કલર ઝેરોક્ષ કરેલી ૨૦૦૦ રૂપિયાની ૨૯ બનાવટી નોટો એસબીઆઈના ડિપોઝીટ મશીનમાં નંખાઈ

0
16

કોડીનાર,
તા.૩/૫/૨૦૧૮

સૂત્રાપાડા તાલુકાનાં ખેરા ગામનાં શખ્સનું કારસ્તાન

કોડીનારમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડયાનાં કેશ ડિપોઝીટ મશીન (સીડીએમ)માં સુત્રાપાડા તાલુકાનાં ખેરા ગામનાં શખ્સે રૃ ૫૮ હજારની જાલીનોટો ધાબડી દીધાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ છે. કારણ કે, બેન્કીંગ ક્ષેત્રમાં છેતરપિંડી થઈ શકે એવું ગંભીર છીંડુ ખુલ્લું પડયું છે. વિગત પ્રમાણે, કોડીનાર ખાતે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડયાનાં એટીએમ મશીનની સાથે સીડીએમ એટલે કે કેશ ડિપોઝીટ મશીન પણ મુકવામાં આવ્યું છે, જેમાં કોઈપણ ગ્રાહક કોઈપણ સમયે પોતાનાં ખાતામાં રૃપિયા જમા કરાવી શકે છે. આ દરમિયાન ગત તા.૧૫મી માર્ચે બેન્ક સત્તાધીશો દ્વારા ડિપોઝીટ મશીનમાં જમા થયેલી ચલણી નોટો કાઢવામાં આવી હતી.

જેમાંથી ૨૦૦૦નાં દરની ૨૯ ચલણી નોટો શંકાસ્પદ લાગતા બેન્ક તંત્ર દ્વારા અલગ રાખી દઈને માર્ચ મહિનાનાં છેલ્લા દિવસોમાં ગીર સોમનાથ જિલ્લાનાં નોડલ ઓફિસર પાસે જમા કરાવાઈ હતી. બીજી તરફ રૃ ૫૮ હજારની ૨૯ નોટ સંદર્ભે બેન્ક અધિકારી દ્વારા તપાસ પણ શરૃ કરાઈ હતી.જેમાં ખુલ્યું કે, રૃ ૨૦૦૦નાં દરની તમામ ૨૯ નોટો બનાવટી છે. એટલું જ નહીં, ફકત કલર ઝેરોક્ષ કરાવીને કાતર કે કટ્ટરથી કાપી અસલી નોટ તરીકે ડિપોઝીટ મશીનમાં ધાબડી દેવાઈ હતી. પરિણામે વધુ તપાસ કરતા ડિપોઝીટ મશીનમાં જાલીનોટો જે ખાતામાં જમા થઈ હતી. તેની તપાસ કરતા ખાતેદાર તરીકે સુત્રાપાડા તાલુકાનાં ખેરા ગામે રહેતા કુલદીપ હરીભાઈ ખેર નામનાં શખ્સનું નામ બહાર આવ્યું હતું. જેથી ૫૦ દિવસ બાદ અંતે ગઈકાલે વેરાવળની સટ્ટા બજાર બ્રાન્ચમાં ફરજ બજાવતા નોડલ ઓફિસર દેવેન્દ્ર સિંહાએ ખેરા ગામનાં કુલદીપ હરીભાઈ ખેર વિરૃધ્ધ વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવતા એ.એસ.પી. પ્રવિણ સિંહાએ કાર્યવાહી હાથ ધરી છે. સરકાર અત્યારે ડિઝીટલ ઈન્ડયા અને કેશલેશ વ્યવહારોનાં બુમબરાડા પાડી રહી છે. ત્યારે બેન્કીંગ ક્ષેત્રમાં રહેલા છીંડા અને લોલમલોલનો ભાંડો ફોડતા આ કિસ્સાથી ભારે ચકચાર જાગી છે. કારણ કે, ફકત કલર ઝેરોક્ષ કરેલી બનાવટી નોટો પણ બેન્કનું ડિપોઝીટ મશીન સ્વીકારી લેતું હોય તો એ બાબતને અતિગંભીર ગણી શકાય તેવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY