ચંડીગઢ,તા.૧૬
પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સહિત અન્ય આરોપીઓ દોષિત જાહેર થયા બાદ હવે ગુરુવારે તેમને સજા જાહેર કરાશે. પંચકૂલામાં CBIની ખાસ અદાલત વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી ગુરમીત રામ રહીમની સજાનું એલાન કરશે. ગુરમીત રામ રહીમ હાલ રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. ગુરમીત રામ રહીમને ક્યાં સજા સંભળાવવામાં આવે તે મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી.
હરિયાણા સરકારે સીબીઆઇની ખાસ અદાલતમાં અરજી દાખલ કરી દોષિતોને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવાની માંગણી કરી હતી. સરકાર તરફથી કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી કે સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેમના સમર્થકોએ ભારે તોફાન મચાવ્યું હતું. આથી રામ રહીમ સહિતના આરોપીઓને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રજૂ કરવામાં આવે. કોર્ટે ૧૧ જાન્યુઆરીના રોજ પત્રકાર હત્યા કેસમાં રામ રહીમ સહિત પૂર્વ ડેરા સંચાલક કૃષ્ણ લાલ, નિર્મલ સિંહ અને કુલદીપ સિંહને દોષિત જાહેર કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




