ભૂવનેશ્વર,તા.૨
વાવાઝોડા ફોનીએ વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. ફોની તોફાનના કારણે અત્યાર સુધી ૧૦૩ ટ્રેન રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં ફોની તોફાનની અસર દેખાવવાની શરુઆત થઈ ગઈ છે. વાવાઝોડાની અસર ઓડિશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઓછામાં ઓછા ૧૯ જિલ્લા પર પડશે. ઉપરાંત સેનાને એલર્ટ રાખવામાં આવી છે. ફોની શુક્રવારે પુરીના દરિયાકાંઠે ત્રાટકી શકે છે.
વાવાઝોડુ દરિયા કાંઠે ટકરાય તે પહેલા ૧૮૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકવાની સંભાવના છે. ફોની ચક્રવાતને ધ્યાનમાં રાખી ઓડિશાના બધા ડોક્ટર અને હેલ્થ સ્ટાફની રજાઓ રદ કરી દેવામાં આવી છે. આ સિવાય કર્મચારીઓને પણ હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવાનો આદેશ આપ્યો છે. ઓડિશા ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ આ તોફાનની અસર પડવાની સંભાવના છે.
૩ મે ના રોજ બધા તટીય જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. રાજ્યના સીએમ નવિન પટનાયકે આ દરમિયાન લોકોને સર્તક રહેવાની અપીલ કરી છે. ઓડિશાના કેટલાક ભાગમાં યલો તો કેટલાક ભાગમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
સુરક્ષાદળોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. ઓડિશાના સમુદ્રકાંઠામાં વસતા આઠ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી ઓડિશામાં ૮૭૯ આશ્રય સ્થળો તૈયાર કરવામાં આવી ચુકવ્યા છે. આ ઉપરાંત લોકોને આશ્રય આપવા માટે શાળા-કોલેજાની ઈમારતોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રેલવેએ પણ એલર્ટ જારી કર્યું છે. તકેદારીનાં પગલાંરૂપે સમુદ્રકાંઠાના વિસ્તારમાંથી પસાર થતી ૨૨ ટ્રેન રદ કરી દેવામાં આવી છે અને આ રીતે અત્યાર સુધીમાં ૧૦૩ ટ્રેન રદ કરાઈ છે.
ભારતીય હવામાન વિભાગે ફેની ચક્રવાતને લઈ ઓડિશા, પશ્ચિમ બંગાળ અને આંધ્રના ત્રણ જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે આ વિસ્તારમાં ફેની ચક્રવાતના કારણે ભારે તારાજી અને તબાહી દર્શાવવાની દહેશત વ્યક્ત કરી છે. માછીમારોને ૧ થી ૫ મે સુધી દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ચૂંટણીપંચે ઓડિશાના ૧૧ જિલ્લામાં રાહત અને બચાવકાર્યમાં ઝડપ લાવવાના હેતુથી ચૂંટણી આચારસંહિતા પાછી ખેંચી લીધી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




