ભરૂચ ખાતે બે દિવસ માટે યોજાનારા કૃષિ મેળાનો રાજ્યના મંત્રીના હસ્તે શુભારંભ કરાયો.

0
14

ખેડૂત તાલીમકેન્દ્ર તથા એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી(આત્મા પ્રોજેક્ટ) – ભરૂચ અને ખેતીવાડી શાખા, જિલ્લા પંચાયત – ભરૂચ ના સંયુક્ત ઉપક્રમે ખેડૂત તાલીમ કેન્દ્ર, અયોધ્યાનગર સોસાયટી, પાણીની ટાંકી પાસે, લીંક રોડ – ભરૂચ ખાતે બે દિવસ માટે યોજાનારા કૃષિ મેળો – ૨૦૧૯ અન્વયે કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદનો શુભારંભ આજરોજ સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલના વરદહસ્તે દિપ પ્રગટાવીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા આગ્રે, સંયુક્ત ખેતી નિયામક (વિસ્તરણ) વડોદરા વિભાગ એમ.કે.કુરેશી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમનું દિપપ્રગટાવી સમારંભના અધ્યક્ષસ્થાનેથી મોટી સંખ્યામાં હાજર રહેલાં ખેડૂત ભાઇ- બહેનોને સંબોધતા સહકાર રાજ્ય મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, આજનો ખેડૂત કઇ રીતે સધ્ધર થાય અને કૃષિક્ષેત્રે આર્થિક આવક કેવી રીતે વધુ મેળવે તેવો રાજ્ય સરકારનો પ્રયાસ રહ્યો છે. રાજ્યમાં કૃષિ મહોત્સવથી કૃષિ ઉત્પાદન અને કૃષિ વિકાસ દર સતત વધ્યો છે અને ખેડૂતો ધાર્યું ઉત્પાદન મેળવતાં થયા છે. તેમણે રાજ્ય સરકાર ધ્વારા વિતેલા વર્ષોમાં કૃષિ મહોત્સવના માધ્યમથી સફળ પરિણામોની આંકડાકીય માહિતી આપી હતી. તેમણે કૃષિક્ષેત્રે ખેડૂતો માટેની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકાઇ છે ત્યારે તેનો મહત્તમ લાભ લેવાનો ઉપસ્થિત ખેડૂત સમૂદાયને અનુરોધ કર્યો હતો.

જ્યારે સંયુક્ત ખેતી નિયામક એમ.કે.કુરેશીએ કૃષિ મહોત્સવના સફળ પરિણામોને કારણે સરકાર, ખેડૂત અને કૃષિ વિજ્ઞાનિકોના માધ્યમથી ખેતીક્ષેત્રે સફળતા મળી છે. તેમણે રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજના વિશે જાણી તેનો મહત્તમ લાભ લેવા તે દિશામાં જાગૃત થવાની હિમાયત કરી હતી. દિનેશ સેવક ધ્વારા કૃષિ અને જીવનલક્ષી અંગેનું સુંદર માર્ગદર્શન પુરૂં પડાયું હતું. આ કાર્યક્રમમાં કૃષિ તજજ્ઞો ધ્વારા કૃષિ વિષયક માર્ગદર્શન, કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અંગે માર્ગદર્શન, સોઇલ હેલ્થ કાર્ડ અને જમીન સુધારણા અંગે માર્ગદર્શન પુરૂ પડાયું હતું. કૃષિ તજજ્ઞો સાથે કૃષિ બાગાયત અને પશુપાલન અંગેની પ્રશ્નોત્તરી પણ થઇ હતી. પ્રગતીશીલ ખેડૂત મનીષા જીતેન્દ્ર પટેલ, અમીતા હેમંત પટેલ અને અશ્વીન બાબર પટેલે ખેતીમાં મેળવેલ પરિણામની વાત કહી હતી.

આ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે ચેક વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે નાયબ ખેતી નિયામક(તાલીમ) પી.એસ.રાંકે સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રવણ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ધ્વારા પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ થયા હતા.

કૃષિ મહોત્સવ – ૨૦૧૯ ના કાર્યક્રમ પ્રસંગે ધારીખેડા સુગરના વાઇસચેરમેન અને ખેડૂત અગ્રણી અજયસિંહ પરમાર, જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટ, કૃષિ તજજ્ઞો, પ્રગતિશીલ ખેડૂતો, આગેવાન પદાધિકારીઓ, ખેતી વિભાગના અધિકારીગણ તથા ખેડૂત ભાઇઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભ પહેલાં મંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા મહાનુભાવોએ કૃષિ વિષયક વિવિધ પ્રદર્શન સ્ટોલની પણ મુલાકાત લીધી હતી.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY