુરાવો છે. આપણા વડા પ્રધાન સ્ત્રીઓને સેનિટરી નેપક્ધિસ મળે એ માટે ઝુંબેશ ચલાવે છે ને બીજી બાજુ એ જ નેપકિધસ વાપરનારી સ્ત્રીઓને તેમનો પક્ષ અપવિત્ર ગણાવે છે. ભાજપ ટ્રિપલ તલાકને ફોજદારી ગુનો બનાવીને મુસ્લિમ સ્ત્રીઓને તેમનો હક અપાવવાની વાતો કરે છે ને સુપ્રીમે હિંદુ સ્ત્રીઓને તેમનો હક આપ્યો ત્યારે તેના વિરોધમાં કૂદી પડ્યો છે. કાંગ્રેસ પણ મહિલા સશકિતકરણની વાતો કરે છે પણ તેમને સામાન્ય હક મળે તેની સામે પણ તેને વાંધો છે.
સબરીમાલા મંદિરમાં પરંપરાના નામે વરસો લગી જે તૂત ચાલ્યું એ હિંદુત્વના સિધ્ધાંતોની પણ વિરૂધ્ધ હતું છતાં કોઈ બોલ્યું નહીં. હવે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે બધાંને પરંપરાની યાદ આવી ગઈ. હિંદુત્વના ઠેકેદારોની હિંદુત્વની સમજ શું છે તેના વિશે જ સવાલ ખડો કરે એવું આ વલણ છે. હિંદુત્વ કિયારેય આ બધા ભેદભાવમાં માનતું નહોતું ને માનતું નથી. આ પ્રકારના હિંદુત્વને પોષીને એ લોકો ખરેખર તો હિંદુત્વને પછાતપણા તરફ ધકેલી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY