બેંગ્લુરુ,તા.૨૧
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પરિણામો આવ્યા બાદથી રાજકારણ ગરમાયું છે. એક તરફ જ્યાં ભાજપના નેતૃત્વવાળી એનડીએના નેતા એક્ઝિટ પોલના પરિણામોને જનતાનો અવાજ ગણાવી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષી પાર્ટીઓએ પરિણામોની રાહ જોવાનો વિકલ્પ પસંદ કર્યો છે. દરમિયાન કર્ણાટક કોંગ્રેસના વરિષ્ઠ નેતા રોશન બેગે એક્ઝિટ પોલમાં પોતાની પાર્ટીના ખરાબ પ્રદર્શનના અનુમાનને ધ્યાનમાં રાખીને પાર્ટી છોડવાનો સંકેત આપી દીધો છે. જા આવું થશે તો તે કોંગ્રેસ માટે એક મોટો ઝટકો હશે.
બેગે કહ્યું હતું કે, જો એનડીએ સરકારમાં પાછી આવશે તો હું વિનમ્રતાથી મુસ્લિમ ભાઈઓને અનુરોધ કરું છું કે, તે પરિસ્થિતિ સાથે સમાધાન કરે. તેમને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, શું એનો મતલબ એ થયો કે મુસલમાનોએ ભાજપ સાથે હાથ મિલાવી લેવા જાઈએ, તો તેના જવાબમાં બેગે કહ્યું હતું કે, જો જરૂરત પડે તો ચોક્કસ.
જણાવી દઈએ કે, કોંગ્રેસે રાજ્યમાં માત્ર એક મુસલમાનને ટિકિટ આપી છે. બેગે પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, જો જરૂર પડે તો મુસલમાનોએ જરૂર હાથ મિલાવી લેવા જોઈએ. આપણે કોઈ એક પાર્ટીને વફાદાર બનીને ના રહેવું જોઈએ. કર્ણાટકમાં મુસલમાનોની સાથે શું થયું? કોંગ્રેસે માત્ર એક ટિકિટ આપી. તેમને જ્યારે એવું પૂછવામાં આવ્યું કે, શું તેઓ આવનારા દિવસોમાં કોંગ્રેસ છોડવાનો નિર્ણય લેશે, તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, જો જરૂર પડશે તો ચોક્કસ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



