પાણી અને ઘાસચારા મુદ્દે માલધારીઓએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

0
7

ભાવનગર,તા.૧૩
ભાવનગર જીલ્લાના માલધારીઓ પાણી અને ઘાસચારા માટે વલખા મારી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી સરકાર પાસે ઘાસચારા અને પાણી માંગ પણ કરી રહ્યાં છે. પરંતુ સરકારના પેટનું પાણી ના હલતા આજે માલધારી સમાજ દ્વારા રેલી કાઢી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે અને આગામી સમય જો પાણી અને ઘાસચારાની સમસ્યા હલ નહી થાય તો ઉગ્ર આદોલનની ચીમકી ઉચ્ચારી છે.
એક તરફ સરકાર પાણીની ક્યાંય ઘટ નથી ના દાવાઓ કરી રહી છે. પરંતુ ભાવનગર જીલ્લાના જળાશયોમાં પાણીની અછત જાવા મળી રહી છે. તેવામાં માલધારીઓ પાણી અને ઘાસચારા માટે વલખાં મારી રહ્યાં છે. જીલ્લાના સિહોર પંથકના માલધારીઓ પાણી અને ઘાસચારાની અછતના કારણે અન્ય જીલ્લાઓમાં હિજરત પણ કરી ચુક્યા છે. જ્યારે બાકી રહેલા માલધારીઓ પાણી અને ઘાસચારા માટે હાલ વલખા મારી રહ્યાં છે. છેલ્લા ઘણા સમયથી પાણી અને ઘાસચારાની માંગ કરી રહ્યાં છે. શહેરના મોતીબાગ ટાઉન હોલમાં મોટી સંખ્યામાં માલધારીઓ આજે એકઠા થયા હતા અને રેલી કાઢી જીલ્લા કલેકટરને પાણી અને ઘાસચારાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે માલધારીઓએ ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં પાણી અને ઘાસચારાનો પ્રશ્ન હલ નહી થાય તો હજારોની સંખ્યામાં કલેકટર કચેરીએ માલધારીઓ બેસીને ધરણા કરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY