બાયડ,
તા.૨૫/૦૩/૨૦૧૮
ગતિશીલ ગુજરાતની વરવી વાસ્તવિકતા
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં હમીરપુરા પ્રાથમિક શાળામાં પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. જેના કારણે બાળકો અને શિક્ષકો ઘરેથી પાણી લાવવા મજબૂર બન્યા છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં આવેલી ૧ થી ૮ ધોરણની હમીરપુરા પ્રાથમિક શાળામાં કુલ ૧૪૫ બાળકો અભ્યાસ કરે છે. શાળામાં ૬ શિક્ષકો ફરજ બજાવે છે. આ શાળામાં બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા માટે તંત્ર દ્વારા ૩૦૦ ફૂટ ઊંડો બોર બનાવાયો છે. પરંતુ આ વિસ્તારમાં જળ સ્તર ૭૦૦ ફૂટ નીચે જતાં બોરનું પાણી આવતું બંધ થઈ ગયું છે. જેના કારણે પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે.
હાલ બાળકો પોતાના દફતરની સાથે એક એક લીટર પાણીની બોટલ ઊંચકી લાવવા મજબૂર બન્યા છે. બાળકોની સાથે શાળાના શિક્ષકો પણ ઘરેથી પાણી લઇ આવે છે. શાળામાં ચાલતા મધ્યાહન ભોજન યોજના માટે પણ પાણી બે કિલોમીટર દૂરથી ભરીને લાવવું પડે છે. ત્યારે સરકાર દ્વારા બાળકોને ભાર વિનાનું ભણતર આપવાના અભિગમ વચ્ચે બાળકો આ પાણીનો ભાર ઉંચકવા મજબૂર બન્યા છે.
આ સમગ્ર મામલે ગ્રામ પંચાયતના સરપંચનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે હમીરપુરા પ્રાથમિક શાળાની પાણીની સમસ્યા અંગે તાલુકા પંચાયત કચેરીને જાણ કરવામાં આવી છે. ઝડપથી આ બાળકોની પાણીની સમસ્યા દૂર થાય તેવા પ્રયત્નો ચાલુ છે.
સરકાર દરેક બાળક ભાર વિનાનું ભણતર લે અને નિશ્ચિંત થઇને અભ્યાસ કરે તેવા પ્રયાસો તો કરે છે. પરંતુ આ પ્રયાસ અહીં નિરર્થક હોય તેવું લાગે છે ત્યારે નાના બાળકોની તરસને ધ્યાને લઇને તાત્કાલીક કામગીરી થાય તેવી માંગ ઉઠી રહી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"