દેશમા સામાન્ય ચૂંટણીઓની ભારે હલચલ મચી ગઈ છે. પહેલા ચરણનુ મતદાન ૧૧ એપ્રિલ ના રોજ થવાનું છે. નેતાઓ પણ આકરા તાપમા નીકળી પડ્યા છે. પોતાની ડફલી પોતાના રાગ ની જેમ દરેક નેતા પોતાને સારા બતાવીને વોટ માંગી રહ્યા છે. નેતાઓની વાત કરીએ તો યુપીના ભાજપાના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ એક ચૂંટણી જાહેર સભામાં આતંકવાદનો મુદ્દો ઉઠાવતા ભારતની સેનાને મોદી ની સેના કહી નાખી. મોદી સરકારના મંત્રી અને ભારતની સેનાના સેનાપતિ વિ કે સિધે તો પોતાના અંતરાત્માને ઢંઢોળીને કહી દીધું કે ભારતની સેનાને મોદીની સેના કહેવાવાળા દેશદ્રોહી છે. ચૂંટણીપંચે વિરોધ પક્ષની ફરિયાદ પર તપાસ કરી. યોગીજીની પૂછતાછ કરી અને આયોગે આટલા સંગીન મામલામાં એક સી એમ ને ખખડાવી નાખવાના બદલે કે તેમને પ્રચારથી દૂર રાખવાના આદેશ દેવાને બદલે જાણે કે આયોગ ખુદ આરોપી હોય એ રીતે ડરતા રતા સી એમને દબાયેલા અવાજમાં કહી દીધું- જો બેટા આવું ના બોલાય હો…હવે પછી ધ્યાન રાખજે હો જાવ રમત રમો…..!
ભારતની સેનાને મોદી ની સેના યા કોઈની સેના કહેવી તે દેશદ્રોહનો મામલો બની શકે છે. અને ખુદ મંત્રી- સેનાપતિએ કહ્યું કે આવું કહેનાર દેશદ્રોહી છે. પરંતુ ચૂંટણીપંચને એવું ના લાગ્યું. કેમ ના લાગ્યું એ કહેવાની જરૂર નથી. આ એજ આયોગ છે કે જે વડાપ્રધાનને રેલી પૂરી થવાની રાહ જુએ છે. અને પછીથી ચૂંટણીઓ જાહેર કરેછે કેમ…? સવાલ સત્તા પક્ષના નેતા કે વિરોધ પક્ષના નેતા નો નથી સવાલ ને નેતાએ શું કહ્યું તેનો છે. યોગીએ ભારતની ૧૦ લાખની સેનાનું ઘોર અપમાન કર્યું. ભારતની સેના કોઈ મોદી યા રાહુલની સેના નથી. ભારતની સેના રાજકારણથી દૂર દેશની રક્ષા કરે છે. મનમોહન સિંહ કાલે હતા આજે નથી, મોદી આજ છે કાલ નહીં હોય, પરંતુ ભારતની કાયમ છે. તેના ઉપર કોઈ રાજકારણનો રંગ ચડાવવાના પ્રયત્ન કરવો એ ભારતની લોકશાહીના આત્માને કચડી નાખવા સમાન છે.
યોગી કોઈ નવા નવેલા નેતા નથી, તેઓ સારી રીતે જાણે છે કે તેઓ શું કહી રહ્યા છે. તેમણે વડાપ્રધાનને ખુશ કરવા માટે ભારતની સેનાને મોદી ની સેના બતાવી દીધી. સેનાના જવાનો માં શું સંદેશ ગયો હશે….? શું તેઓ મોદીનો આદેશ ભાજપના કાર્યકર્તાઓની જેમ માનશે…? આટલી મોટી વાત કહેવાવાળાને એમ જ છોડી દીધો. પોતાને સ્વાયત્ત સંસ્થા કહેવાવાળા ચૂટણી પંચે…. તેમને ઠપકો આપવાની એક સોયના ટપકા જેટલી પણ હિંમત આયોગની ના થઇ અને અપમાન કરનારાને કોઈ સજા આપ્યા સિવાય જવા દીધો. શું ચૂટણીપંચ મોદીજીના દબાણમાં કામ કરી રહ્યું છે….? શું ચૂંટણી પંચ ભાજપાનો આદેશ લઈને કામ કરી રહ્યું છે….? આ કેવું ચૂંટણીપંચ છે કે જેને નેતાની ચિંતા છે પરંતુ ભારતની સેનાના અપમાનની જરા પણ ચિંતા નથી. જો ભારતની સેનનું આજ રીતે કોઈ વિરોધ પક્ષના નેતાએ અવમાન કર્યું હોત તો શું ચૂંટણી પંચ તેને પણ આજ રીતે કોરે કોરો જવા દેત….? ચૂંટણીપંચજી, જરા જાગો, તમે મોદીની સેના નથી, તમે મોદી આયોગ નથી. તમે શેષાનવાળા આયોગ બનો. અગર આવું જ આયોગ હશે અને ચાલશે તો સેનાનુ તો શું રાષ્ટ્રપતિનું પણ અપમાન થઈ શકે છે. ચૂંટણીપંચને ડરાવવાવાળા યોગીજીને લોકશાહીની સલામ….! બોલો હજુ પણ બોલો. ચૂંટણીપંચ તમારું કશું બગાડી શકતૂ નથી.. હા.. રામજીની કસમ….!રામજીથી યાદ આવ્યું મંદિર ક્યારે બનાવી રહ્યા છો…?!
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




