બીટકોઈન કેસમાં અમરેલી પોલીસે 3 દિવસ વહેલા ફાર્મ હાઉસના નોકરોને કેમ કાઢી મૂક્યા

0
100

અમરેલીના વતની અને સુરતના બીલ્ડર શૈલેષ ભટ્ટને બીટકોઈન કેસમાં ઉપાડી જઈ 12 કરોડની કિમંતના બીટકોઈન પડાવી લેવાના કેસમાં નવા તથ્યો સામે આવ્યા છે, જેમાં અમરેલી પોલીસે આ ઘટનાક્રમની કોઈને જાણકારી મળે નહીં તેવી પુરી વ્યવસ્થા કરી હતી, શૈલેષ ભટ્ટને ગાંધીનગરથી ઉપાડી જઈ, ચીલોડા નજીકના કેશવ ફાર્મમાં ગોંધી રાખી પૈસા પડાવવા માટે કેશવ ફાર્મના તમામ નોકરોને ત્રણ દિવસ પહેલા જ રજા આપી ગામડે મોકલી દેવામાં આવ્યા હતા.

જે તથ્યો હાથ લાગ્યા છે તે પ્રમાણે અમરેલી પોલીસ અચાનક એક અરજીના કામે ગાંધીનગર પહોંચી ગઈ અને શૈલેષ ભટ્ટ ઝડપાઈ ગયા તેવુ નથી, પણ શૈલેષ ભટ્ટને કયાં અને કેવી રીતે પકડવા અને કયાં લઈ જવા તેનું આગોતરૂ આયોજન અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યુ અને હતું, ચીલોડા -દહેગામ હાઈવે ઉપર આવેલા કેશવ ફાર્મની માલિકી ગુર્જરબંધુઓની છે, હરેશ-હસમુખ જયેશ ગુર્જરના સંયુકત નામે આ મિલ્કત આવેલી છે. અને તેમની કોબા- ઈન્દીરાબ્રીજ વચ્ચે રાજધાની નામની એક હોટલ પણ આવેલી છે. આ હોટલ માલિકોને પોલીસ અધિકારીઓ સાથે સારો સંબંધ છે.

અમરેલી પોલીસના ઈન્સપેકટર અનંત પટેલે અગાઉથી ફાર્મ હાઉસના માલિકો સાથે વાત કરી ફાર્મ હાઉસ ખાલી કરાવી દેવામાં આવ્યુ હતું, આ ફાર્મ હાઉસમાં વાવણી કરવા માટે મગોડી ગામના વતની કમલેશ પટેલને સોંપવામાં આવ્યુ છે. પરંતુ પોલીસનો કાફલો અને શૈલેષ ભટ્ટને ફાર્મ હાઉસમાં આવવાના હતા, તેના કારણે અગાઉથી સુચના આવી જતા ખેત મજુરો અને કમલેશ પટેલને અગાઉથી રવાના કરી દેવામાં આવ્યા હતા, આ અંગે આ સંવાદદાતાએ કમલેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ હતું તેમના ફાર્મ હાઉસમાં અમરેલી પોલીસ આવી હતી કે વાતની જાણકારી તેમને પાછળથી મળી હતી.

પરંતુ જયારે પોલીસ આવી ત્યારે તેઓ પોતાના ઘરે એક લગ્ન પ્રસંગ હોવાને કારણે હાજર ન્હોતા તેવો તેમનો દાવો છે, જયારે તેમને પુછવામાં આવ્યુ કે ખેત મજુરો કયાં ગયા હતા, ત્યારે તેમણે કહ્યુ કે તેમના ગામમાં કોઈનું મરણ થયુ હોવાને કારણે તે મજુરો ગામડે ગયા હતા, આમ કમલેશ પટેલ અને મજુરો ત્યાં ન્હોતા તેવો ખુદ કમલેશ પટેલનો દાવો છે, જયારે કમલેશ પટેલને પુછવામાં આવ્યુ કે જો તમે કોઈ જ ફાર્મ હાઉસમાં ન્હોતા તો પછી અમરેલી પોલીસ પાસે ફાર્મ હાઉસની ચાવી કેવી રીતે આવી ત્યારે તેમણે કહ્યુ હું જાણતો નથી કે ચાવી પોલીસ પાસે કેવી રીતે આવી હતી.

આમ આખી ઘટના બહુ સ્પષ્ટ થાય છે કે અમરેલીના પોલીસ ઈન્સપેકટર અનંત પટેલ શૈલેષ ભટ્ટના કથીત બીટકોઈનના ધંધા અંગે કોઈ કેસ કરવા માગતા જ ન્હોતા, પણ તેમનો ઈરાદો શૈલેષને ડરાવી પૈસા પડાવવાનો જ હતો તેના કારણે તેઓ અમરેલીથી ગાંધીનગર આવ્યા અને તેની સામે સત્તાવાર કાર્યવાહી કરવાને બદલે તેમનું અપહરણ કરી, તેમને ગેરકાયદે ગોંધી રાખી માર માર્યો હતો, શૈલેષ ભટ્ટે પાસેથી ઈન્સપેકટર અનંત પટેલે 12 કરોડની બીટકોઈન લીધા છે તે સાબીત ના પણ થાય તો પણ તેનું અપહરણ અને ગોંધી રાખવાનો ગુનો સ્પષ્ટ છે.

છેલ્લાં કેટલાય વર્ષોથી ગુજરાત પોલીસ હાઈવે ઉપરના વેરાન ફાર્મ હાઉસનો ઉપયોગ લોકોને ગેરકાયદે ગોંધી રાખવા અને ધાક ધમકી આપવા માટે કરી હોવાનું અગાઉના અનેક કેસમાં બહાર આવ્યુ છે, ફાર્મ હાઉસના માલિકોને પોલીસ અધિકારી સાથે સંબંધ રાખવાની લાલસાને કારણે તેઓ પોતાના ફાર્મ હાઉસ પોલીસ અધિકારીઓને આપતા હો. છે. શૌહરાબઉદ્દી એન્કાઉન્ટર કેસમાં પણ પોલીસે અરહમ ફાર્મનો ઉપયોગ કર્યો હતો, જે કેસમાં ફાર્મ હાઉસના માલિક જીરાવાલાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા, જયારે ઈશરત કેસમાં ખોડીયાર ફાર્મનો ઉપયોગ થયો હતો, જેના માલિક પ્રભાત દેસાઈ સાક્ષી થઈ ગયા હતા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY