ડાકોર,તા.૨૦
ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં દર્શનાર્થઓ ઉમટી પડ્યા છે. આજના દિવસે ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને ખેડા પોલીસ વિભાગ દ્વારા ડાકોરના ઠાકોરને ધજા ચઢાવવામાં આવી હતી.
આ વિશે વાત કરીએ તો, ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પુનમની ધામધુમ પુર્વક ઉજવણી શરૂ થઇ ગઇ છે. વર્ષોથી ફાગણી પુનમે યાત્રાધામ ડાકોર ખાતે પગપાળા આવતા ભક્તો વહેલી સવારની મંગળા આરતી કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે બુધવારનાં દિવસની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ડાકોર મંદિરમાં ઉમટી પડ્યા હતા.
ડાકોરમાં બુધવારે સવારે ૪ વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તોના ટોળે ટોળા મંદિરમાં દર્શન કરવા રીતસરની ધક્કા મુકકી કરી મુકી હતી. મંગળા આરતી સમયે મંદિરના ગુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી.
લાખ્ખોની સંખ્યામાં આવેલ ભાવિક ભક્તોને મંદિર પ્રસાસન દ્વારા હોળીની શુભકામના પાઠવવામાં આવી હતી. જ્યારે ખેડા જિલ્લા વહીવટી વિભાગ દ્વારા ફાગણી પુનમ નિમિત્તે ડાકોર મંદિર પર સૌપ્રથમ ધ્વજો ચઢાવવામાં આવી હતી. દર વર્ષે ખેડા જિલ્લા વહીવટી વિભાગ અને પોલીસ વિભાગ ની ધ્વજો સૌપ્રથમ ચઢાવ્યા બાદ જ અન્ય ભક્તોની ધ્વજો મંદિરમાં ચઢાવાતી હોય છે. સમગ્ર ડાકોર ગામ જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



