ફ્રન્ટ લાઇન વર્કસની તાલીમ પુસ્તકનું રાજ્યપાલના હસ્તે અનાવરણ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાગરા તાલુકાના લાભાર્થીઓ માટે કવચ પ્રોજક્ટની શરૂઆત
કવચ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ૬ વર્ષથી નીચેના બાળકોનો સર્વાંગી વિકાસ અને સગર્ભા – ધાત્રિમાતાઓની આરોગ્ય સંભાળ કરાશે
ભરૂચ : ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાગરા તાલુકામાં બાળકો અને મહિલાઓના આરોગ્ય અને સાર્વત્રિક વિકાસને ધ્યાને લઇ ઇન્સિટિટયુટ ફોર ગ્લોબલ ડેવલોપમેન્ટ સંસ્થા અને ગ્લેનમાર્ક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે જીઆઈડીસીમાં આવેલ એ.આઈ.એ. હોલ ખાતે ગુજરાતમાં ‘પ્રોજેકટ કવચ’ નો શુભારંભ અને ફ્રન્ટ લાઈન વર્કસની તાલીમ પુસ્તકનું અનાવરણ મહામહિમ રાજ્યપાલ ઓ.પી.કોહલીના હસ્તે કરવામાં આવ્યું હતું તથા કેર મધર કીટ પણ એનાયત કરવામાં આવી હતી. આ અવસરે સહકાર રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલ, આઇ.જી.ડી.ના પવન વર્મા અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ મહેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું દિપ પ્રગટાવીને કવચ પ્રોજેક્ટનો શુભારંભ કરતાં મહામહિમ રાજ્યપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાગરા તાલુકાના ૬ વર્ષથી નીચેના બાળકોના સર્વાંગી વિકાસ અને સગર્ભા – ધાત્રિ માતાઓની આરોગ્ય સંભાળના મુખ્ય હેતુથી કવચ પ્રોજેક્ટનો શુભારંભ બદલ સંસ્થાઓને શુભકામના પાઠવી હતી. છેલ્લા કેટલાંક વર્ષોમાં ભારતે સ્વાસ્થ્યની બાબતમાં સારી પ્રગતિ કરી છે. જેમાં શિશુ મૃત્યુ દર ઓછો, પોલિયો જેવી બિમારી દુર થઇ છે, માતાનું મૃત્યુ દર ઘટયો છે. આ બધામાં દેશમાં સ્વાસ્થ્ય સેવામાં વધારો, સ્વાસ્થ્ય અભિયાન, સ્વચ્છતા અભિયાન, રસિકરણમાં વૃધ્ધિ તથા સરકારી યોજનાઓની વિશેષ જાણકારીનું આ પરિણામ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રોજેક્ટ કવચ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને વાગરા તાલુકામાં ૬ વર્ષથી નાના બાળકોનો સાર્વત્રિક વિકાસ સાથે સ્વાસ્થ્ય, શિક્ષા, દેખરેખ, પોષણ વગેરેમાં સરકાર, માતા – પિતા, સંસ્થાઓ, સંગઠનોની ભૂમિકા મહત્વની હોય છે.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે ૨૦૧૭-૧૮ માં પશ્વિમક્ષેત્રના ૭ રાજ્યોમાં ભરૂચ જિલ્લાને ભારત સરકાર ધ્વારા પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હેઠળ પુરસ્કારથી નવાજવામાં આવેલ છે. પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસમાં ભરૂચ જિલ્લામાં ૧૦૫૦૦ વિવિધ પ્રવૃત્તિઓ થતાં રાજ્યમાં બીજા ક્રમાંક સાથે આવેલ છે. આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓ, માતાઓ, બાળકોને પૌષ્ટિક આહાર પ્રાપ્ત કરવાના હેતુસર ત્રીસ અલગ અલગ ખાદ્ય પદાર્થોની ૧૫૦૦ પુસ્તિકાઓ આંગણવાડીમાં વિતરણ કરવામાં આવી હતી તથા દૂધ સંજીવની યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા વાલીયા અને નેત્રંગ તાલુકાના ૬ વર્ષ સુધીના ૧૮૧૪૯ કુમારોને તથા ૧૭૮૫૧ કન્યાઓને આ યોજનાનો લાભ મળેલ છે ત્યારે આ કાર્યોમાં સહયોગ આપનાર તમામની કામગીરીને બિરદાવી હતી. તેમણે આઇ.જી.ડી. ભરૂચ જિલ્લામાં માતૃત્વ સ્વાસ્થ્ય અને બાળકોનો સર્વાંગી વિકાસ માટે કાર્ય કરશે તેવી અભિલાષા વ્યક્ત કરતાં કહ્યું હતું કે બાળકોનો વિકાસ માત્ર શાળા નહી, મોંઘા ફળ – શાકભાજી નહીં પરંતુ અપુરતો વિકાસ ગર્ભવતી મહિલાની દેખભાળ તણાવ રહિત વાતાવરણ નિયમિત રૂપે મળવું જોઇએ.
આ પ્રોજેક્ટમાં સ્વાસ્થ્ય અને ન્યુટ્રિશન સેવાઓમાં સુધાર, બાળકો માટે સુવિધામય અને મૈત્રિપુર્ણ આંગણવાડીનું નવિનીકરણ સાથે ફ્રન્ટ લાઇન વર્કસ પંચાયતી રાજ ઇનસ્ટિટયુટના કાર્યકરોનું કૌશલ્યવર્ધન, જોખમી માતાઓની ઓળખ માટે મોબાઇલ ડાયજ્ઞોષ્ટીક કીટની શરૂઆત સહિતની પ્રવૃત્તિઓ સંસ્થાઓ ધ્વારા થશે ત્યારે આવી પ્રવૃત્તિઓ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી પહોંચે તેવી આશા સેવી ગ્લેનમાર્ક ફાઉન્ડેશન અને આઇ.જી.ડી. ધ્વારા થયેલી પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ જણાવી માતૃત્વ અને બાળકોના વિકાસમાં આ સંસ્થાઓ રાજ્ય સરકારના પ્રયાસમાં ભાગીદાર બનશે.
રાજ્યના સહકાર મંત્રી ઇશ્વરસિંહ પટેલે ભાવિપેઢીને તંદુરસ્તી બક્ષવા માટે ગ્લેનમાર્ક ફાઉન્ડેશન અને આઇ.જી.ડી. સંસ્થા ધ્વારા અનેક વિધ પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે ત્યારે તેમની આ સરાહનિય પ્રવૃત્તિઓને બિરદાવતાં અને શુભેચ્છા પાઠવતાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. ધારાસભ્ય દુષ્યંતભાઇ પટેલે ભરૂચ જિલ્લાના ૧૫ ગામોને ધ્યાને લઇ આરંભાયેલા કવચ પ્રોજેક્ટની વિસ્તૃત વિગતો આપી આઇ.જી.ડી. અને ગ્લેનમાર્ક ફાઉન્ડેશનના કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સિનિયર વાઇસ પ્રેસિડન્ટ વિનય અગ્રવાલે પ્રોજેક્ટ કવચ, ગ્લેનમાર્ક ફાઉન્ડેશનની વિસ્તૃત માહિતી આપી હતી. આઇ.જી.ડી.ના પવન વર્માએ કુપોષણની સમસ્યા કેવી રીતે દુર કરી શકાય તે માટેના કવચ પ્રોજેક્ટની વિસ્તૃત સમજ પ્રેઝન્ટેશન ધ્વારા પુરી પાડી હતી. વિવિધ શાળાના બાળકો ધ્વારા સુંદર સાંસ્કૃત્તિક કાર્યક્રમો રજૂ થયા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, પ્રાંત અધિકારી રમેશભાઇ ભગોરા, અધિકારીગણ, આઇ.એફ.ડી.ના હોદ્દેદારો, ગ્લેનમાર્ક ફાઉન્ડેશનના અધિકારગણ, કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ, શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






