શિવસેના હમણાંથી ભાજપથી વંકાયેલી છે એટલે ભાજપની બજાવવાની એક પણ તક એ છોડતી નથી. જરાક મોકો મળે કે તરત જ શિવસેના કૂદી પડે છે ને ભાજપની ધોલાઈ કરવા મચી પડે છે. ભાજપનાં નસીબમાં પણ નકૂચો છે કે તેના નેતાઓ એટલા બડફા છે કે એ લોકો સામેથી શિવસેનાને એવા મોકા આપી જ દે છે. બે દિવસ પહેલાં ગુજરી ગયેલા જાણીતા ક્રિકેટ કોચ રમાકાન્ત આચરેકરની અંતમિવિધિ સરકારી સન્માન સાથે નહીં કરીને ભાજપે શિવસેનાને ફરી એ મોકો આપી દીધો. શિવસેના તો ટાંપીને બેઠેલી જ છે તેથી તેણે આ તક ઝડપી લીધી ને ભાજપની મેથી મારવાનો કાર્યક્રમ પૂરજાશમાં શરૂ કરી દીધો છે.
રમાકાન્ત આચરેકરે ઘણા ક્રિકેટરોને કોચિંગ આપેલું પણ તેમને નામના સચિન તેંડુલકરના ગુરૂ તરીકે મળી. એ સ્વાભાવિક પણ છે કેમ કે સચિન તેંડુલકર ભારતીય ક્રિકેટના મહાનતમ બેટ્સમેનમાં એક છે અને નિઃશંકપણે સૌથી મોટી ક્રિકેટ સેલિબ્રિટી છે. આચરેકર સર તરીકે જાણીતા રમાકાન્ત ૨ જાન્યુઆરીએ ગુજરી ગયા અને ગુરૂવારે તેમની અંતિમયાત્રા નિકળી. આ અંતિમયાત્રામાં સચિન તેંડુલકરે નનામીને કાંધ આપેલી ને મુંબઈના બીજા ક્રિકેટરો પણ જાડાયેલા. મહારાષ્ટ્ર સરકારના પ્રતિનિધિ તરીકે હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ હાજરી આપેલી પણ એ સિવાય બીજા કોઈ હાજર નહોતા.
શિવસેનાએ તેની સામે વાંધો લીધો છે ને સવાલ ઉઠાવ્યો છે કે, રમાકાન્ત આચરેકરની સરકારી સન્માન સાથે અંતિમક્રિયા કેમ ના કરાઈ ? રમાકાન્ત આચરેકર પદ્મશ્રી હતા અને દેશમાં કોચિંગ ક્ષેત્રે સર્વોચ્ચ મનાતા દ્રોણાચાર્ય એવાર્ડ વિજેતા હતા. મહારાષ્ટ્રમાં તો ક્રિકેટના વિકાસમાં તેમણે બહુ મોટું યોગદાન આપ્યું ને છતાં તેમની અંતિમક્રિયામાં સરકારી સન્માન નહીં આપીને મહારાષ્ટ્ર સરકારે તેમનો ઘોર અનાદર કર્યો છે. શિવસેનાએ તો રમાકાન્ત આચરેકરના પરમ શિષ્ય સચિન તેંડુલકરને પણ પાનો ચડાવ્યો છે કે, પોતાના ગુરૂના આવા ઘોર અપમાન બદલ હવે પછી તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવો જાઈએ.
રમાકાન્ત આચરેકરની અંતિમવિધિમાં પ્રકાશ મહેતા હાજર રહેલા તેથી શિવસેનાની ધોકાવાળી પછી મીડિયાએ જવાબ લેવા તેમને જ પકડ્યા તેમાં વગર વાંકે તેમની હાલત કફોડી થઈ ગઈ. પ્રકાશ મહેતા પોતે સરકારમાં છે તેથી સરકારનો પણ વાંક ના કાઢી શકાય એટલે તેમણે એમ કહીને વાત પર ઢાંકપિછોડો કરવાની મથામણ કરી કે, સરકારના સ્તરે કોમ્યુનિકેશન ગેપ હતો એટલે આચરેકર સરને અંતિમયાત્રામાં સરકારી સન્માન ના મળ્યું, બાકી અમને તેમના માટે માન છે જ ને તેમનું અપમાન કરી જ ના શકીએ.
શિવસેનાએ તેની સામે વળતો વાર કર્યો છે કે, મહારાષ્ટ્ર સરકારે એક તો ભૂલ કરી ને હવે કોમ્યુનિકેશ ગેપના નામે પોતાની ભૂલ પર પડદો નાંખવા મથે છે. આચરેકર સરનું યોગદાન એટલું મોટું છે કે, તેમને સરકારી સન્માન મળે કે ના મળે ઝાઝો ફરક પડતો નથી પણ આ સરકારમાં વેતો નથી એ આ ઘટનાએ સાબિત કર્યું છે.
શિવસેના કાગનો વાઘ કરવામાં હોંશિયાર છે ને ભાજપની મેથી મારવાની હોય ત્યારે તો તેને કોઈ છોછ નડતો નથી. પાણીમાંથી પોરા કાઢી કાઢીને એ ભાજપને ફટકારે છે પણ આ વખતે શિવસેનાએ જે મુદ્દો ઉઠાવ્યો એ સાવ સાચો છે. સચિન તેંડુલકર સફળ થયો તેના કારણે રમાકાન્ત આચરેકરનું નામ ઘેર ઘેર ગાજતું થયું એ સાચું પણ રમાકાન્ત આચરેકરનું યોગદાન માત્ર એક સચિન તેંડુલકરને ક્રિકેટર બનાવવા પૂરતું મર્યાદિત નથી. રમાકાન્ત આચરેકરના ચેલા હોય ને ભારતીય ક્રિકેટ ટીમમાંથી રમ્યા હોય એવા ક્રિકેટરોની યાદી બહુ લાંબી છે. સચિન તેંડુલકર ને તેના ખાસ ગોઠિયા વિનોદ કામ્બલીને બાદ કરતાં બીજા ઘણા સારા ક્રિકેટરો તેમના હાથ નીચે તૈયાર થયા. બલવિંદર સંધુ, અજિત અગરકર, ચંદ્રકાન્ત પંડિત, પ્રવીણ આમ્રે, પારસ મ્હામ્બ્રે, સંજય બાંગર, નિલેશ કુલકર્ણી સહિત મુંબઈના ઘણા ક્રિકેટરો એવા હતા કે જે રમાકાન્ત આચરેકર સ્કૂલની પેદાશ હતા ને ભારતીય ક્રિકેટ ટીમ વતી રમ્યા. ભારતીય ક્રિકેટ ટીમમાં આચરેકરના જેટલા ચેલા રમ્યા એટલે ચેલા બીજા કોઈ કોચના નથી રમ્યા ને આ વાત બહુ મોટી છે.
આ પૈકી મોટા ભાગના ક્રિકેટરો સચિન તેંડુલકરના સમકાલીન હતા પણ તેંડુલકરની એન્ટ્રી થઈ એ પહેલાં ભારતીય ટીમમાં રમી ચૂકેલા બલવિંદર સંધુ પણ આચરેકરના ચેલા હતા. આજની પેઢીને સંધુ વિશે ખાસ ખબર ના હોય એ સ્વાભાવિક છે પણ સંધુ ભારતીય ક્રિકેટ ટીમે ૧૯૮૩માં પહેલી વાર ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો એ ટીમના સભ્ય હતા ને જેમણે પણ એ વર્લ્ડકપની ફાઈનલ જાઈ એ લોકો સંધુને નહીં ભૂલી શકે. સંધુ બહુ મહાન ક્રિકેટર નહોતા ને બહુ સફળ પણ ના થયા પણ આ માણસનું ઘોડું દશેરાએ જ દોડ્યું તેમાં એ લોકોની સ્મૃતિમાં કાયમ માટે જડાઈ ગયા. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામેની એ ફાઈનલમાં માત્ર ૧૮૩ રનનો સ્કોર કરેલો. એ વખતે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં રાક્ષસી તાકાત ધરાવતા બેટ્સમેન હતા. ગોર્ડન ગ્રીનીજ અને ડેસમંડ હેઈન્સની જાડી એ વખતે સૌથી ખતરનાક ઓપનિંગ પેર મનાતી. આ જાડી ગમે તેવી બોલિંગના ભુક્કા કાઢી નાંખતી ને ભારતનું ૧૮૩ રનમાં પડીકું થયું પછી સૌ એવું માનતા કે ગ્રીનીજ-હેઈન્સની જાડી જ ભારતનો ખેલ પૂરો કરી નાંખશે.
કપિલ દેવ સાથે બલવિંદર સંધુએ ઓપનિંગ બોલિંગ શરૂ કરી ને તેણે ગ્રીનીજની જે રીતે દાંડી ઉડાવી તે જાઈને આખા સ્ટેડિયમમાં સોપો પડી ગયેલો. સંધુએ ઓફ સ્ટેમ્પની બહાર બોલ નાંખેલો ને ગ્રીનીજે બોલ છોડી દીધો. બોલ પરફેક્ટલી ઈન સ્વિગ થયો ને ગ્રીનીજનું ઓફ સ્ટમ્પ ઉડી ગયું. ગ્રીનીજને તેની કારકિર્દીના સુવર્ણકાળમાં કોઈએ આટલી ખરાબ રીતે આઉટ નહીં કર્યો હોય. સંધુએ એ મેચમાં પછીથી ફાઉદ બાંકસને આઉટ સ્વિરમાં વિકેટકીપરના હાથમાં આઉટ કરાવીને ફરી પોતાની તાકાતનો પરચો આપેલો. આ સંધુ મૂળ સ્પિન બોલર હતા પણ આચરેકરે તેમને સ્વિગ બોલિંગ તરફ વાળેલા ને તેનું ફળ આપણને ૧૯૮૩ની વર્લ્ડકપ ફાઈનલમાં મળેલું. વાત એ જ છે કે, આચરેકર સરે સચિન પહેલાં પણ ટેલેન્ટેન્ડે ક્રિકેટરો તૈયાર કરેલા જ. સચિન જીનિયસ સાબિત થયો તેથી આચરેકર તેના કારણે વધારે જાણીતા થયા.
આચરેકરના આ યોગદાનની સાથે સાથે બીજી પણ એક વાત યાદ રાખવા જેવી છે. આચરેકર પોતે ક્રિકેટર હતા પણ બહુ સફળ નહોતા થયા. ૧૯૪૩માં ૧૦ વર્ષની વયે તેમણે ક્રિકેટ રમવાની શરૂઆત કરી પણ એ ક્લબ ક્રિકેટથી આગળ ના વધ્યા. એ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં માત્ર એક ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા ને પછી કદી તક જ ના મળી. આચરેકરે તેનાથી હતોત્સાહ થયા વિના ક્રિકેટને પકડી રાખ્યું અને કોચિંગ શરૂ કર્યું. દાદરના શિવાજી પાર્કમાં તેમણે કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબ સ્થાપી અને સચિન સહિતના ક્રિકેટરો આ ક્લબની જ પેદાશ છે.
આચરેકરનું મોટું યોગદાન એ છે કે, તેમણે સાવ સામાન્ય ઘરનાં છોકરાંને ટીપી ટીપીને એવા ઘડ્યા કે એ બધા નેશનલ હીરો બની ગયા. પોતાને ત્યાં આંખોમાં સપનાં આંજીને આવતાં નાના નાના છોકરાઓનાં સપનાં તેમણે સાકાર કર્યાં. આ કોચિંગ માટે આચરેકરે ગાંઠનું ગોપીચંદન કર્યું ને કદી કેટલા પૈસા મળે છે તેની ચિંતા ના કરી. જેમની પાસે પૈસા નહોતા એવા ક્રિકેટરોને તેમણે પૈસા આપીને ક્રિકેટ રમતા રાખ્યા ને તેમનાં સપનાંને ના મરવા દીધાં. તેના કારણે જ તેમણે તૈયાર કરેલા ક્રિકેટરો કરોડોમાં આળોટતા હતા ત્યારે પણ આચરેકર સાવ સામાન્ય માણસની જેમ જ રહેતા હતા.
સચિન તેંડુલકર જેવા ગુણીજનો આ વાત કદી ના ભૂલ્યા ને આખી જિંદગી તેમનું ઋણ સ્વીકારતા રહ્યા. આચરેકર સરે પોતાની કારકિર્દી ઘડવામાં શું યોગદાન આપ્યું છે તેની વાત કરીને સચિને એ ઋણ ઉતારવા માટે આખી જિંદગી મથામણ કરી એ સારી વાત કહેવાય પણ કમનસીબે મહારાષ્ટ્ર સરકારમાં બેઠેલા લોકો એવા ગુણીજન સાબિત ના થયા. વાસ્તવિકતા એ જ છે કે, મહારાષ્ટ્ર સરકાર મોકો ચૂકી ગઈ.
જાકે તેનાથી શો ફરક પડે છે ? શિવસેનાએ જ કહ્યુ કે, આચરેકર કોઈ સરકારી સન્માનના મોહતાજ હતા જ નહીં ને એ વાત પણ સાવ સાચી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




