નવી સરકાર આયોજના હેઠળ નવા કાર્ડ રજૂ કરશે
ભોપાલ,તા.૪
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા પછી કમલનાથ એક પછી એક જુની સરકારના નિર્ણયોને રતબાદલ કરી રહ્યા છે. વંદે માતરામ વિવાદ હજુ બંધ થયો છે ત્યાં તો હાલની કોંગ્રેસ સરકારે એક રાજકીય નિર્ણય લીધો છે કે જે હોબાળો કરે એવો છે. જુની સરકારે સંબલ યોજના હેઠળ જે સ્માર્ટ કાર્ડ જાહેર કર્યા હતા એને હવે રદ કરી દીધા છે. એવું કહેવામાં આવે છે કે નવી સરકાર આ યોજના હેઠળ નવા કાર્ડ રજૂ કરશે.
શિવરાજ સરકારે ૧૮ કરોડ રૂપિયા ખર્ચ કરીને મુખ્ય પ્રધાનના ફોટો સાથે સ્માર્ટકાર્ડ જાહેર કર્યા હતા. એવું કહેવામાં આવે છે કે કાર્ડ પર શિવરાજનો ફોટો હોવાથી તે કમલનાથને ન ગોઠ્યું એટલે આ કાર્ડ બંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જા અહેવાલોનું માનવામાં આવે તો કમલનાથ નવા કાર્ડ રજુ કરશે અને એ કાર્ડમાં મુખ્યમંત્રીનો ફોટો રાખવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે જુલાઇ ૨૦૧૮માં ભાજપ સરકારે સંબલ યોજના હેઠળ ૧.૮૦ કરોડ મજૂરો માટે સ્માર્ટ કાર્ડ છાપ્યા હતા. આ કાર્ડ પર શિવરાજનો ફોટોગ્રાફ રાખવામાં આવ્યો હતો. તે સમયે કાંગ્રેસે તેનો વિરોધ કર્યો હતો. સ્માર્ટકાર્ડને પાછુ ખેંચવા માટે શ્રમ વિભાગના મુખ્ય સચિવ સંજય દુબેએ તમામ કલેક્ટરો અને જીલ્લા પંચાયત સીઈઓને પત્ર પણ લખ્યા છે.
એવું કહેવામાં આવે છે કે નવા કાર્ડમાં કાર્યકરનાં નામ, એનું સરનામું, જન્મ તારીખ, મોબાઇલ નંબર જેવી વ્યક્તિગત માહિતી આપવામાં આવશે. અને એના પર મુખ્યમંત્રીનો કોઈ ફોટો રહેશે નહીં. સાથે સાથે તેનો લોગો પણ બદલાશે. તેમજ કોંગ્રેસ મેનિફેસ્ટોમાં શામેલ યોજનાઓ વિશેની માહિતી પણ હાજર રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





