કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ આ પ્રકરણને હટાવવાની માંગ કરી
જયપુર,તા.૧૨
સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ રહીશ-નું સૂત્ર આપનારા કોંગ્રેસના ગરમદળના સ્વતંત્રતાસેનાની બાળગંગાધર તિલકને આતંકના જનક ગણાવવામાં આવે, તો ભારતના દરેક દેશભક્તોને આંચકો લાગવો સ્વાભાવિક છે. પરંતુ આઝાદ ભારતના સાત દાયકા બાદ રાજસ્થાનમાં આઠમા ધોરણના સમાજશાસ્ત્રના એક સંદર્ભ પુસ્તકમાં લોકમાન્ય બાળગંગાધર તિલકને આતંકવાદના જનક ગણાવીને હદ વટાવી દેવામાં આવી છે.
જા કે રાજસ્થાનના આઠમા ધોરણના સમાજશાસ્ત્રના મૂળ અભ્યાસક્રમમાં આવો ઉલ્લેખ નથી, તે કંઈક હદે રાહતની વાત છે. આઠમા ધોરણના સંદર્ભ પુસ્તકમાં લોકમાન્ય તિલક માટેના વાંધાજનક ઉલ્લેખની વાત સામે આવ્યા બાદ રાજસ્થાનની ભાજપની સરકારની ચોતરફી ટીકાઓ થઈ રહી છે. વિપક્ષી દળ કોંગ્રેસ સહીતના ઘણાં શિક્ષક સંગઠનો પણ રાજસ્થાન સરકાર સામે આકરે પાણીએ છીએ. સોશયલ મીડિયામાં પણ લોકોએ આઠમા ધોરણના સંદર્ભ પુસ્તકના પૃષ્ઠોને વાઈરલ કર્યા છે અને આ પ્રકરણને હટાવવાની માગણી કરી છે.
પુસ્તકના પૃષ્ઠ ક્રમાંક – ૨૬૭ પર ૧૮ અને ૧૯મી શતાબ્દીના રાષ્ટ્રીય આંદોલનની ઘટનાઓ શીર્ષક હેઠળના પ્રકરણમાં વાંધાજનક ઉલ્લેખ કરતા લખવામાં આવ્યું છે કે બાળગંગાધર તિલકે રાષ્ટ્રીય આંદોલનમાં ઉગ્રતાનો માર્ગ અખત્યાર કર્યો હતો. તેના કારણે તેમને આતંકવાદના જનક કહેવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે હાલ ભાજપ રાજસ્થાનમાં સત્તા પર છે. પરંતુ આઠમા ધોરણનું સમાજશાસ્ત્રનું સંદર્ભ પુસ્તક રાજસ્થાનમાં આઠ વર્ષથી ભણાવવામાં આવે છે. એટલે કે પાંચ વર્ષ પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસના અશોક ગહેલોતની સરકાર હતી. ત્યારે કોંગ્રેસના રાજમાં પણ આ પુસ્તકનું પ્રકરણ યથાવત હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





