એસ્ટ્રોનોમી ક્લબ જણાવ્યું છે કે આજે ભુજમાં પડછાયો ગાયબ થઈ જશે

0
145

આજે ભુજમાં પડછાયો ગાયબ થઈ જશે.

  • આજે 13 જુન બપોરના 12 વાગીને 51 મિનિટે ભુજમાં જમીન ઉપર સીધી ઉભેલી વસ્તુઓનો પડછાયો ગાયબ થઈ જશે.

આ ખગોળીય ચમત્કૃતિ સુર્યના બરોબર માથે આવવાના કારણે થાય છે. સામાન્ય રીતે આપણે એવું માનીએ છીએ કે દરરોજ બપોરે 12 વાગ્યે સુર્ય માથે આવે છે, પરંતુ તે સાવ સાચું નથી. આ બાબતે માહિતી આપતાં કચ્છ એસ્ટ્રોનોમી ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર જણાવે છે કે પૃથ્વીની ધરી સાડા ત્રેવીસ અંશ નમેલી હોવાના કારણે વર્ષ દરમિયાન સુર્યની ગતિ પૃથ્વી ઉપરના કર્ક વૃત અને મકર વૃત વચ્ચે રહે છે. દિવસોની વધઘટ તથા ઋતુઓમાં બદલાવ પણ આ કારણે જ થાય છે. કચ્છમાં કર્ક વૃત પસાર થતો હોઈ સુર્ય જ્યારે કર્ક વૃત ઉપર આવે છે ત્યારે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ અને ટુંકામાં ટુંકી રાત્રીની ઘટના બને છે. તે પહેલાં જે દિવસે સુર્ય માથા ઉપર આવશે તેવા સ્થળોએ તે દિવસે સ્થાનિક મદ્યાહ્ને એક મિનિટ માટે પડછાયો ગાયબ થઈ જશે. ભુજમાં 13મી જુનના બપોરે 12.51 કલાકે, નલિયા, ભચાઉ 14 જુનના જ્યારે નખત્રાણામાં 16 જુનના આ ઘટના બનશે.

આ ઘટનાનું નિરિક્ષણ કરવા સ્થાનિક મધ્યાહ્ને ટટ્ટાર ઉભી રહેલ વ્યક્તિ, વિજળીના કે વોલીબોલ ના થાંભલા કે ઉંચી સીધી દિવાલના પડછાયા જે તે વસ્તુ ઉપર જ પડતા હોવાથી પડછાયો જમીન ઉપર દેખાતો નથી. ખગોળીય ઘટનાઓ દ્વારા આ ક્ષેત્રના જાણકારો, શિક્ષકો વિધ્યાર્થીઓને પૃથ્વીનું પરિભ્રમણ, અક્ષાંસ, રેખાંશ, ઋતુઓ વગેરે બાબતની જાણકારી આપી તેમના જ્ઞાનમાં વધારો કરે તેવી અપીલ કરવામાં આવી છે.

પ્રયોગ કેવી રીતે કરી શકાય?

આ પ્રયોગ બપોરનો સુર્ય પ્રકાશ જ્યાં આવતો હોય ત્યાં કરવાનો છે. ખુલ્લા મેદાન અથવા અગાસી કે પાકા ફ્લોર ઉપર આ પ્રયોગ થઈ શકે. પ્રયોગ માટે કોઈ પણ વસ્તુ જેમકે બોટલ, ડબ્બો, લાકડી, જેની બધી બાજુઓ સીધી હોય તેવી વસ્તુઓ નો ઉપયોગ કરી શકાય. પોતાના સ્થળના અક્ષાંસ અને રેખાંશ ઉપરથી Zero Shadow Day ની તારીખ અને સમય મળી શકશે. નિશ્ચિત સમયથી એક કલાક કે અડધા કલાક પહેલાં નિરિક્ષણ શરૂ કરવું જોઈએ.

આ પ્રયોગ દ્વારા બાળકોને પૃથ્વીની ધરી જે 23.5 અંશ નમેલી છે અને તેના કારણે ઋતુઓ થાય છે તે, દિવસ અને રાતની લંબાઈમાં થતી વધ ઘટ, અક્ષાંસ અને રેખાંશ નું મહત્વ, સ્થાનિક મધ્યાહ્ન, આપણો પ્રમાણિત સમય કે જે અલાહબાદ ના રેખાંશ પ્રમાણે નક્કી થયેલો છે તે તથા સ્થાનિક સમય વચ્ચે નો તફાવત અને તેની અગત્યતા વગેરે બાબતો સમજાવી શકાય.

ખાવડા, રાપર, લખપત, નારાયણ સરોવર જેવા સ્થળોએ સુર્ય ક્યારેય માથા ઉપર આવતો નથી જેથી આવી ઘટના ત્યાં બનતી નથી.

શુન્ય છાયા દિન ના આયોજન માટે આપના ગામ શહેર નો સમય જાણવા માટે www.alokm.com/zsd.html વેબસાઈટ ઉપર જવાથી નકશો ખુલશે જેમાં આપના સ્થળ ઉપર ક્લિક કરવાથી સમય અને તારીખ જાણી શકાશે. સ્માર્ટ ફોન ધરાવનારા પ્લે સ્ટોર ઉપરથી ZSD નામની એપ્લિકેશન ડાઉંલોડ કરી પોતાના ગામ કે શાળાનો શુન્ય છાયા દિન તારીખ અને સમય શોધી શકશે. આ એપ્લિકેશનનું ગુજરાતી ભાષાંતર કચ્છના ખગોળ શોખીન નિશાંત ગોર દ્વારા કરવામાં આવેલ છે. શુન્ય છાયા દિનની ઉજવણી બાબતે ભારત સરકાર નું વિજ્ઞાન વિભાગ પણ સક્રિય થયું છે. તાજેતરમાં મુંબઈના હોમી ભાભા વિજ્ઞાન કેન્દ્ર ખાતે બે દિવસિય કાર્ય શિબિર નું આયોજન થયેલ હતું જેમાં ગુજરાતમાંથી ત્રણ પૈકી કચ્છના નરેન્દ્ર ગોર સાગર અને નિશાંત ગોર ને ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ હતું.

21 જુન બાદ સુર્યની દક્ષિણાયન ગતિ શરૂ થતાં ભુજ, નલિયા, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, વગેરે વિસ્તારોમાં ફરીથી શુન્ય છાયા દિનની ઘટના બનશે. આ બાબતે વધુ માહિતિ માટે કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ ભુજનો મો નં. 9428220472 ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

અહેવાલ ગૌતમ બુચિયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY