બેંગ્લુરુ,તા.૧૭
લોકસભા ચૂંટણીમાં બેફામ વાણીવિલાસ થવો એ સામાન્ય વાત બની ગઇ છે. પોતાનાં પદ અને જાહેર જીવનની ગરીમાને કોરાણે મુકીને નેતાઓ સામ-સામે વાકબાણ છોડી રહ્યા છે. થોડા દિવસ પહેલા કર્ણાટકનાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આરોપ લગાવ્યો હતો કે, ચહેરા પર ચમક લાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેકઅપ કરે છે. કુમારસ્વામીનાં આ નિવેદનથી ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ ધારાસભ્ય રાજુ કાગે કુમારસ્વામી પર વળતો પ્રહાર કર્યો છે.
રાજુએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ ગોરા(રૂપાળા) છે અને કુમારસ્વામી કાળા છે. તેમણે કહ્યું કે,કુમારસ્વામીએ નિવેદન આપ્યું કે મોદી ૧૦ વખત પાવડર લગાવે છે. અને દિવસમાં ૧૦ વખત કપડા બદલે છે.અરે ભાઇ પીએમ મોદી ગોરા છે અને દેખાવમાં સુંદર લાગે છે. સીએમ કુમારસ્વામી તમે દિવસમાં ૧૦૦ વખત પણ નહાશો તો પણ ભેંસ જેવા જ લાગશો.
આ પહેલા ૯ એપ્રિલે એક રેલી સંબોધતા સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે, દરરોજ સવારે ચહેરા પર ચમક લાવવા માટે મોદી મેકઅપ અને વૈક્સ લગાવે છે.ત્યારપછી તેઓ કેમેરા સામે બેસી જાય છે. આપણે લોકો રોજ સવારે એક વખત નાહીએ છે. પછી બીજા દિવસે ચહેરો ધોઇએ છે. તેથી કેમેરા પર અમારો ચહેરો સારો દેખાતો નથી. બસ આ કારણે જ મીડિયાને માત્ર મોદી જ દેખાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



