પ્રિય પોલીસ…
જુનાગઢમાં પોતાની ફરજ બજાવી રહેલા પત્રકાર-કેમેરામેન ઉપર તને શુરાતન બતાડવાની ઈચ્છા થઈ અને તું ટોળુ બની પત્રકાર-કેમેરામેન ઉપર રાક્ષસ બની તુંટી પડયો, તે ત્યાં હાજર કેમેરામેનને લાફા માર્યા અને લાઠીઓ વરસાવી હતી, મેં અને ઘણા બધા ગુજરાતીઓએ તેનો વીડિયો પણ જોયો છે, મને સમજાતું નથી કે આ તારી કયા પ્રકારની બહાદુરી છે. તું કયામ ટોળાઓમાં હોય ત્યારે જ બહાદુરી બતાડે છે અને ખાસ કરી તારી સામે કોઈ નિર્બળ, લાચાર અને ગરીબ માણસ હોય ત્યારે તને એકદમ શુરાતન ચઢે છે, તને ગુસ્સો આવવો જ જોઈએ કારણ તું પોલીસવાળો છે, પણ તારો ગુસ્સો ખોટું કરતા તમામ સામે એક સરખો હોવો જોઈએ પણ તેવું થતું નથી.
પોલીસ તારી સામે કોણ ઊભું છે તે જાઈ તારૂ શુરાતનનો પ્રકાર બદલે છે, તારી સામે કોઈ ભ્રષ્ટ અધિકારી અને રાજનેતા અને વગદાર ગુંડો ઊભો હોય ત્યારે તને ગુસ્સો આવતો નથી, તારો સિનિયર અધિકારી તારી પાસે નિયમ વિરૂધ્ધ કામ કરાવે છે ત્યારે તારી અંદર ના પાડવાની હિંમત નથી, કોઈ રાજનેતા અંધ વ્યકિતને દેખાય તેવી રીતે કાયદાનું ચીરહરણ કરે ત્યારે તું ગાંધીજીના વાંદરાની જેમ તારી આંખ કાન અને મોંઢુ બંધ કરે છે, તારા વિસ્તારનો માતેલા સાંઢ જેવો ગુંડો પ્રજાને રંજાડે છે ત્યારે તેનો કાઠલો પકડવાની તારી હિંમત નથી કારણ તું અંદરથી ખોખલો થઈ ગયો છે, તું ખોખલો એટલા માટે થઈ ગયો છે કારણ તારી અંદરના માણસને મારી નાખ્યો છે.
પોલીસ તારા શરીર ઉપર તો ખાખી છે, પણ તેની અંદરનો માણસ મરી ગયો છે. તેને ખોટું કરતી સીસ્ટમ સામે ગુસ્સો આવવો જાઈએ પણ તેવું થતું નથી, ક્યારેય તું સારા પોસ્ટીંગ માટે તો કયારેક રસ્તે ઊભા લેનાર લારીવાળા, હેલ્મેટ પહેરી વગર નિકળતા સામાન્ય માણસો પાસેથી ખર્ચાપાણી મળી રહે છે, તારા ખીસ્સામાં પડતા પગારના સિવાયના પૈસાએ તને મુંગો બનાવી દિધો છે. તું ગરીબો ઉપરનો બરાડા પાડે છે, તારા લોકઅપમાં રહેલા આરોપી ઉપર તું તુટી પડે છે. આવુ કેમ થાય છે તને ખબર છે, કારણ તારી અંદરનો વ્યક્તિ તને બેચેન બનાવી રહ્યો છે તું જે કરી રહ્યો છે તે યોગ્ય નથી તેની તને ખબર છે જેના કારણે તારી અંદરનો માણસ તને જીવવા દેતો નથી.
પોલીસનો ખાખી રંગ તો પ્રજાના રક્ષણનું પ્રતિક છે, પણ જ્યારે તું જ સીસ્ટમ સામે લાચાર અને પાંગળો થઈ ગયો છે, ત્યારે તું અમારૂ રક્ષણ કેવી રીતે કરીશ, તારો અધિકારી અને નેતા તારી પાસે સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરાવે છે અને તું એક રોબર્ટની જેમ તેના તમામ આદેશનું પાલન કર્યા કરે છે, તને ખબર છે કે ૫૮ વર્ષની ઉંમરે તારા શરીર ઉપરથી ખાખી ઉતરી જશે અને ફરી એક વખત તું અમારા જેવો થઈ જશે, ભગવાનના કરે તારે તારા કામ માટે ક્યારેય પોલીસ સ્ટેશનના પગથીયા ચઢવા પડે નહીં, નહીંતર તારો ભ્રમ તુટી જશે, આજે તું અમારી સાથે જેવો વ્યવહાર કરે છે તેવો જ વહેવાર તારી સાથે તારી ખુરશીમાં બેઠેલો પોલીસવાળો પણ કરશે, ત્યારે તને માઠું લાગશે પણ તું કઈ કરી શકીશ નહીં કારણ તારા પછી આવેલા પોલીસવાળાએ તને સીસ્ટમ સામે મુજરો કરતો જોયો હતો અને હવે તે પણ તને કાયદાપોથી બતાડી કામ કરી રહ્યો છે.
પોલીસ તારી વિટંબણાઓની મને ખબર છે મેં પત્રકાર તરીકે અનેક વખત તારો પક્ષ લીધો છે, પણ તું વિટંબણાઓ વચ્ચે જીવે તેનો અર્થ એવો નથી કે તું ફાવે તેવો વ્યહાર બધા સાથે કરીશ, જુનાગઢમાં તે પત્રકારોને માર્યા, કયારેક તું ખેડૂતોને ફટકારે છે તો કયારેકતું વિધ્યાર્થીઓને મારે છે, અનેકયારેક તું રસ્તે પેટીયુ રળતા ગરીબને ઢીંબી નાખે છે. તું તારી વિટંબણાને કારણે આવુ કરે છે તેને કોઈ રીતે ન્યાયી ઠેરવી શકાય તેમ નથી અને સમાજનો કયો માણસ આજે ખુશ છે, દરેકને પોતાના અલગ અલગ પ્રશ્નો છે. જો બધા જ તારી જેમ જીવવા લાગશે તો બધાને ખુબ તકલીફ પડશે, મહેરબાની કરી તારી જાતને સંભાળી લે કારણ કુદરત દરેક વખતે આપણને સંભાળી લેવાની તક આપતી નથી.
પોલીસ તને પત્રકારો સામે કેમ ગુસ્સો છે, આમ તો પત્રકારો મોટા ભાગે તારી કહેવાતી બહાદુરીની કથાઓ તારી ઈચ્છા પ્રમાણે લખતા જ હોય છે, ક્યારેક તને પસંદ પડે નહીં તેવી વાત જાહેર થાય તો તારૂ માથુ ફાટી જાય છે. એક ખાનગી વાત તને આજે જાહેરમાં કહું છું અમે તારા મિત્ર છીએ તારા ગુલામ નથી, તારા ખાખી કપડા ઉપર લટકતી તારી બંદુકડી કરતા અમારી કલમમાં વધુ તાકાત છે, તેથી મહેરબાની કરી અમને ડરાવવાનો પ્રયત્ન કરીશ નહીં, હું માત્ર ગુજરાત અને ભારતની વાત કરતો નથી હું વિશ્વ આખાની વાત કરૂ છું જે પણ શાસકોએ કલમને બંદુકથી કચડવાનો પ્રયત્ન કર્યો છે. આજે તેમનું અસ્તીત્વ રહ્યું નથી, આ વાતને ધમકી ગણતો નહીં, હું તારી સમજમાં વધારો કરી રહ્યો છું કારણ પોલીસ થયા પછી તારૂ વાંચન અને વિચારવાનું લગભગ બંધ થઈ ગયું છે. હવે આખો દિવસ તારા કાન ઉપર બંદોબસ્ત, રાયોટીંગ, પ્રોહીબીશન, હાઉસબ્રેકીંગ રેપ અને કીડનેપ જેવા શબ્દો આવે છે.
પોલીસ થયો છતાં તું થોડુ વાંચવાનું રાખ, વિચારવાનું રાખ અને જો વિશ્વ કયાં જઈ રહ્યું છે અને કેવી રીતે બદલાઈ રહ્યું છે. તારે પણ બદલાવુ પડશે રોજ ચ અને ભ જેવા શબ્દો સાંભળે છે અને બોલે છે તેમાં થોડો ઘટાડો કરવાનો પ્રયત્ન કર, તું બદલાઈશ તેનો ફાયદો અમને થશે પણ તેના કરતા પણ વધારે ફાયદો તને અને તારા પરિવારને થશે, તું તારો ગુસ્સો છોડતો નહીં, ગુસ્સો તો તને આવવો જ જોઈએ, પણતારા ગુસ્સાનો ભોગ કોઈ ગરીબ અને લાચાર બને નહીં તેની તકેદારી રાખ, અમને પોલીસ તરીકે તારો ડર લાગે તેવો નહીં.. પોલીસ નહીં, પણ તારી હાજરીમાં અમને સલામતી લાગે તેવો પોલીસ બન. પોલીસ તો થઈ ગયો હવે થોડો માણસ થવાનો પ્રયત્ન કર. અમને ડરાવવાનો, મારવાનો, જેલમાં નાખી દેવાનો અને મારી નાખવાનો ડર બતાડીશ નહીં, કારણ અમને ખબર છે અમારી પાંચમથી છઠ્ઠ થવાની નથી તું પોલીસ છે. તું અમારા લેખ લખનાર વિધાતા નથી આટલુ યાદ રાખજે, બાકી તે અમને માર્યા છે, તેનો ગુસ્સો તો છે, ભુતકાળમાં પણ તેવું આવુ ઘણી વખત કર્યું છે.
અમે રેલીઓ કાઢીશુ, આવેદનપત્ર આપીશુ અને ઘરણા કરીશુ, એટલે કલેકટર અને મંત્રી કહેશે કે અમે જવાબદાર સામે પગલાં ભરીશું, કદાચ એકાદ બે પોલીસવાળા સસ્પેન્ડ પણ થશેઅને અમારો કહેવાતા સ્વાભીમાનમાં પા શેર લોહી પણ વધશે, પણ આ બધુ થોડા સમય પછી તું અને અમે ભુલી ફરી કામે લાગી જઈશુ, પણ તારે બદલાવુ પડશે તે વાત તું કયારેય ભુલતો નહીં તું દેશી રજવાડાઓ વખતની પોલીસ નથી, તું આધુનિક ભારતનો પોલીસવાળો છે તારા વ્યવહાર-વર્તન અને કામમાં પણ તારે આધુનિક થવુ પડશે તારી બંદુક કરતા તારી કલમ વધારે તાકાતવર બને તેવુ કરજે, વખત આવે ત્યારે ગરીબો અને વંચીતોના હક્કના રક્ષણ માટે તારૂ પૌરૂષત્વ બતાડજે બસ એટલી જ અપેક્ષા, ચાલ નિકળુ મારે તારી સામે કલેકટરને આવેદનપત્ર આપવા જવાનું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



